કેરળમાં કોંગ્રેસ અને સત્તાધારી પાર્ટી CPM ના કાર્યકરો ધીંગાણે ચડ્યા છે. એક ફ્લાઈટમાં કોંગ્રેસ કાર્યકરોએ મુખ્યમંત્રી પિનરાઈ વિજયનને કાળા ઝંડા બતાવી તેમનો વિરોધ કર્યા હતો, ત્યારબાદ CPM કાર્યકરોએ કેરળના અનેક શહેરોમાં કોંગ્રેસ કાર્યાલયો પર હુમલો કર્યો હતો અને ક્યાંક બૉમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા તો ક્યાંક કોંગ્રેસની ઓફિસમાં રહેલું ગાંધીજીનું પૂતળું તોડી નાંખ્યું હતું.
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન કુન્નુરથી તિરુવનંતપુરમ જઈ રહ્યા હતા ત્યારે ફ્લાઈટમાં યુથ કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ તેમનો વિરોધ કરી કાળા ઝંડા ફરકાવ્યા હતા અને સીએમ વિરુદ્ધ નારાબાજી કરી હતી. કેરળ યુથ કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય એસ સબરીનાથને સોશિયલ મીડિયા પર એક વિડીયો શૅર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે કોંગ્રેસના કાર્યકરો મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરતા તેમની વિરુદ્ધ નારા લગાવી રહ્યા છે.
Kerala CM faces protest inside the @IndiGo6E flight on his way to Thiruvananthapuram from kannur today by youth congress leaders in connection with kerala #goldsmugglingcase pic.twitter.com/NIrMaNWZ4g
— Ashoke Raj (@Ashoke_Raj) June 13, 2022
અહીં ઉલ્લેખનીય છે કે ગોલ્ડ સ્મગલિંગ કેસના મુખ્ય આરોપી સ્વપ્ન સુરેશે મુખ્યમંત્રી વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યા બાદ કોંગ્રેસ અને ભાજપ સીએમનો વિરોધ કરી રહ્યા છે અને તેમના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે.
કોંગ્રેસ કાર્યકરોએ વિમાનમાં મુખ્યમંત્રીનો વિરોધ કર્યા બાદ રાજ્યના અનેક શહેરોમાં પાર્ટીના કાર્યાલયો પર હુમલા થયા હતા. ગઈકાલે રાત્રે લગભગ વાગ્યે કોઝિકોડ સ્થિત પેરામ્બરામાં કોંગ્રેસ કાર્યાલય પર ક્રૂડ બૉમ્બ ફેંકવામાં આવ્યો હતો. જેના કારણે મકાનને ભારે નુકસાન પહોંચ્યું હતું. જોકે, હુમલો થયો ત્યારે કોંગ્રેસ કાર્યાલયમાં કોઈ હાજર ન હતું. કોંગ્રેસે આ હુમલાનો આરોપ વામપંથી કાર્યકરો પર લગાવ્યો છે.
આ ઉપરાંત, કેરળના પયન્નુરમાં કોંગ્રેસના તાલુકા કક્ષાના કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવી હતી અને બારીના કાચ ફોડી નાંખવામાં આવ્યા અને ઑફિસના ફર્નિચરને પણ ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. એટલું જ નહીં, આ હુમલામાં કોંગ્રેસ કાર્યાલય સ્થિત મહાત્મા ગાંધીના પૂતળાનું માથું પણ કાપી નાંખવામાં આવ્યું હતું.
તિરુવનંતપુરમ સ્થિત કોંગ્રેસ કાર્યાલય પર પણ હુમલો થયાના સમાચાર છે. સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીના કાર્યકરોએ ઑફિસમાં ધસી જઈને તોડફોડ કરી હતી અને પરિસરના વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. તેમજ કાર્યાલય પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. આ હુમલો થયો ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એકે એન્ટની ઓફિસમાં જ હાજર હતા.
કેરળ કોંગ્રેસ અધ્યક્ષ કે સુધાકરનના ઘરે પણ હુમલો કરવામાં આવ્યો હતો. બીજી તરફ, આ હુમલાઓના વિરોધમાં કોંગ્રેસ કાર્યકરોએ માર્ચનું આયોજન કર્યું હતું. જે મામલે પરવાનગી વગર માર્ચ કાઢવા બદલ કોંગ્રેસના ધારાસભ્ય ટી સિદ્દીકી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
સમગ્ર રાજ્યમાં અનેક સ્થળોએ તોડફોડ અને હુમલા થયા બાદ રાજ્ય પોલીસ વડાએ સુરક્ષામાં વધારો કરવાના આદેશ આપ્યા છે અને ઠેરઠેર પોલીસ બંદોબસ્ત પણ વધારી દેવામાં આવ્યો છે.