વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાની યાત્રાએ છે. જ્યાંથી તેઓ સીધા ઇજિપ્ત જવા માટે રવાના થશે. 24 અને 25 જૂન, 2023ના રોજ તેઓ ઇજિપ્તની મુલાકાત લેશે. 1997 બાદ પહેલી વખત કોઈ ભારતીય વડાપ્રધાન ઇજિપ્તની યાત્રાએ જશે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પહેલી ઇજિપ્ત મુલાકાત છે. તેઓ ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ-સીસીના આમંત્રણ પર યાત્રાએ જઈ રહ્યા છે.
મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી ઇજિપ્તની રાજધાની કાઈરો સ્થિત 11મી સદીની અલ-હકીમ મસ્જિદની મુલાકાત પણ લેશે. આ ઉપરાંત પીએમ મોદી હેલિયોપોલીસ શહીદ સ્મારકની પણ મુલાકાત લેશે. જ્યાં તેઓ પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ઇજિપ્ત માટે લડીને વીરગતિ પામેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.
#WATCH | PM will visit the Al-Hakim mosque which was built in the 11th century during the Fatimid dynasty. The Bohra community descended from the Fatimid dynasty and they have renovated the mosque since the 1970s and are maintaining it till date. PM will also visit Heliopolis War… pic.twitter.com/IR286DXRzw
— ANI (@ANI) June 23, 2023
પીએમ મોદીની આ યાત્રા વિશે જાણકારી આપતાં ઇજિપ્તમાં ભારતના રાજદૂત અજિત ગુપ્તેએ જણાવ્યું કે, વડાપ્રધાન 11મી સદીમાં ફાતિમિદ શાસકો દ્વારા બનાવવામાં આવેલી અલ-હકીમ મસ્જિદની મુલાકાત લેશે. વોહરા સમુદાય એ ફાતિમિદ શાસકોના જ વંશજો છે અને તેમણે વર્ષ 1970માં આ મસ્જિદનું પુનર્નિમાણ કરાવ્યું હતું અને આજે પણ તેઓ જ તેનું સંચાલન કરે છે. વડાપ્રધાન કાઈરો સ્થિત હેલિયોપોલિસ યુદ્ધ સ્મારકની પણ મુલાકાત લેશે તેમ તેમણે ઉમેર્યું હતું.
અલ-હકીમ મસ્જિદનું નામ 16મા ફાતિમિદ ખલીફા અલ હકીમ દ્વિ-અમ્ર અલ્લાહના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેનું નિર્માણ મૂળ રીતે અલ-હકીમ દ્વિ-અમ્ર અલ્લાહના પિતા ખલીફા અલ અજીજ બિલ્લાહે 10મી સદીના અંતમાં કરાવ્યું હતું. ત્યારબાદ વર્ષ 1013માં અલ-હકીમે તેને પૂર્ણ કરાવ્યું હતું. આ મસ્જિદમાં ચાર મોટા હોલ છે, જ્યાં નમાજ પઢવામાં આવે છે, એ સૌથી મોટો હોલ છે. જે 4 હજાર સ્કવેર મીટર મોટો હોવાનું કહેવાય છે. આખી મસ્જિદ 13,560 સ્કવેર મીટરમાં ફેલાયેલી છે. મસ્જિદ કાઈરો શહેરની બીજી સૌથી મોટી અને ચોથી સૌથી જૂની મસ્જિદ છે.
ઇજિપ્ત યાત્રા દરમિયાન વડાપ્રધાન મોદી કાઇરોમાં સ્થિત હેલિયોપોલિસ કોમનવેલ્થ વૉર ગ્રેવ સિમેટ્રી પહોંચશે. અહીં 4 હજાર ભારતીય જવાનોની સ્મૃતિમાં સ્મારક બનાવવામાં આવ્યું છે, જેઓ પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ઇજિપ્ત અને પેલેસ્ટાઇનમાં મિત્ર દેશોની સેનાઓ તરફથી લડતાં-લડતાં વીરગતિ પામ્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે 1914થી 1919 દરમિયાન ચાલેલા પ્રથમ વિશ્વયુદ્ધમાં લગભગ 11 લાખ ભારતીય જવાનોને મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 74 હજાર જવાન વીરગતિ પામ્યા હતા. જેમને ફ્રાન્સ, ગ્રીસ, નોર્થ આફ્રિકા, ઇજિપ્ત, પેલેસ્ટાઇન અને મેસોપોટેમિયામાં દફનાવી દેવામાં આવ્યા હતા. 70 હજાર જવાનો એવા હતા, જેમને ગંભીર ઇજા પહોંચી હતી.