છત્તીસગઢના પ્રખ્યાત યુ-ટ્યુબર અને કૉમેડિયન દેવરાજ પટેલનું (Devraj Patel) એક માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. દેવરાજ ‘દિલ સે બુરા લગતા હૈ ભાઈ’ મીમથી દેશભરમાં જાણીતા બન્યા હતા.
દેવરાજને રાયપુરમાં અકસ્માત નડ્યો હતો. તેઓ તેમના એક મિત્ર સાથે બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે પાછળથી ઝડપથી આવતી ટ્રકે તેમને ટક્કર મારી દીધી હતી. પોલીસ અનુસાર, દેવરાજનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઇ ગયું હતું, જ્યારે તેમના મિત્રને ગંભીર ઇજા પહોંચી છે, જે હાલ સારવાર હેઠળ છે. બાઈક દેવરાજનો મિત્ર ચલાવી રહ્યો હતો.
આ ઘટના સોમવારે (26 જૂન, 2023) બપોરે સાડા ત્રણ વાગ્યે બની હતી. દેવરાજ અને તેમનો મિત્ર એક વિડીયો શૂટ કરીને નવા રાયપુરથી પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં પાછળથી આવતી એક ટ્રક સાથે તેમની બાઈકનું હેન્ડલ લાગી ગયું હતું. જેના કારણે મિત્ર તો બહાર ફેંકાઈ ગયો પણ દેવરાજ ટ્રકના ટાયર નીચે આવી ગયા હતા, જેથી ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું.
22 વર્ષીય યુ-ટ્યુબર કૉમેડિયનના લગભગ 4 લાખ સબસ્ક્રાઇબર્સ હતા. જ્યારે ઇન્સ્ટાગ્રામ પર તેમના 57 હજાર ફોલોઅર્સ હતા. તેમનો સૌથી પ્રખ્યાત ડાયલૉગ ‘દિલ સે બુરા લગતા હૈ ભાઈ..’ હતો, જેણે તેમને નામના અપાવી હતી અને દેશભરમાં જાણીતા બન્યા હતા. તેમનો આ વિડીયો બે-ત્રણ વર્ષ પહેલાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો, જેની ઉપર પછીથી ઘણાં મીમ્સ પણ બન્યાં હતાં. આ ઉપરાંત, દેવરાજ પટેલે યુ-ટ્યુબર ભુવન બામની વેબ-સિરીઝ ‘ઢિંઢોરા’માં પણ કામ કર્યું હતું. જેમાં પણ તેમના વિશેષ ડાયલોગે દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું.
“दिल से बुरा लगता है” से करोड़ों लोगों के बीच अपनी जगह बनाने वाले, हम सबको हंसाने वाले देवराज पटेल आज हमारे बीच से चले गए.
— Bhupesh Baghel (@bhupeshbaghel) June 26, 2023
इस बाल उम्र में अद्भुत प्रतिभा की क्षति बहुत दुखदायी है.
ईश्वर उनके परिवार और चाहने वालों को यह दुःख सहने की शक्ति दे. ओम् शांति: pic.twitter.com/6kRMQ94o4v
દેવરાજ પટેલે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સાથે પણ એક વિડીયો શૂટ કર્યો હતો. જેમાં બંને હળવા મૂડમાં નજરે પડે છે. આ જ વિડીયો ટ્વિટ કરીને ભૂપેશ બઘેલે લખ્યું કે, ‘દિલ સે બુરા લગતા હૈ’થી કરોડો લોકો વચ્ચે જગ્યા બનાવનારા અને આપણને હસાવનારા દેવરાજ પટેલ આજે આપણી વચ્ચેથી ચાલ્યા ગયા. આ બાળવયે અદભુત પ્રતિભાની ક્ષતિ દુઃખદ છે. ઈશ્વર તેમના પરિવાર અને ચાહનારાઓને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ૐ શાંતિ.’ દેવરાજ પટેલનું નિધન થયા બાદ તેમને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.