ફ્રાન્સમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ પોલીસે એક 17 વર્ષીય કિશોરને ગોળીએ દીધા બાદ ફાટી નીકળેલી હિંસા હજુ પણ પણ બંધ થવાનું નામ લઇ રહી નથી. છેલ્લા પાંચ દિવસથી ચાલતી હિંસામાં ટોળાંએ અનેક સ્થળો ભડકે બાળ્યાં છે અને ખૂબ ઉત્પાત મચાવ્યો છે. હિંસામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે તો બીજી તરફ ત્રણેક હજાર જેટલા તોફાનીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી મોટાભાગના તરૂણો અને યુવાનો છે. અત્યાર સુધી ટોળાંએ બેન્ક, લાઈબ્રેરી જેવાં જાહેર સ્થળો પર હુમલા કર્યા હતા અને હવે તેમણે નેતાઓને નિશાન બનાવવા માંડ્યા છે. તાજેતરમાં પેરિસના મેયરના ઘર પર હુમલો થવાની ઘટના સામે આવી છે.
શનિવારે રાત્રે ઉન્માદી ટોળાએ પેરિસના મેયર વિન્સેન્ટ જિનબ્રુનના ઘર પર હુમલો કરી દીધો હતો. આ સમયે મેયર ઘરે હાજર ન હતા પરંતુ તેમનાં પત્ની અને બાળકો ઘરમાં જ હતાં, જેમને ઇજા પહોંચી છે.
Rioters smashed a car into the home of the mayor of a town south of Paris.
— Citizen Free Press (@CitizenFreePres) July 2, 2023
His wife and one of his children were injured. His house was also set on fire. pic.twitter.com/VftR21UNAV
ટોળાંએ પેરિસના મેયરના ઘરને નિશાન બનાવતાં એક કાર લઇ જઈને ગેટ પર અથડાવી દીધી હતી અને ત્યારબાદ તેમાં આગ લગાડી દીધી હતી. આ બધું રાત્રે દોઢ વાગ્યે બન્યું હતું. આગ લગાડ્યા બાદ તોફાનીઓએ ઘર તરફ રોકેટ પણ છોડ્યાં હતાં. અચાનક હુમલા બાદ મેયરનાં પત્ની અને બાળકો ભાગવા જતાં તેમને ઇજા પહોંચી હતી. ઘટનામાં મેયરનાં પત્નીનો પગ ભાંગી ગયો છે તો એક બાળકને પણ ઇજા પહોંચી છે. મેયર જિનબ્રુને આ હુમલાને કાયરતાપૂર્ણ અને હત્યાનો પ્રયાસ ગણાવ્યો છે.
રવિવારે સતત પાંચમા દિવસે પણ ફ્રાન્સમાં હિંસા ચાલુ રહી હતી. જેને ડામવા માટે સરકારે 45 હાજર જવાનોને તહેનાત કર્યા છે, પરંતુ હજુ પણ ટોળાંને સંપૂર્ણ રીતે કાબૂમાં લઇ શકાયાં નથી અને હિંસાના સમાચારો સામે આવતા રહે છે. અત્યાર સુધી 3 હજાર તોફાનીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. મહત્વની વાત એ છે કે આ તોફાનીઓમાં મોટાભાગના તરૂણો અને કિશોરો છે, જેને લઈને રાષ્ટ્રપતિ મેક્રોં પણ ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે.
ફ્રાન્સમાં ચાલતી હિંસા વચ્ચે જે મેયરના ઘર પર હુમલો થયો તેમણે રાષ્ટ્રપતિ મેક્રોંને દેશમાં ઇમરજન્સી લાગુ કરવા માટે વિનંતી કરી હતી, પરંતુ રિપોર્ટ્સ અનુસાર હજુ આ મુદ્દે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.