સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરવામાં કોંગ્રેસ નેતાઓ ફજેતી કરાવતા રહે છે. આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે એક ટ્વિટ કરીને દાવો કર્યો હતો કે દિલ્હીમાં પીએમ મોદીની મેટ્રો ટ્રેન યાત્રા દરમિયાન ભાજપે પાર્ટીના જ કાર્યકર્તાઓને ભેગા કર્યા હતા અને સ્ટન્ટ કર્યો હતો. જોકે, પછીથી ફેક ન્યૂઝ ફેલાવ્યાની પોલ ખુલી જતાં કોંગ્રેસ પ્રવક્તાએ ટ્વિટ ડિલીટ કરી દીધું હતું.
વાસ્તવમાં બન્યું એવું કે, દિલ્હી યુનિવર્સીટીના એક કાર્યક્રમમાં ભાગ લેવા જવા માટે શુક્રવારે (30 જૂન, 2023) વડાપ્રધાન મોદીએ મેટ્રો ટ્રેનની યાત્રા કરી હતી. આ દરમિયાન તેમણે ટ્રેનમાં સવાર લોકો સાથે ચર્ચા-વાર્તાલાપ કર્યા, જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. જેમાંથી એક તસ્વીરમાં એક યુવતી વડાપ્રધાનની બાજુમાં બેઠેલી જોવા મળી હતી. આ તસ્વીર પોસ્ટ કરીને ભારતીય જનતા યુવા મોરચાનાં એક સભ્ય દિક્ષા વર્માએ ટ્વિટર પર લખ્યું હતું- Dream. એટલે કે તેમનું પણ સપનું છે કે એક દિવસ વડાપ્રધાનની બાજુમાં બેસીને તેમની સાથે વાર્તાલાપ કરે.
આ તસ્વીર અને દિક્ષા વર્માની ટ્વિટર પ્રોફાઈલનો સ્ક્રીનશોટ શૅર કરીને સુપ્રિયા શ્રીનેતે લખ્યું, ‘આ મોદીજીએ સારું કર્યું. આજે મેટ્રોમાં ભાજપ કાર્યકર્તાઓ સાથે થોડો સમય વિતાવ્યો. હવે તમે કહેશો કે જનતાના નામે જૂઠું બોલીને ભાજપ કાર્યકર્તાઓ કેમ બેસાડવામાં આવ્યા? પણ PR માટે ભાજપ કાર્યકર્તાઓ જ બરાબર છે. સાચા યુવાનો બેરોજગારી પર સવાલ પૂછવા માંડ્યા હોત તો શું થાત?’
અહીં કોંગ્રેસ પ્રવક્તાએ એવું ધારી લીધું હતું કે તસ્વીરમાં જે યુવતી દેખાય છે એ દીક્ષા વર્મા છે, અને દીક્ષાની ટ્વિટર પ્રોફાઈલમાં ભાજપ યુવા મોરચાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો એટલે સુપ્રિયાએ તેને જોડીને ફેક ન્યૂઝ ફેલાવી દીધા કે મોદીની મેટ્રો યાત્રા દરમિયાન ભાજપે પોતાના કાર્યકર્તાઓને જ બેસાડી દીધા હતા. પરંતુ વાસ્તવિકતા એ હતી કે તસ્વીરમાં જે દેખાય છે એ યુવતી ભાજપની કાર્યકર્તા નથી અને દીક્ષા અને એ યુવતી, બંને અલગ-અલગ પાત્રો છે.
કોંગ્રેસ પ્રવક્તાના દાવાથી વિપરીત સત્ય એ છે કે પીએમ મોદીએ મેટ્રો ટ્રેનની યાત્રા કરી તે દરમિયાન કોઈ ભાજપ કાર્યકર્તાને લાવવામાં આવ્યા ન હતા અને તેઓ સામાન્ય માણસો જ હતા. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતને પોતાની ભૂલ સમજાયા બાદ અને ભરપૂર ફજેતી થયા બાદ તેમણે ટ્વિટ ડિલીટ કરી દીધું હતું. જોકે, તેના સ્ક્રીનશોટ હાલ વાયરલ થઇ રહ્યા છે.
સુપ્રિયા શ્રીનેતના આ ટ્વિટને ક્વોટ કરીને ભાજપ કાર્યકર્તા દીક્ષા વર્માએ લખ્યું કે, સુપ્રિયા શ્રીનેત તોછડાઈભર્યા વર્તન માટે જાણીતાં છે એ તો ખબર હતી પણ અભણ પણ છે એ નહતું જાણ્યું. તેમણે આગળ લખ્યું કે, કોંગ્રેસીઓએ ‘સપનું’ અને ‘સપનું સાકાર થવું’ આ બંને વચ્ચેનો ભેદ જાણવાની જરૂર છે.
Madam @SupriyaShrinate was always ill-mannered but didn’t know she is also illiterate.
— Diksha Verma (@dikshaaverma) June 30, 2023
Learn the difference between ‘dream’ & ‘dream come true’ congressi’s. pic.twitter.com/m6ZsmFA9j9
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે જે કોંગ્રેસ પાર્ટી ભાજપ પર આરોપ લગાવે છે તેણે ખરેખર રાહુલ ગાંધી માટે અગાઉથી પ્લાનિંગ કરીને ટ્રક યાત્રા ગોઠવી હતી. તાજેતરમાં રાહુલ ગાંધી અમેરિકા ગયા હતા. ત્યારે કોંગ્રેસે દાવો કર્યો હતો કે અહીં એક ભારતીય ટ્રક ડ્રાઈવર તેમને વોશિંગટનથી ન્યૂયોર્ક લઇ ગયો હતો. પાર્ટીએ એવો પણ દાવો કર્યો કે ટ્રક ડ્રાઈવર તલજીન્દરસિંઘ ગિલ ભાજપ સમર્થક હતો પરંતુ મોદીના શાસનમાં નોકરીઓ ન મળવાના કારણે ભારત છોડી દીધું હતું.
જોકે, પછીથી સામે આવ્યું હતું કે તલજીન્દર ગિલ પંજાબના એક ગામમાં NSUIનો ઉપપ્રમખ રહી ચૂક્યો છે. NSUI એ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ છે. આ ઉપરાંત, તે અમેરિકામાં ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસનો પણ યુવા પ્રમુખ રહી ચૂક્યો હતો.
સુપ્રિયા શ્રીનેતની વાત કરવામાં આવે તો તેઓ પહેલાં ‘પત્રકાર’ હતાં. 2019ની લોકસભા ચૂંટણી પહેલાં તેમણે પત્રકારત્વ છોડી રાજકારણમાં ઝંપલાવ્યું હતું અને ઉત્તર પ્રદેશની મહારાજગંજ બેઠક પર કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પરથી લડ્યાં હતાં. જોકે, આ ચૂંટણીમાં તેમણે ભાજપ ઉમેદવાર સામે અત્યંત કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. અગાઉ પણ તેઓ ફેક ન્યૂઝ ફેલાવવા બદલ ચર્ચામાં રહી ચૂક્યાં છે.