દિવસેને દિવસે વધુને વધુ ઉગ્ર બની રહેલુ વાવાજોડું બિપરજોય ગુજરાતની સીમાથી નજીક આવી રહ્યું છે. 15 તારીખે તે ગુજરાતને પર કરે તેવી સંભાવના છે. હાલ ગુજરાતનું તંત્ર આ બાબતે તૈયારીઓ કરી રહ્યું છે. તેવામાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે રાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.
અહેવાલો અનુસાર સોમવારે રાતે PM નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ સાથે આ બિપરજોય વાવાજોડાના વિષયમાં ટેલિફોનિક વાતચીત કરી હતી. તેઓએ ભુપેન્દ્રભાઈને ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર ગુજરાતને શક્ય એવી તમામ મદદ કરશે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટેલીફોનિક વાતચીત કરીને ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની સ્થિતિ તેમજ તંત્રની સજ્જતા અંગેની વિગતો મેળવી. આપત્તિની આ સ્થિતિમાં ગુજરાતને શક્ય તમામ મદદ પુરી પાડવાની ખાતરી તેઓશ્રીએ આપી.
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 12, 2023
પ્રધાનમંત્રીએ યોજી સમીક્ષા બેઠક
નોંધનીય છે કે સોમવારે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી જેમાં બિપરજોય વાવાજોડાની સ્થિતિની સમીક્ષા અને તેને પહોંચી વળવા કરવામાં આવેલ તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, પીએમઓ અને ગૃહમંત્રાલયના અધિકારીઓ હાજર હતા. સાથે જ પ્રધાનમંત્રીએ આ બાબતે અધિકારીઓને જરૂરી સલાહ-સૂચનો પણ કર્યા હતા. જે બાદ તેઓએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કોલ કર્યો હતો.
Chaired a meeting to review the preparedness in the wake of the approaching Cyclone Biparjoy. Our teams are ensuring safe evacuations from vulnerable areas and ensuring maintenance of essential services. Praying for everyone's safety and well-being.https://t.co/YMaJokpPNv
— Narendra Modi (@narendramodi) June 12, 2023
બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે ‘નુકસાન થવાની સ્થિતિમાં તત્કાલ મદદ માટે તૈયારીઓની સાથે જરૂરી સેવાઓ નક્કી કરો.’ ગૃહમંત્રાલય દ્વારા 24 કલાક સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આ બેઠકમાં હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે તોફાન 15 જૂને બપોરે સૌરાષ્ટ્ર અને કચ્છના માંડવી અને કરાચી વચ્ચે ટકરાશે. આ દરમિયાન 125-140 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે.
મુખ્યમંત્રીએ પણ યોજી સમીક્ષા બેઠક
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સોમવારે બિપરજોય વાવાઝોડાની હવામાન વિભાગની આગાહીના સંદર્ભમાં ગાંધીનગર ખાતેના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. તેઓએ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની પરિસ્થિતી તેમજ તંત્રની સજ્જતા બાબતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી.
મુખ્યમંત્રીએ વાવાઝોડા અને ભારે વરસાદના સંભવિત સંકટ સામે સમગ્ર રાજ્યના અને ખાસ કરીને દરિયાકાંઠાના આઠ જિલ્લાઓમાં લેવાઈ રહેલા અગમચેતીના પગલાં તેમજ વહીવટીતંત્રની તૈયારીઓની વિસ્તૃત વિગતો મેળવી જાનમાલની સલામતી બાબતે મહત્વપૂર્ણ સૂચનો કર્યા હતા. તેમણે વહીવટીતંત્રના અધિકારીઓ-કર્મચારીઓ પૂરી ક્ષમતાથી સતર્ક છે અને સંપૂર્ણ પ્રતિબદ્ધતાથી કાર્યરત છે તેની સરાહના પણ કરી હતી.
બિપરજોયની હાલની સ્થિતિ
હાલ બિપરજોય વાવાજોડું પોરબંદરથી માત્ર 290 કિલોમીટરના અંતરે છે. IMDના તાજેતરના બુલેટિન મુજબ, પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડું ‘બિપરજોય’ આગળ વધી રહ્યું છે અને તે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોને અસર કરી શકે છે. 14મીએ સાંજે માંડવી-જખૌ બંદર નજીક લેન્ડફોલ થવાની આગાહી છે.
આગામી 4 દિવસ માટે ચક્રવાત ‘બિપરજોય’ની આગાહી સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં કરવામાં આવી છે. વાવાઝોડાની સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોને અસર થવાની આશંકા છે. સંવેદનશીલ વિભાગોમાં ભાવનગર, મહુવા, વેરાવળથી પોરબંદર વિસ્તાર, ઓખાથી હાપા અને ગાંધીધામ વિસ્તારનો સમાવેશ થાય છે.
સુરક્ષા અને સલામતીના પગલાના ભાગરૂપે અત્યાર સુધી કચ્છ, પોરબંદર, જુનાગઢ, જામનગર, દેવભૂમિ-દ્વારકા, ગીર-સોમનાથ, મોરબી અને રાજકોટ એમ કુલ 8 જિલ્લાઓમાં 6827 લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા છે. આ આઠ જિલ્લાઓમાં 6041 અગરિયા ભાઈબહેનો વસવાટ કરે છે, તેમાંથી 3243 અગરિયા ભાઈબહેનોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.