મંગળવારે એજ્યુકેશન ટેક પોર્ટલ અન-એકેડમીએ IIT કોચિંગ માટેના દેશના હબ ગણાતા કોટામાં પોતાના બે ઓફલાઈન લર્નિંગ સેન્ટરો શરૂ કર્યા છે. અન-એકેડમી દ્વારા દેશના વિવિધ શહેરોમાં ઓફલાઈન લર્નિંગ સેન્ટરો સ્થાપવામાં આવશે. આ અગાઉ દિલ્હીમાં કંપનીએ પોતાનું પ્રથમ સેન્ટર શરૂ કર્યું હતું, જે બાદ હવે કોટામાં પણ સેન્ટરો શરૂ કરવામાં આવ્યાં છે.
અન-એકેડમીના CEO અને સહ-સ્થાપક ગૌરવ મુંજાલે આ અંગે જણાવ્યું કે, “કોટા બાદ લખનઉ અને જયપુર જેવા શહેરોમાં પણ સેન્ટરો શરૂ કરવામાં આવશે. જે બાદ નાનાં કેન્દ્રો શરૂ કરવા અંગે પણ વિચાર કરવામાં આવશે. તેને કેવો પ્રતિસાદ મળે છે તે જોઈને અમે આગળની યોજના ઘડીશું.” અન-એકેડમીના આ સેન્ટરો ખાતે NEET-UG, IT JEE વગેરે પરીક્ષાઓનું શિક્ષણ આપવામાં આવશે.
પહેલાં તેમના પ્રતિસ્પર્ધી બાયઝુસ અને હવે અન-એકેડમીએ પણ કોટામાં ઓફલાઇન સેન્ટરો શરૂ કરવાની જાહેરાત કર્યા બાદ એલન ઇન્સ્ટિટ્યૂટ જેવા પહેલેથી કોટામાં સ્થાપિત થઇ ચૂકેલી સંસ્થાઓ સામે પડકાર ઉભો થયો છે. દરમ્યાન, એલન ઇન્સ્ટિટ્યૂટના કો-ફાઉન્ડર બ્રજેશ માહેશ્વરીનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં તેમને જાણવા મળ્યું કે અન-એકેડમી એલન જેવી સંસ્થાઓમાંથી શિક્ષકો અને અન્ય ફેકલ્ટીને નિયુક્ત કરવા વિચાર કરી રહી છે ત્યારે તેમણે પોતાના શિક્ષકોને સંસ્થા છોડવા અને અન્ય ઑફલાઇન કોચિંગ સેન્ટરોમાં જવા બદલ ધમકી આપી હતી.
Brajesh Maheshwari co-founded Allen Career Institute. Its well known for IIT JEE, NEET etc entrance exam prep. Website says 25Lakh+ students since 1988. Now @unacademy starting a coaching centre in Kota.
— Nayantara Rai (@NayantaraRai) June 10, 2022
Maheshwari threatens educators of being blacklisted if they leave Allen👇 pic.twitter.com/CJQXv97kbr
તેમણે કહ્યું હતું કે માત્ર પૈસા માટે જ કામ કરતા હોય તેવા શિક્ષકો સાથે તેઓ કામ કરવા માંગતા નથી. તેમણે ઉમેર્યું, “શરાફત કી દુનિયા ખતમ, જૈસે દુનિયા વૈસે હમ.”
એલનના ઘણા શિક્ષકો તાજેતરમાં જ અન-એકેડમીમાં જોડાયા છે. જેમાં એલન જયપુરના સહ-સ્થાપક આશિષ અરોડાનો પણ સમાવેશ થાય છે જેઓ હાલ અન-એકેડમીના સેન્ટર ઓફ એક્સલન્સનું સંચાલન કરે છે. એલનના ઘણા શિક્ષકો અન-એકેડમીમાં જોડાયા તે પાછળનું કારણ એ પણ હતું કે તેમને મળતા વળતર કરતા અનેકગણું વધુ વળતર ઑફર કરવામાં આવ્યું હતું.
જોકે, એલનની ધમકીઓ છતાં કંપનીએ કોટામાં શિક્ષણ ક્ષેત્રેના શ્રેષ્ઠ નામોને નિયુક્ત કર્યા છે, જેમાં મોહિત ભાર્ગવ, પરવેઝ ખાન, ઇન્સાફ અલી, વિજય કુમાર ત્રિપાઠી અને આશિષ ગુપ્તાનો સમાવેશ થાય છે. આ શિક્ષકો અન-એકેડમીની એક મોટી ટીમનો હિસ્સો બનશે. અન-એકેડમીના મુખ્ય કેન્દ્રો પર લાઈબ્રેરી, અત્યાધુનિક કલાસરૂમ, ડાઉટ-સોલવિંગ ઝૉન અને કાફેની પણ સુવિધા હશે.
દિલ્હી અને કોટા બાદ બીજા તબક્કામાં આ પ્રકારના કેન્દ્રો જયપુર, બેંગ્લોર, ચંદીગઢ, અમદાવાદ, પટના અને પુણેમાં પણ શરૂ કરવામાં આવશે. ઓગસ્ટ 2021 માં કંપનીએ 3.44 બિલિયન અમેરિકન ડોલરના કૂલ મૂલ્ય સાથે ફંડિંગ રાઉન્ડમાં 440 અમેરિકી ડોલર એકઠા કર્યા હતા. જ્યારે કોટામાં શિક્ષણ ક્ષેત્રે જાણીતી સંસ્થાની સ્થાપના 1988 માં માહેશ્વરી ભાઈઓ દ્વારા કરવામાં આવી હતી અને સ્થાપનાથી અત્યાર સુધીમાં 25 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચૂક્યા છે.