આણંદ શહેરમાં બકરી ઈદ બાદ ઉપરાછાપરી બે દિવસ હિંદુ વિસ્તારોમાં જાહેર રસ્તા પરથી પશુ માંસ મળી આવવાની ઘટનાઓ સામે આવી છે. એક દિવસે પશુનું કપાયેલું માથું મળી આવ્યું હતું તો બીજા દિવસે પણ કેટલાક અવશેષો મળ્યા હતા. જેને લઈને સ્થાનિક હિંદુઓમાં રોષ વ્યાપ્યો છે અને આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે.
ગુરૂવારે બકરી ઈદના દિવસે સાંજે આણંદની ગ્રીડ ચોકડી પાસે આવેલી કૃષ્ણકુંજ સોસાયટી પાસેથી ખુલ્લામાં કોઈ પશુનું કપાયેલું માથું મળી આવ્યું હતું. જે મામલે પોલીસને જાણ કરવામાં આવતાં મળી આવેલ અંગને FSLમાં મોકલીને જાણવાજોગ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી. ઉપરાંત, પોલીસે સીસીટીવીના આધારે પણ તપાસ આદરી હતી.
આ ઘટનાના બીજા દિવસે શુક્રવારે ફરી આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હતું અને હિંદુ વિસ્તારોને ટાર્ગેટ કરીને પશુના વધારેલા માંસ અને હાડકાંના કચરાનો જાહેરમાં નિકાલ કરવામાં આવ્યો હતો. શુક્રવારે સવારે આણંદની પાયોનિયર ચોકડી, નાની ખોડિયાર રોડ વગેરે વિસ્તારમાં પશુઓનાં કપાયેલાં માથાં, હાડકાં અને અન્ય માંસનો કચરો જોવા મળ્યો હતો.
સતત બે દિવસ જાહેર માર્ગો પરથી પશુ માંસ મળી આવતાં સ્થાનિક હિંદુઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે તેમજ આ કૃત્ય જાણીજોઈને કરવામાં આવી રહ્યું હોવાની આશંકાઓ સેવવામાં આવી રહી છે. અહીં ઉલ્લેખનીય છે કે ગત ગુરૂવારે (28 જૂન, 2023) જ બકરીદ ગઈ હતી. આ મામલે આણંદ પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.
અગાઉ મળેલા પશુના અવશેષ ગૌવંશના નથી: રિપોર્ટ
દિવ્ય ભાસ્કરના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ઈદના બીજા દિવસે કૃષ્ણકુંજ સોસાયટી પાસેથી ખુલ્લામાં એક પશુનું માથું કપાયેલી હાલતમાં મળી આવ્યું હતું અને તેની ચામડી ઉતારી દેવામાં આવી હતી. આ અંગે વેટરનરી ડોક્ટરને સ્થળ પર બોલાવીને તપાસ કરાવતાં તેમણે પશુના માથાના ભાગેથી સેમ્પલ લઈને અમદાવાદ FSLમાં પરીક્ષણ માટે મોકલ્યા હતા. જેના રિપોર્ટમાં સામે આવ્યું હતું કે સેમ્પલમાં લીધેલું માંસ ગૌવંશનું નથી. જોકે, બીજા દિવસે મળી આવેલા અવશેષ ગૌવંશના છે કે નહીં એ જાણી શકાયું નથી. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને તપાસ બાદ વધુ વિગતો સામે આવી શકશે.
એક સ્થાનિક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતાં અટલ હિંદુ હિતરક્ષક સમિતિના પિંકલ ભાટિયાએ કહ્યું હતું કે, “છેલ્લા એક મહિનાથી આણંદમાં લવ જેહાદ અને લેન્ડ જેહાદની ઘટનાઓ હોય કે બે દિવસથી પશુઓનાં માથાં હિંદુ વિસ્તારોમાં નાંખી જવાનો વિષય હોય, સુસંસ્કૃત અને સંસ્કારી અને સંયમિત હિંદુ સમાજની અગ્નિપરીક્ષા લેવાઈ રહી છે અને સમાજ ખૂબ સંયમિત થઇ આ પરીક્ષા આપી રહ્યો છે. છેલ્લા એક મહિનાથી આણંદમાં એક મોટા ષડ્યંત્રના ભાગરૂપે અલગ-અલગ ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે.” તેમણે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને આ ઘટનાઓનું સંજ્ઞાન લઇ તાત્કાલિક કાર્યવાહીનો આદેશ આપવા માટે વિનંતી કરી હતી.