Friday, October 4, 2024
More
    હોમપેજએક્સપ્લેઇનરશું છે ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ જેમાં ગડબડના કારણે ઓડિશામાં સર્જાઈ ટ્રેન દુર્ઘટના?...

    શું છે ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ જેમાં ગડબડના કારણે ઓડિશામાં સર્જાઈ ટ્રેન દુર્ઘટના? અકસ્માત સમયે ખરેખર શું બન્યું હોવું જોઈએ?- સમજીએ

    હવે જ્યારે ટ્રેક રિસ્ટોરેશન ચાલી રહ્યું છે ત્યારે ધ્યાન એ તરફ કેન્દ્રિત થઇ રહ્યું છે કે આખરે આ ઘટના બની શા માટે? પ્રાથમિક તપાસ પૂર્ણ થઇ ગઈ છે અને રેલવે મંત્રીના જણાવ્યા અનુસાર, ઘટનાનું મૂળ કારણ પણ જાણી લેવામાં આવ્યું છે.

    - Advertisement -

    શુક્રવાર, 2 જૂન 2023. સ્થળ- બાલાસોર રેલવે સ્ટેશન, ઓડિશા. સમય- લગભગ સાંજે સાતેક વાગ્યાનો. પળવારમાં અહીં એકસાથે ત્રણ ટ્રેન અથડાઈ ગઈ અને ચિચિયારીઓથી આસપાસનો વિસ્તાર ગુંજી ઉઠ્યો. આ ભીષણ અકસ્માતે 270 લોકોનો ભોગ લીધો તો સેંકડો લોકોને નાની-મોટી ઇજા પહોંચી જેઓ હાલ સારવાર હેઠળ છે. 

    પહેલાં કોરોમંડલ એક્સપ્રેસ માલગાડી સાથે અથડાયાના સમાચાર મળ્યા હતા, પણ પછીથી સામે આવ્યું કે ખરેખર બે નહીં પણ ત્રણ ટ્રેન વચ્ચે ટક્કર થઇ છે. અકસ્માત બાદ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવાયું, ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા, મૃતદેહો કાઢવાનું કામ શરૂ કરી દેવાયું અને બારેક કલાકની જહેમત બાદ રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયું. રેસ્ક્યુ ઓપરેશન સાથે-સાથે જ રિસ્ટોરેશનનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું, હાલ આ કામ ગતિમાં છે અને બુધવારે સવાર સુધીમાં પૂર્ણ થઇ જવાની ગણતરી છે. ત્યાં સુધી અહીં ટ્રેન આવી-જઈ શકશે નહીં. હાલ ટ્રેક નાંખવાનું કામ પૂર્ણ થઇ ગયું છે અને વીજળીકરણનું કામ ચાલી રહ્યું છે.

    હવે જ્યારે ટ્રેક રિસ્ટોરેશન ચાલી રહ્યું છે ત્યારે ધ્યાન એ તરફ કેન્દ્રિત થઇ રહ્યું છે કે આખરે આ ઘટના બની શા માટે? પ્રાથમિક તપાસ પૂર્ણ થઇ ગઈ છે અને રેલવે મંત્રીના જણાવ્યા અનુસાર, ઘટનાનું મૂળ કારણ પણ જાણી લેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમમાં ગડબડ થવાના કારણે આ અકસ્માત સર્જાયો. સાથે એમ પણ કહ્યું કે, જવાબદાર વ્યક્તિઓની ઓળખ કરી લેવામાં આવી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. 

    - Advertisement -

    શુક્રવારની સાંજે શું બન્યું હોય શકે?

    આ ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ શું છે એ જાણીએ એ પહેલાં શુક્રવારની સાંજે ખરેખર શું બન્યું હોવું જોઈએ એ જાણવું બહુ જરૂરી છે. તેના માટે પાટાની પરિસ્થિતિ જાણવી જરૂરી છે. કોઈ પણ સ્ટેશનની આગળ આ પ્રકારે મેઈન લાઈન અને લૂપ લાઈન હોય છે. મેઈનમાં પણ બે લાઈન હોય છે, એક અપ અને બીજી ડાઉન. અમદાવાદનું ઉદાહરણ લઈએ તો અપ લાઈન પરથી ટ્રેન દિલ્હી તરફ જતી હોય તો ડાઉન લાઈન પરથી મુંબઈ તરફ જશે. 

    બંને મેઈન લાઈનની આસપાસ લૂપ લાઈન હોય છે. આ લૂપ લાઈનનો ઉપયોગ ટ્રેનના ઓવરટેકિંગ માટે થાય છે. મુખ્યત્વે ટ્રેન મેઈન લાઈન પર આગળ-પાછળ સલામત અંતર રાખીને ચાલતી હોય છે, પરંતુ જો પાછલી ટ્રેન વધુ અગત્યની હોય કે વધુ સ્પીડ ધરાવનારી હોય તો આગળની ટ્રેનને લૂપ લાઈન પર લઇ લેવામાં આવે છે, જેથી પાછળની ટ્રેન માટે મેઈન લાઈન ખાલી કરી શકાય. તે પસાર થઇ જાય પછી આગલી ટ્રેનને ફરી મેઈન લાઈન પર લઇ લેવામાં આવે છે. મોટી ટ્રેન પસાર થઇ જાય ત્યાં સુધી પેલી ટ્રેન લૂપ લાઈન પર ઉભી રહે છે. 

    શુક્રવારે જ્યારે પહેલાં માલગાડી સ્ટેશને પહોંચી તો તેને લૂપ લાઈન પર લઇ લેવામાં આવી હતી, કારણ કે પાછળથી કોરોમંડલ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન આવી રહી હતી અને તેનું સ્ટેશન પર સ્ટોપ ન હતું. આ ટ્રેન મેઈન લાઈન પર પસાર થઇ જાય પછી સલામત અંતર રહે તે રીતે માલગાડીને મેઈન લાઈન પર લઇ જવામાં આવનાર હતી. જેથી માલગાડી લૂપ લાઈન પર જતી રહી. પરંતુ જ્યારે કોરોમંડલ એક્સપ્રેસ આવી તો તે મેઈન લાઈન પર જવાની જગ્યાએ લૂપ લાઈન પર ચડી ગઈ અને પ્રચંડ ઝડપે ત્યાં પહેલેથી ઉભેલી માલગાડી સાથે અથડાઈ ગઈ, જેના કારણે આ અકસ્માત બન્યો. 

    માલગાડીમાં તમામ ડબ્બાઓ સમાનથી ભરેલા હતા અને તેનું વજન અત્યંત વધારે હતું, જેના કારણે માર પેસેન્જર ટ્રેન પર વધારે પડ્યો અને તેના ડબ્બા વિખેરાઈને કેટલાક મેઈન લાઈન પર પડ્યા. બરાબર આ જ સમયે ડાઉન લાઈન પર હાવડા એક્સપ્રેસ આવી રહી હતી. આ બંને પેસેન્જર ટ્રેન આજુબાજુના ટ્રેક પરથી એકબીજાને ક્રોસ કરવાની હતી પણ કોરોમંડલ એક્સપ્રેસ ખોટા ટ્રેક પર ચડી જઈને અથડાવાના કારણે તેના ડબ્બા મેઈન લાઈન પર પડ્યા અને તેની સાથે બેંગ્લોરથી હાવડા એક્સપ્રેસ અથડાઈ ગઈ હતી. જેના કારણે તેને પણ નુકસાન પહોંચ્યું હતું. 

    ટ્રેન ટ્રેક કઈ રીતે બદલે છે?

    જ્યાંથી ટ્રેનના ટ્રેક બદલાય છે એ સ્થાન (તસ્વીર- રેલ મંત્રાલય/ટ્વિટર)

    અહીં એ જાણવું જરૂરી છે કે ટ્રેન આ ટ્રેક બદલે કઈ રીતે છે. આ ટ્રેક ટ્રેનના એન્જિનમાંથી નહીં પરંતુ બહારથી બદલાય છે. તેમાં લોકો પાયલોટની કોઈ ભૂમિકા હોતી નથી. ટ્રેન જ્યાંથી ટ્રેક બદલવાની હોય ત્યાં એક બીજો પાટો જોડાયેલો હોય છે. આ બંનેને ટેક્નિકલ ભાષામાં સ્વિચ કે પોઇન્ટ કહેવાય છે. એકને લેફ્ટ અને બીજીને રાઈટ. જો ડાબી બાજુની સ્વિચ પાટા સાથે જોડાયેલી હોય તો જમણો ભાગ ખુલ્લો રહે છે અને ટ્રેન એ તરફ જાય છે અને જો સ્વિચ જમણા પાટા સાથે જોડાયેલી હોય તો ડાબો ભાગ ખુલ્લો રહે છે. આ કામ પોઇન્ટ મશીન દ્વારા થાય છે અને પોઇન્ટ ટ્રેનને એક ટ્રેક પરથી બીજા ટ્રેક પર લઇ જવામાં મદદ કરે છે. સ્ટેશન પર મેઈન લાઈન અને લૂપ લાઈન વચ્ચે ટ્રેક બદલવાનું આ કામ ઇન્ટરલોકિંગ દ્વારા થાય છે. પહેલાં આ કામ માણસો કરતા, હવે મશીન કરે છે. 

    શું છે ઇન્ટરલોકિંગ સિસ્ટમ?

    ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ સ્ટેશન અને જંક્શન પર ટ્રેનના સુચારૂ સંચાલન માટે હોય છે અને તેનું કામ જ એ જોવાનું છે કે કોઈ એક ટ્રેક પર બે ટ્રેન ન આવી જાય. જેમાં સિગ્નલ પોઇન્ટ અને ટ્રેક સર્કિટ સામેલ હોય છે. સિસ્ટમ એ સુનિશ્ચિત કરે છે કે પોઇન્ટ બરાબર લૉક હોય અને જે લાઈન પર ટ્રેન મોકલવાની હોય એ જ દિશામાં રહે. આ સિસ્ટમમાં એક ટ્રેક સર્કિટ પણ હોય છે જે જો ટ્રેન પાટા પર ઉભેલી હોય તો સિગ્નલ આપી દે છે જેથી કન્ટ્રોલ રૂમમાં ખબર પડે કે કયો ટ્રેક ખાલી છે અને ક્યાં ટ્રેન પહેલેથી ઉભી છે. 

    ‘ઇલેક્ટ્રોનિક’ ઇન્ટરલોકિંગ એટલે કે આ પ્રક્રિયા સોફ્ટવેર અને ઇલેક્ટ્રોનિક સાધનોની મદદથી થાય છે. કન્ટ્રોલ રૂમમાં પેનલ પર આ તમામ જાણકારીઓ સિગ્નલ મારફતે આપવામાં આવે છે અને ત્યાંથી જ તે ઓપરેટ કરવામાં આવે છે. ત્યાંથી મળતી સિગ્નલના આધારે ટ્રેનનો ટ્રેક બદલાય છે અને પાયલોટને જે-તે સિગ્નલ મળે છે. 

    અહીં નોંધવું જોઈએ કે જો પોઇન્ટ મેઈન લાઈન પર સેટ કરવામાં આવ્યો હોય તો તેને નોર્મલ પોઝિશન કહેવાય છે. આ કિસ્સામાં ટ્રેન સીધી જ મેઈન લાઈન પર પસાર થઇ જશે અને ટ્રેક બદલશે નહીં. જો ટ્રેનને લૂપ લાઈન પર મોકલવાની હોય તો પોઇન્ટ એ રીતે સેટ કરવામાં આવે છે, જેને રિવર્સ પોઝિશન કહેવાય છે. જ્યારે ટ્રેન માટે તમામ પોઇન્ટ બરાબર સેટ થઇ જાય ત્યારે સિગ્નલ આપમેળે જ ગ્રીન થઇ જાય છે અને લોકો પાયલોટને આગળ જવા માટે પરવાનગી મળે છે.

    હવે ફરી આવીએ એ દિવસ ઉપર, જ્યારે ઘટના બની હતી. બન્યું એવું કે પહેલાં ગુડ્સ ટ્રેન સ્ટેશને પહોંચી તો તેને પોઇન્ટ રિવર્સ પોઝિશન પર સેટ કરીને લૂપ લાઈન પર લઇ લેવામાં આવી. પરંતુ પછી આ પોઇન્ટ ફરી નોર્મલ પોઝિશન પર સેટ થવો જરૂરી હતો, કારણ કે પાછળથી આવતી ટ્રેનને સીધી જ મેઈન લાઈન પર મોકલવાની હતી. 

    પ્રાથમિક રિપોર્ટમાં એવું જાણવા મળ્યું કે કોરોમંડલ એક્સપ્રેસને સિગ્નલ અપાઈ હતી પરંતુ પછીથી તે ફરી બંધ થઇ ગઈ હતી. તેનો અર્થ એ થાય કે પોઇન્ટ રિવર્સ પરથી નોર્મલ પર સેટ કરાયો હતો પણ પછી કોઈક રીતે ફરીથી રિવર્સ પર સેટ થઇ ગયો. જેના કારણે ટ્રેન સીધી જવાની જગ્યાએ લૂપ લાઈન પર જતી રહી જ્યાં પહેલેથી ઉભેલી માલગાડી સાથે અથડાઈ. 

    લોકો પાયલોટની કોઈ ભૂલ ન હતી 

    આ બધી પ્રક્રિયા બહારથી થાય છે તેથી લોકો પાયલોટની આમાં કોઈ ભૂલ નીકળી શકે નહીં. એ પણ જાણવું જોઈએ કે તેમને ગ્રીન સિગ્નલ અપાઈ હતી, જેનો અર્થ થાય કે તેઓ ફૂલ સ્પીડથી જઈ શકે છે. અહીં સ્પીડની લિમિટ 130ની હતી જ્યારે ટ્રેન 128ની ઝડપે પસાર થઇ રહી હતી. એ જ રીતે બીજી ટ્રેન પર તેની ઝડપે જ આવતી હતી. 

    રેલવે મંત્રીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે આ ઘટના માટે જવાબદાર લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. તો એવું માની શકાય કે આ ભૂલ પોઇન્ટ સેટ કરવામાં થઇ હોય શકે. માનવીય ભૂલના કારણે ગુડ્સ ટ્રેન લૂપ લાઈન પર ચડી ગયા બાદ પોઇન્ટ નોર્મલ પોઝિશનમાં સેટ થયો ન હોય અને આ અકસ્માત સર્જાયો હોય તેમ બની શકે. આ વિશે વધુ વિગતો સંપૂર્ણ તપાસ બાદ જ સામે આવી શકશે. 

    અગાઉ રિપોર્ટ્સમાં એમ જણાવાયું હતું કે કોરોમંડલ એક્સપ્રેસ તેના પાટા પરથી ઉતરી ગઈ અને પછી માલગાડી સાથે અથડાઈ હતી, પરંતુ તેમ બન્યું ન હતું. એવું પણ નહતું બન્યું કે બે ટ્રેન એક જ ટ્રેક પર આવી ગઈ હોય અને સામસામી અથડાઈ હોય. અકસ્માતનું કારણ ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમમાં ખામી હતી અને એ માનવીય ભૂલના કારણે કે ટેક્નિકલ ખામીના કારણે સર્જાઈ હોય શકે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં