અરબી સમુદ્રમાંથી સર્જાયેલ બિપરજોય વાવાઝોડું આગામી દિવસોમાં ગુજરાતને ઘમરોળે તેવી શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, ‘બિપરજોય’ ઉત્તર-પૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યું છે આજે શનિવારે (10 જૂન, 2023) તીવ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. બિપરજોય ગુરુવાર સુધી ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધતું હતું, પરંતુ દરિયામાં ચક્રવાતે એકાએક માર્ગ બદલી નાખતાં હવામાન વિભાગ સાવચેત થઈ ગયો છે.
ભારતીય હવામાન વિભાગે ટ્વીટ કરીને વાવાઝોડાની ગંભીરતા વિશે જાણકારી આપી હતી. IMDની ટ્વીટ અનુસાર, “16.0N અક્ષાંશ અને 67.4E રેખાંશ પાસે પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર ખૂબ જ ગંભીર બિપરજોય વાવાઝોડું ઉત્તર-ઉત્તર પૂર્વીય દિશામાં આગળ વધતાં વધુ તીવ્ર બનવાની શક્યતા છે.” હવામાન વિભાગે એવું પણ જણાવ્યું હતું કે ચક્રવાત આગામી ત્રણ દિવસમાં ઉત્તર-ઉત્તર પશ્ચિમ વિસ્તારો તરફ આગળ વધશે.
Very severe cyclonic storm #Biparjoy at 17.30 hrs IST of June 9 over east-central Arabian Sea near lat 15.5N & long 67.1E, about 720km west of Goa, 720km west-southwest of Mumbai, 740km SSW of Porbandar and 1,050 km south of Karachi. Intensify further & move NNW during the next… pic.twitter.com/n9UiYewLTS
— ANI (@ANI) June 9, 2023
‘બિપરજોય’ વાવાઝોડાને કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં આગામી ચાર દિવસમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. કેરળ અને દરિયાકાંઠાના કર્ણાટકમાં સોમવાર સુધી વરસાદની શક્યતા છે, તો લક્ષદ્વીપમાં રવિવાર સુધી વરસાદ પડશે. ઉલ્લેખનીય છે કે, ‘બિપરજોય’ વાવાઝોડાનું નામ બાંગ્લાદેશે આપ્યું છે અને તેનો અર્થ વિનાશ થાય છે. આ વાવાઝોડાને કારણે કેરળમાં ચોમાસું સાત દિવસ મોડું પહોંચ્યું હતું.
વલસાડના તિથલ બીચ પર ઊંચાં મોજાં ઉછળતાં જોવા મળ્યાં
‘બિપરજોય’ વાવાઝોડાએ દિશા બદલી નાખતા ગુજરાત પર સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે કન્ટ્રોલ રૂમ પણ સક્રિય થઈ ગયા છે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. અરબી સમુદ્ર કિનારે વલસાડના તિથલ બીચ પર ઊંચા મોજાં ઉછળતાં જોવા મળ્યાં છે. સાવચેતીના પગલાં તરીકે, તિથલ સહિતના બીચને 14 જૂન સુધી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે.
વલસાડના મામલતદાર ટી.સી. પટેલે જણાવ્યું હતું કે, “માછીમારોને દરિયો ખેડવાની મનાઈ કરવામાં આવી છે અને તમામ માછીમારો દરિયામાંથી પાછા આવી ગયા છે. જો જરૂર પડશે તો લોકોને અન્યત્ર ખસેડવામાં આવશે. તેમના માટે આશ્રયસ્થાનો બનાવવામાં આવ્યા છે.” અહેવાલ અનુસાર, અગાઉ વાવાઝોડું 6 કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું હતું, જે હવે 13 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના કારણે ગુજરાતના 42 ગામોને સતર્ક કરવામાં આવ્યા છે તેમજ NDRFની ટીમો પણ એલર્ટ છે.
ગુજરાતમાં 11થી 14 જૂન વચ્ચે ભારે પવન સાથે વરસાદની શક્યતા
હવામાન વિભાગે આગાહી કરી છે કે બિપરજોયને કારણે ગુજરાતમાં 11થી 14 જૂન દરમિયાન ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. બિપરજોય ગુજરાતમાં પ્રવેશ્યા બાદ પ્રથમ બે દિવસ 35થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે જ્યારે છેલ્લા દિવસે 80 કિમીની ઝડપે પવન ફૂંકાશે.