Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'..ત્યાં વિતાવેલી એક-એક ક્ષણ નર્ક સમાન'- પાકિસ્તાનથી આવેલા હિંદુ તબીબોએ વ્યથા ઠાલવી:...

    ‘..ત્યાં વિતાવેલી એક-એક ક્ષણ નર્ક સમાન’- પાકિસ્તાનથી આવેલા હિંદુ તબીબોએ વ્યથા ઠાલવી: અમદાવાદમાં માઈગ્રન્ટ ડૉકટર્સનો રજીસ્ટ્રેશન આભાર સમારોહ યોજાયો

    આ દરમિયાન કાર્યક્રમમાં હાજર પાક. હિંદુ માઇગ્રન્ટ પાક હિન્દુ ડૉક્ટરોએ પાકિસ્તાનમાં તેમના પર થયેલા અત્યાચારો વિશે ખુલીને વાત કરી હતી. તો બીજી તરફ સીએમ ભુપેન્દ્ર પટેલે પણ તબીબોને અભિનંદન પાઠવ્યા હતા.

    - Advertisement -

    ગુરુપૂર્ણિમાના પાવન અવસરે અમદાવાદમાં પાકિસ્તાનથી આવેલા હિંદુ ડૉકટરોનો રજીસ્ટ્રેશન આભાર સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ પાકિસ્તાનમાં પ્રતાડનાઓ ભોગવી ભારત આવેલા હિંદુ ડૉક્ટર્સ દ્વારા તેમને ભારતીય નાગરિકતા અને મેડિકલ પ્રેક્ટિસ માટે રજીસ્ટ્રેશન મળવાના અવસરના અનુસંધાને યોજવામાં આવ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં માઇગ્રન્ટ પાક. હિંદુ ડૉક્ટર્સ ફોરમ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ દરમિયાન કાર્યક્રમમાં હાજર પાક. હિંદુ માઇગ્રન્ટ ડૉક્ટરોએ પાકિસ્તાનમાં તેમના પર થયેલા અત્યાચારો વિશે ખુલીને વાત કરી હતી. તો બીજી તરફ સીએમ ભુપેન્દ્ર પટેલે પણ તબીબોને અભિનંદન પાઠવ્યા હતા.

    મળતી માહિતી અનુસાર પાકિસ્તાનથી વિસ્થાપિત થયેલા કુલ 132 હિંદુ તબીબોએ મેડીકલ કાઉન્સિલની પરીસ્ક્ષા ઉત્તીર્ણ કરી છે અને રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ભારતીય નિયમો અનુસાર આ પરીક્ષા ઉત્તીર્ણ કર્યા બાદ હવે આ ડૉકટરો પોતાની રીતે ભારતમાં સ્વતંત્ર પ્રેક્ટિસ કરી શકશે. આ પહેલા તેઓને મેડીકલની દુકાનોમાં કે અન્ય જગ્યાઓ પર નોકરી કરવી પડતી હતી. પાસ થયેલા 52 ડોક્ટર્સ ગુજરાતમાંથી છે અને તેમનું ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ પૈકીના કુલ 32 તબીબો ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રમાં પોતાની સેવાઓ આપશે.

    અમદાવાદમાં પાકિસ્તાનથી આવેલા હિંદુ ડૉકટરોનો રજીસ્ટ્રેશન આભાર સમારોહ યોજાયો તે કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલે ઉપરાંત વિશ્વ હિંદુ પરિષદના રાષ્ટ્રીય સેવા પ્રમુખ અજય પારેખ, અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટભાઈ સોલંકી, અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર, વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

    - Advertisement -

    મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અભિનંદન પાઠવ્યા

    આ અવસરે કાર્યક્રમમાં હાજર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તમામ તબીબોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “આ અવસર અંતર્ગત જેમના રજીસ્ટ્રેશન થયા છે એવા સૌ તબીબો-ડોક્ટર્સ તો ગુજરાતની આરોગ્ય સેવામાં યોગદાન આપવાના છે, જે આપણા સૌ માટે એક ગૌરવની વાત છે. દેશના લોકોની આરોગ્ય સુરક્ષા માટે વડાપ્રધાનશ્રીએ નવ વર્ષના સુશાસન દરમ્યાન સફળ પ્રયાસો કર્યા છે. દેશમાં 2014માં કુલ 8 એઇમ્સ હતી જેની સંખ્યા વર્ષ 2023માં વધીને 23 થઇ છે. મેડીકલ કોલેજો 641 હતી જે વધીને 1,341 થઇ છે. દેશમાં 2014માં મેડીકલ સીટ 82 હજાર જેટલી હતી તે વધીને 1 લાખ 52 હજાર થઇ છે. કોરોનાકાળ દરમિયાન વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં વિશ્વનું સૌથી મોટુ વેક્સિનેશન અભિયાન ચાલ્યું હતું. જેમાં 220 કરોડથી વધુ ડોઝ દેશના નાગરિકોને આપવામાં આવ્યા છે.”

    ‘કરાચીમાં એમબીબીએસ પાસ થયા બાદ નામ બદલીને અક્રમ ખાન નામે પ્રેક્ટિસ શરુ કરવી પડી’- ડૉ. વિક્રમ મહેશ્વરી

    આ કાર્યક્રમમાં પાકિસ્તાનથી ભારત આવેલા ડૉ. વિક્રમ મહેશ્વરીએ પોતે ભોગવેલી પ્રતાડનાઓ વિશે ખુલ્લા મને વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “ભાગલા બાદ મારા પૂર્વજોએ પાકિસ્તાનમાં જ રહેવાનો નિર્ણય લીધો હતો. મારા પિતા શિક્ષક હતા. છેલ્લા કેટલાક વર્ષોથી અમારા માટે પાકિસ્તાનમાં રહેવું ખૂબ કપરું થઈ થઇ ગયું હતું. હિંદુ હોવાના કારણે અમારા સાથે ભેદભાવભર્યું વર્તન કરવામાં આવતું હતું. સ્કૂલ-કોલેજ હોય કે પાડોશ એમ દરેક સ્થાને અમને એકલા પાડી દેવામાં આવતા હતા. ભારત-પાકિસ્તાન વચ્ચે સરદહે તંગદિલી હોય કે સામાન્ય ક્રિકેટ મેચ હોય, તે સમયે અમારી સ્થિતિ વધુ કપરી થઇ જતી.

    ડૉ. વિક્રમ આગળ જણાવે છે કે, “પરિસ્થિતિઓ એટલી પડકારજનક હતી કે કરાચીમાં MBBS પાસ થયા બાદ મારે મારું નામ બદલીને ‘અક્રમ ખાન’ નામ રાખવું પડ્યું અને પ્રેક્ટિસ શરૂ કરવી પડી. મારી પત્ની સાડી જેવો સામાન્ય હિંદુ પોષાક પહેરીને બહાર જઇ શકતી નહોતી. અમારે નાછૂટકે પાકિસ્તાનનો પહેરવેશ પહેરીને બહાર જવું પડતું હતું. અમારા બાળકોનો જન્મ પાકિસ્તાનમાં થયો છે. અમે 2004માં ભારતમાં સ્થાયી થયા ત્યારથી જાણે નરકમાંથી મુક્ત થયા હોઇએ તેવો અનુભવ કરી રહ્યા છીએ.”

    ‘પ્રેક્ટિસ કરવા માટે ખંડણી આપવી પડતી, ન આપો તો હત્યા કરતા’- ડૉ. રાજકુમાર

    આ રીતે જ વર્ષ 2009માં પાકિસ્તાન છોડી ભારત આવેલા ડૉ. રાજકુમારે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, “પાકિસ્તાનમાં હિંદુઓ સોફ્ટ ટાર્ગેટ છે. હિંદુ ડૉક્ટરો પાસે ખંડણી માંગવામાં આવતી હતી. કોઇ ખંડણી આપવાથી ના પાડે તો તેની હત્યા કરી નાંખવામાં આવે છે. તાજેતરમાં જ એક હિંદુ ડૉક્ટરની આ રીતે જ હત્યા થઇ છે. કોઇ ડૉક્ટર ખંડણી આપવાથી ના પાડે તો તેને મહિલા દર્દીની જાતિય સતામણીના ખોટા કેસમાં પણ ફસાવવામાં આવે છે. આ ઉપરાંત હિંદુ બાળકો પણ ત્યાં સલામત નથી. બળજબરીપૂર્વક બાળકોનું ધર્માંતરણ કરવામાં આવે છે. નાની બાળકીઓનું અપહરણ કરી લઇ જવામાં આવે છે. અમે પોલીસ ફરિયાદ કરવા જઇએ તો અમારી ફરિયાદ પણ સાંભળવામાં આવતી નહોતી. અમારા બાળકોને શાળામાં ફરજીયાત કલમા પઢવાનું કહેવાતું.”

    ‘પાકિસ્તાનમાં પ્રતાડિત હિંદુઓ માટે ભારત તેમનું ઘર, તેઓ અહીં આવી શકે છે’- RSS સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) બેનર હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેજીએ પણ પાકિસ્તાનથી પ્રસ્થાપિત થયેલા તબીબોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે. “આજનો આ કાર્યક્રમ વિશિષ્ટ અને અવિસ્મરણીય છે. આજે ગુરુ પૂર્ણિમા છે તેનું અનેરુ મહત્વ છે. અંધકારથી પ્રકાશ તરફ લઈ જનારા ગુરુને નમન કરવાનો દિવસ છે. ભારત સમગ્ર માનવતાને માર્ગદર્શન આપનાર વિશ્વગુરુ છે. એવા વિશ્વગુરુની છત્રછાયામાં ફરીથી ભારતના નાગરિક બનેલા લોકો વચ્ચે હું આનંદિત છું. આ પ્રયાસ ચાલી રહ્યો હતો એમાં સંઘ, વિશ્વ હિંદુ પરિષદ વગેરે સંસ્થાઓ જોડાયેલી હતી. આ આભાર સમારોહ એટલે પોતાના જ ભાઈ બહેન, પોતાના જ ભાઈ બહેનનો આભાર પ્રગટ કરી રહયા છે. આપણે એક જ પરિવારના સભ્ય છીએ. 1947 માં ભારતના ટુકડા થઈ ગયા અને જે લોકો ત્યાં રહી ગયા અને પ્રતાડિત છે તેમનું ભારત ઘર છે તેઓ અહીં આવી શકે છે. આપ ભારત માતાના પુત્ર તો હતા જ પરંતુ હવે આપ બંધારણીય રીતે ભારતના નાગરિક પણ છો. વિશ્વમાં રહેતી પ્રત્યેક વ્યક્તિ ભારત માતાના સંતાન છે. ભારત માતા જગદમાતા છે તે વિશ્વના દરેક પ્રતાડિત લોકો માટે આશ્રય સ્થાન છે.”

    ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે અમદાવાદમાં પાકિસ્તાનથી આવેલા હિંદુ ડૉકટરોનો રજીસ્ટ્રેશન આભાર સમારોહ યોજાયો તેમાં દત્તાત્રેય હોસબાલેએ વધુમાં જણાવ્યું હતું કે, “જે લોકોએ અહીં આવીને ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરી છે આપનું આપના ઘરમાં સ્વાગત છે. દેશનું વિભાજન થયું તે ઇતિહાસની ભૂલ હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દેશના વિભાજનથી આ વિષય સાથે અંતઃકરણ પૂર્વક જોડાયેલો છે. ગુરુજીએ આદેશ આપ્યો હતો એક પણ હિંદુ ત્યાં રહે ત્યાં સુધી આપે ત્યાં રહેવાનું છે. સેંકડો સ્વયંસેવક ભાઈ બહેન ત્યાં હિંદુઓના સહયોગ માટે રહ્યા છે. આપ ભારતના નાગરિક બન્યા છો એનો સૌને આનંદ છે અને આપે હવે ભારત માતાની સેવા કરવાની છે. જે લોકો જીવન નિર્વાહ કરવા કષ્ટ ઉઠાવી રહ્યા છે તેમની સેવા કરવાની છે અને એ સેવા આપણો ધર્મ છે. માત્ર પાકિસ્તાનથી આવેલા લોકો જ નહીં પરંતુ જે લોકોને જરૂર છે તેમને પણ મદદ કરવાની જવાબદારી આપણી છે. આ રાષ્ટ્રભાવ નિભાવવાનો આપ સંકલ્પ લો એવો મારો આગ્રહ છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં