2021માં કથિત કોર્ડેલિયા ક્રુઝ ડ્રગ બસ્ટ કેસમાં શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનનું નામ ઉછળ્યું ત્યારથી જ અભિનેતા આ મામલે સતત ચર્ચામાં છે. અગાઉ શાહરુખની કથિત ચૅટ સામે આવી હતી જેમાં તેણે આર્યનને મુક્ત કરવા માટે પૂર્વ NCB અધિકારીને આજીજી કરી હતી. એ પછી અભિનેતા પર આર્યન ખાનને બચાવવા માટે લાંચ ઓફર કરવાનો આરોપ લાગ્યો હતો. આ મામલે શાહરુખ ખાન સામે FIRની માંગણી કરતી જાહેર હિતની અરજી બોમ્બે હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
બોમ્બે હાઈ કોર્ટમાં દાખલ PILની સુનાવણી 20 જૂનના રોજ થવાની છે. સામાજિક કાર્યકર્તા રાશિદ પઠાણ દ્વારા દાખલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ‘CBIએ તત્કાલીન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) મુંબઈના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે અને અન્ય પાંચ લોકો સામે લાંચ મામલે FIR દાખલ કરી હતી. સમીર વાનખેડેએ શાહરુખ ખાન પાસેથી આર્યનની ધરપકડ ન કરવા માટે 18 કરોડ રૂપિયાની લાંચ નક્કી કરી હતી, જેમાંથી પૂર્વ અધિકારીએ 50 લાખ રૂપિયા રોકડા સ્વીકાર્યા હતા.’
बॉलीवुड अभिनेता शाहरुख ख़ान की मुश्किलें बढ़ सकती हैं। उनपर अपने बेटे आर्यन ख़ान को बचाने के लिए रिश्वत की पेशकश करने का आरोप लगा है। मामले में बॉम्बे HC में PIL दायर की गई है, 20 जून को होगी सुनवाई। #shahrukhkhan #drugabuse pic.twitter.com/ujdbaeb2wv
— राजनीति टाइम्स (@rajneeti_times) June 14, 2023
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, વાનખેડે પર CBIએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમના સેક્શન 7, 7A અને 12 હેઠળ એફઆઈઆર કરી હતી. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 12 મુજબ, જો વ્યક્તિ ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોને જાણ કર્યા વગર કોઈ અધિકારીને લાંચ આપે છે, તો તે વ્યક્તિ કાર્યવાહીને પાત્ર છે. આ કલમ શાહરુખ ખાન અને આર્યન ખાનને લાગુ પડે છે એટલે તેમને પણ આરોપી બનાવીને કાર્યવાહી થવી જોઈએ.
તપાસ માટે CBI-SITની રચના કરવાની અપીલ
અરજીમાં હાઇકોર્ટને તપાસ માટે CBI-SITની રચના કરવાની અપીલ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત, મુંબઈ પોલીસના એ અધિકારીઓ સામે પણ કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે જેમણે તપાસ બાદ સમીર વાનખેડે અને અન્યોને ભ્રષ્ટાચારના આરોપોમાંથી ક્લીનચીટ આપી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ અધિકારીઓએ આરોપીઓને બચાવવા માટે જાહેર મશીનરી, સંપત્તિ અને સંસાધનોનો દુરુપયોગ કર્યો હતો.
શાહરુખ ખાન સામે FIRની માંગણી કરતી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ‘સીબીઆઈએ શાહરુખ ખાન, આર્યન ખાન, સમીર વાનખેડે અને અન્ય NCB અધિકારીઓ પર નાર્કો એનાલિસિસ ટેસ્ટ, લાઈ ડિટેક્ટર ટેસ્ટ અને બ્રેઈન મેપિંગ ટેસ્ટ કરવો જોઈએ, જેથી સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થાય.’ ઉલ્લેખનીય છે કે, બોમ્બે હાઈકોર્ટે સમીર વાનખેડેને 23 જૂન સુધી ધરપકડમાં રાહત આપી છે.