ચીને 26/11 આતંકવાદી હુમલામાં સામેલ પાકિસ્તાનના લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સાજીદ મીરને વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરવાના પ્રસ્તાવ પર ફરી અવરોધો ઉભા કર્યા છે. ભારત અને અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રમાં આ પ્રસ્તાવ મુક્યો હતો. ત્યારે હવે ભારતે UNમાં આતંકવાદી સાજીદ મીરનો ઓડિયો સંભળાવી પાકિસ્તાન અને ચીનનો ઉધડો લીધો છે.
ચીને ઉભા કરેલા અવરોધ પર ભારતે બંને પાડોશી દેશોને અવળે હાથે લીધા હતા. ભારતે UNમાં આતંકવાદી સાજીદ મીરનો ઓડિયો વૈશ્વિક મંચ પર સંભળાવ્યો હતો. આ ઓડિયોમાં મીર આતંકવાદીઓને તાજ હોટલમાં બેઠેલા તમામ વિદેશી નાગરિકોની હત્યા કરવાના નિર્દેશો આપી રહ્યો છે. ઓડિયોમાં તેણે કોઈને પણ જીવતા ન છોડવાના નિર્દેશો આપ્યા છે.
As China blocks listing of 26/11 terror attack mastermind Sajid Mir, India plays audio of Pak National at UN counter terror meet; Indian Diplomat @PrakashMEA calls the action "petty politics", & that ''something genuinely wrong with the global counter terrorism architecture" https://t.co/R6CaMxAZVj pic.twitter.com/RaMGAZPMdv
— Sidhant Sibal (@sidhant) June 21, 2023
ભારતમાં વોન્ટેડ સાજિદ મીર 2008માં મુંબઈની તાજ હોટલ પર થયેલા આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ છે. તે આતંકવાદીઓને લોકોની હત્યા કરવાની સૂચના આપી રહ્યો હતો. આ આતંકવાદી હુમલામાં વિદેશીઓ સહિત 166 લોકોના મોત થયા હતા. અમરિકાએ મીર પર 50 લાખ અમેરિકી ડૉલરનું ઇનામ પણ જાહેર કર્યું છે.
ભારત તરફથી સંયુક્ત સચિવ પ્રકાશ ગુપ્તાએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ઉચ્ચસ્તરીય મહાસભામાં સાજીદ મીરનું ઓડિયો રેકોર્ડીંગ સંભળાવતા કહ્યું કે, “આ સાજીદ મીર છે અને આતંકવાદી ઘટનાના 15 વર્ષ બાદ પણ તે ખુલ્લો ફરી રહ્યો છે.” ગુપ્તાએ પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું કે એક દેશમાં તેને તમામ સુખ સુવિધાઓ આપવામાં આવી રહી છે.
ભારત તરફે ગુપ્તાએ જણાવ્યું કે આતંકવાદને લઈને બેવડા ધોરણો અપનાવવામાં આવી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે આતંકવાદ સામે લડવામાં વૈશ્વિક સ્તરે કોઈ ગડબડ ચાલી રહી છે. UNSCમાં એક આતંકવાદીને આતંકવાદી ઘોષિત નથી કરવામાં આવી રહ્યો અને અનેક દેશ તેનું સમર્થન કરી રહ્યા છે. ગુપ્તાએ ગુડ ટેરિરીઝમ અને બેડ ટેરિરીઝમના કોન્સેપ્ટને ખતરનાક ગણાવ્યો હતો.
તેમને જણાવ્યું કે ચીનની આ હરકતથી 26/11ના પીડિતોને હજુ પણ ન્યાય નથી મળી શક્યો. અંગત સ્વાર્થના કારણે ભારતના પ્રયાસોને રોકવામાં આવી રહ્યા છે. આનાથી તે સ્પષ્ટ થાય છે કે આતંકવાદના પડકાર સામે ઈમાનદારીથી લડવાની રાજનૈતિક ઈચ્છાશક્તિ નથી. વ્યક્તિગત લાભ માટે આતંકવાદની પરિભાષા બદલવામાં આવી રહી છે.
વાસ્તવમાં થોડા સમય પહેલા પાકિસ્તાને દાવો કર્યો હતો કે સાજીદ મીરનું મૃત્યુ થઇ ગયું છે. અનેક દેશોએ તેના પુરાવા માંગ્યા પરંતુ પાકિસ્તાન તેની સાબિતીઓ ન આપી શક્યું. આતંકવાદ વિરોધી ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ એટલે કે FATFમાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો. જયારે પાકિસ્તાનની પોલ ખુલી ગઈ ત્યારે ચીન દ્વારા સાજીદ મીરને બચાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે.
આ પહેલા સપ્ટેમ્બર 2022માં સાજીદ મીરને વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરવાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. જોકે તે સમયે પણ ચીને આ પ્રસ્તાવ પર રોક લગાવવામાં આવી હતી. જુન 2022માં પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે ટેરર ફંડિંગના મામલામાં 15 વર્ષથી વધુની સજા સંભળાવી હતી.