શિવભક્તો માટેનું આરાધ્ય સ્થળ કૈલાશ માનસરોવર આ વર્ષે દર્શનાર્થીઓ માટે ફરી એક વખત ખૂલવા જઈ રહ્યું છે. 2019 બાદ આ વર્ષે 1 મેથી યાત્રા શરૂ થશે. તેવામાં કૈલાશ માન સરોવર યાત્રાએ જનારા ગુજરાતના યાત્રિકોને હવે બમણી સહાય આપવાનો નિર્ણય રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવ્યો છે. કૈલાશ માન સરોવરની યાત્રાએ જતા ગુજરાતના યાત્રિકોને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી પ્રોત્સાહક સહાયની રકમમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા બાદ આ યાત્રીઓની સુવિધામાં પણ વધારો થશે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં કૈલાશ માન સરોવર જતા ગુજરાતના યાત્રીઓને 23,000ની રૂપિયાની સહાય આપવામાં આવતી હતી. જેને બે ગણી વધારીને યાત્રાએ જતા પ્રત્યેક તીર્થયાત્રીને હવે 50,000 રૂપિયા કરી દેવામાં આવી છે. યાત્રીઓની સુવિધા વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કૈલાસ માન સરોવરની યાત્રાએ જતા ગુજરાતના યાત્રિકોને રાજ્ય સરકાર દ્વારા યાત્રાળુ દીઠ અગાઉ અપાતી ₹23,000 ની પ્રોત્સાહક સહાયમાં વધારો કરીને હવેથી યાત્રાળુ દીઠ ₹50,000 કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
— CMO Gujarat (@CMOGuj) June 10, 2023
કૈલાશ માનસરોવર યાત્રા છેલ્લાં ત્રણ વર્ષથી બંધ હતી, જેને હવે ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યાત્રા ભારત અને ચીનની સરકારો દ્વારા યોજવામાં આવે છે. જે માટે ચીને વિઝા પણ આપવાના શરૂ કરી દીધા છે. જોકે, આ વખતે ફીમાં વધારો કરવામાં આવ્યો છે.
યાત્રા દર વર્ષે જૂનથી સપ્ટેમ્બર મહિનામાં યોજવામાં આવે છે. આમ યાત્રાના બે માર્ગો છે પરંતુ આ વખતે એક જ માર્ગ પરથી જઈ શકાશે. ચીન તરફથી નેપાળ અને ભારત તેમજ અન્ય દેશના યાત્રીઓ માટે તબક્કાવાર જવાની પરવાનગી આપવામાં આવી છે. ગુજરાતમાંથી દર વર્ષે 35 હજાર લોકો આ યાત્રા પર જતા હોવાનું જાણવા મળ્યું છે.
આ યાત્રામાં વિદેશ મંત્રાલય સ્વ-ધિરાણના ધોરણે સહાય પૂરી પાડે છે. જેમાં રહેઠાણ, ખોરાક, પરિવહન, તબીબી પરીક્ષણો જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. આ યાત્રાના સંચાલન માટે ચીન અને ભારતની સરકાર સંકલનમાં કામ કરે છે.