વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21થી 24 જૂન, 2023 દરમિયાન અમેરિકાની રાજકીય મુલાકાતે છે. અહીં તેઓ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સહિતના ઘણાં મહત્વના કાર્યક્રમોમાં સામેલ થવાના છે અને મોટી હસ્તીઓને મળવાના છે. આ રાજકીય મુલાકાતની ખાસ વાત એ છે કે 22 જૂનના રોજ પીએમ મોદી બીજી વખત અમેરિકાની સંસદને સંબોધિત કરવા જઈ રહ્યા છે. આ 12મી વખત હશે જ્યારે પીએમ મોદી વિદેશી સંસદને સંબોધિત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલાં કોઇપણ ભારતીય વડાપ્રધાને અમેરિકાની સંસદને બે વખત સંબોધિત નથી કરી.
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી અમેરિકાના પ્રમુખ જો બાયડન અને ફર્સ્ટ લેડી જિલ બાયડનના આમંત્રણ બાદ અમેરિકાની યાત્રાએ ગયા છે. આ તેમની પહેલી રાજકીય યાત્રા છે. વડાપ્રધાન તરીકેના પોતાના નવ વર્ષના કાર્યકાળમાં પીએમ મોદીએ 11 દેશોની સંસદને સંબોધિત કરી છે. વર્ષ 2014માં વડાપ્રધાન બન્યા બાદ તેમણે સૌપ્રથમ ભૂટાનની સંસદમાં સ્પીચ આપી હતી. ત્યારબાદ એ જ વર્ષે નેપાળ, ઓસ્ટ્રેલિયા અને ફિજીની સંસદમાં પણ વડાપ્રધાને ભાષણ આપ્યું હતું.
Prime Minister @narendramodi emplanes for the USA visit. He will be attending programmes in New York City and Washington DC. pic.twitter.com/gleEHiw0AC
— PMO India (@PMOIndia) June 20, 2023
વર્ષ 2015ની વાત કરીએ તો વડાપ્રધાને શ્રીલંકા, મંગોલિયા, બ્રિટન અને અફઘાનિસ્તાનની સંસદને સંબોધિત કરી હતી. એ પછી 2016માં પીએમ મોદીએ અમેરિકાની સંસદમાં સ્પીચ આપી હતી. તો 2018 અને 2019માં અનુક્રમે યુગાન્ડા અને માલદીવની સંસદમાં તેમણે ભાષણ આપ્યું હતું. હવે આગામી 22 જૂને તેઓ બીજી વખત અમેરિકાની સંસદને સંબોધિત કરવા જઈ રહ્યા છે.
ઇંદિરા ગાંધી, નેહરુ, મનમોહન સિંઘ કરતાં પણ આગળ પીએમ મોદી
ભારતના ઘણાં વડાપ્રધાન વિદેશી સંસદમાં ભાષણ આપી ચૂક્યા છે. જોકે, પીએમ મોદી વિદેશી સંસદને સંબોધિત કરવા મામલે સૌથી આગળ છે કેમકે, તેઓ 12મી વખત સ્પીચ આપવા જઈ રહ્યા છે. પીએમ મોદી બાદ બીજા ક્રમે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ છે, જેમણે 7 વખત વિદેશી સંસદને સંબોધિત કરી છે.
એ પછી ઇંદિરા ગાંધી ત્રીજા ક્રમે છે, જેમણે 4 વખત વિદેશી સંસદને સંબોધિત કરી હતી. જવાહરલાલ નેહરુએ 3 વખત વિદેશી સંસદમાં સ્પીચ આપી હતી. તો પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને રાજીવ ગાંધીએ 2-2 વખત વિદેશી સંસદમાં ભાષણ આપ્યું છે. આ ઉપરાંત, મોરારજી દેસાઈ અને વીપી સિંહ વડાપ્રધાન તરીકે 1-1 વાર વિદેશી સંસદમાં સંબોધન આપી ચૂક્યા છે.
શા માટે ખાસ છે પીએમ મોદીનો અમેરિકા પ્રવાસ?
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના 9 વર્ષના કાર્યકાળમાં 7 વખત અમેરિકાની મુલાકાતે જઈ આવ્યા છે. તેમની આ 8મી યાત્રા એટલા માટે ખાસ છે કારણકે આ તેમની પહેલી રાજકીય યાત્રા છે. રાજકીય યાત્રાનો અર્થ એ છે કે વડાપ્રધાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડનના સત્તાવાર આમંત્રણ પર અમેરિકાના પ્રવાસે ગયા છે. અમેરિકાનું રાષ્ટ્રપતિ ભવન એટલે કે વ્હાઈટ હાઉસ કોઇપણ રાજકીય યાત્રાને લઈને છ મહિના પહેલાંથી જ તૈયારી શરુ કરી દે છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં કોઇપણ રાષ્ટ્રપતિનો કાર્યકાળ 4 વર્ષનો હોય છે. આ દરમિયાન તેઓ એક જ વખત કોઈ નેતાને રાજકીય યાત્રા માટે આમંત્રણ આપી શકે છે. જો બાયડને આ સન્માન ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યું છે. પીએમ મોદીને 21 તોપોની સલામી પણ આપવામાં આવે તેવી શક્યતા છે.