કર્ણાટકમાં ગૌહત્યા વિરોધી કાયદો પરત ખેંચાય તેવા સંકેત રાજ્યની કોંગ્રેસ સરકારે આપ્યા છે. પશુપાલન મંત્રી કે. વેંકટેશે શનિવારે (3 જૂન, 2023) આપેલા એક નિવેદનમાં કહ્યું હતું કે, રાજ્યમાં ગૌહત્યા વિરોધી કાયદાની સમીક્ષા થઈ શકે છે. નોંધનીય છે કે આ કાયદો અગાઉની ભાજપ સરકાર દ્વારા 2020માં લાગુ કરવામાં આવ્યો હતો. મંત્રી કે. વેંકટેશે એવું પણ નિવેદન આપ્યું છે કે, ‘જો ભેંસોની કતલ થઈ શકે તો ગાયોની કેમ નહીં?’
મૈસુરમાં પત્રકાર સાથેની વાતચીતમાં પશુપાલન મંત્રી કે. વેંકટેશે આપેલા નિવેદન બાદ કર્ણાટકમાં ગૌહત્યા વિરોધી કાયદો પરત ખેંચાય તેવી અટકળો થઈ રહી છે. મંત્રીએ જણાવ્યું હતું કે, “અગાઉની ભાજપ સરકારે પ્રિવેન્શન ઑફ સ્લોટર એન્ડ પ્રિઝર્વેશન ઓફ કેટલ ઍક્ટ, 2020 લાગુ કર્યો હતો, આ અધિનિયમમાં 13 વર્ષથી વધુ ઉંમરની ભેંસોની કતલની પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ ગાયની નહીં.” તેમણે કહ્યું કે, “જો વૃદ્ધ ભેંસોની કતલની જોગવાઈ હોય તો વૃદ્ધ ગાયો માટે આવી જોગવાઈ શા માટે નથી? આ મુદ્દે ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે.”
પશુપાલન મંત્રીએ ઉમેર્યું કે, “એક ગાયનું મૃત્યુ થઈ જતાં પશુચિકિત્સકે તેને દફનાવી દેવાની સલાહ આપી હતી, પરંતુ અનેક પ્રયાસ પછી પણ મૃત ગાયને ઉપાડી નહોતી શકાઈ. આખરે તેને દફનાવવા માટે જેસીબીની મદદ લેવી પડી હતી.”
અન્ય એક પ્રશ્નના જવાબમાં કે.વેંકટેશે જણાવ્યું હતું કે, ગૌશાળાઓમાં ઘાસચારાની કોઈ અછત નથી, પરંતુ અગાઉની સરકાર તેનું યોગ્ય સંચાલન કરવામાં નિષ્ફળ ગઈ છે. પશુપાલન વિભાગમાં 18,000 જગ્યાઓમાંથી લગભગ 9,000 જગ્યાઓ ખાલી છે. તો પશુચિકિત્સકોની પણ તીવ્ર અછત જોવા મળી છે. રાજ્યની 4,234 વેટરનરી હોસ્પિટલોમાંથી 1,600માં પશુચિકિત્સકો ઉપલબ્ધ નથી. કે. વેંકટેશે કહ્યું કે, તેઓ પશુપાલનને પ્રોત્સાહન આપવા માટે મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાને નાણાંકીય સહાય માટે વિનંતી કરશે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ ગત 23 મેના રોજ FCRA ના ઉલ્લંઘન બદલ વિવાદમાં સપડાયેલી સંસ્થા એમ્નેસ્ટી ઇન્ડિયાએ સરકાર સામે હિંદુવિરોધી માંગોની એક યાદી જાહેર કરી હતી. જેમાં સંસ્થાએ સરકાર પાસે 2020ના ગૌહત્યા વિરોધી કાયદામાં સંશોધન કરવા માટે જણાવ્યું હતું. આ ઉપરાંત, રાજ્યમાં ગાયની કતલ માટે પણ પરવાનગી માંગવામાં આવી હતી.
કોંગ્રેસે 2020માં ગૌહત્યા વિરોધી કાયદાનો કર્યો હતો વિરોધ
ઉલ્લેખનીય છે કે, 2020ના ગૌહત્યા વિરોધી કાયદાએ અગાઉના ‘કર્ણાટક પ્રિવેન્શન ઑફ કાઉ સ્લોટર એન્ડ કેટલ પ્રિઝર્વેશન ઍક્ટ, 1964’નું સ્થાન લીધું હતું, જેમાં ઓછી કડક જોગવાઈઓ હતી. ભાજપ સરકારે 2020માં ગૌહત્યા સંબંધિત કાયદો લાગુ કર્યો એ વખતે કોંગેસે આ પગલાંનો વિરોધ કર્યો હતો.