ઓડિશા ખાતે બાલાસોરમાં થયેલા ભીષણ ટ્રેન અકસ્માતને લઈને હવે FIR દાખલ કરવામાં આવી છે. ફરિયાદ ગવર્નમેન્ટ રેલવે પોલીસ દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેના આધારે કટક પોલીસે રેલવે એક્ટ અને IPCની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે.
Odisha | FIR registered by Government Railway Police (GRP) in Cuttack under sections 153, 154 and 175 of the Railway Act against unknown persons in the Balasore train accident.
— ANI (@ANI) June 5, 2023
FIR was registered following a complaint by SI Papu Kumar Naik of Balasore GRPS pic.twitter.com/67vhxy3Iht
ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા અનુસાર, કટક પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી આ FIRમાં ઓડિશા ટ્રેન અકસ્માત મામલે રેલવે એક્ટની કલમ 153, 154 અને 175 તથા IPCની કલમ 337, 338, 304-A અને 34 હેઠળ અજાણ્યા ઈસમો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
IPCની કલમ 337 અને 338 હેઠળ બેદરકારી દાખવીને માનવજીવન કે અન્યોની સુરક્ષાને જોખમમાં મૂકવા માટે ઇજા પહોંચાડનાર વ્યક્તિને દોષી ઠેરવવામાં આવે છે. જ્યારે જો કોઈ વ્યક્તિની બેદરકારીના કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેને 304A હેઠળ દોષી ઠેરવી શકાય છે. IPCની કલમ 34માં ઘણા લોકો એક જ સમાન ઇરાદે કોઈ ગુનાહિત કૃત્યને અંજામ આપે ત્યારે લાગુ કરવામાં આવે છે.
રેલવે એક્ટની કલમ 153 અને 154 હેઠળ જો કોઈ વ્યક્તિ ગુનાહિત કૃત્ય કે અન્ય બેદરકારીભર્યા કૃત્ય દ્વારા રેલવેમાં મુસાફરી કરતા અન્ય વ્યક્તિની સુરક્ષાને જોખમમાં મૂકે તેને દોષી ઠેરવવામાં આવે છે. જ્યારે કલમ 175 હેઠળ કોઈ ઉતાવળભર્યા કે બેદરકારીભર્યા કૃત્યના કારણે અન્યોની સુરક્ષા જોખમમાં મૂકનાર સામે કેસ ચલાવવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે રેલવે બોર્ડ આ અકસ્માતની તપાસ CBI પાસે કરાવવાની ભલામણ પહેલેથી જ કરી ચૂક્યું છે. રવિવારે (4 જૂન, 2023) રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે મામલાની તપાસ CBI પાસે કરાવવા માટે ભલામણ કરવામાં આવી છે. હવે ગૃહ મંત્રાલય આદેશ આપે ત્યારબાદ અધિકારીક રીતે કેસની તપાસ કેન્દ્રીય એજન્સીને સોંપી દેવામાં આવશે.
રવિવારે મીડિયા સાથેની વાતચીતમાં રેલ મંત્રીએ જણાવ્યું હતું કે આ અકસ્માત કયા કારણોસર બન્યો તે જાણી લેવામાં આવ્યું છે અને જવાબદાર વ્યક્તિઓની પણ ઓળખ કરી લેવામાં આવી છે. વધુ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ઘટના શુક્રવારની સાંજે બની હતી, જ્યારે શાલિમારથી ચેન્નાઇ જતી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન ઓડિશાના બાલાસોરમાં એક માલગાડી સાથે ટકરાઈ હતી. તેના ડબ્બા વિખેરાઈને બાજુની લાઈન પર પડતાં ત્યાંથી જ પસાર થતી હાવડા એક્સપ્રેસ તેની સાથે ટકરાતાં તેના પણ કેટલાક ડબ્બા ખડી પડ્યા હતા. ઘટના સમયે ખરેખર શું બન્યું હોવું જોઈએ અને શા માટે અકસ્માત થયો એ વધુ વિગતે અહીંથી વાંચી શકશો.