કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) હાલ અમેરિકાના પ્રવાસે ગયા છે. ત્યાં જઈને તેમણે એવાં કેટલાંક ચર્ચાસ્પદ નિવેદનો કર્યાં હતાં, જેની ચર્ચા ભારતમાં પણ ચાલી રહી છે. જોકે, રાહુલ ગાંધી વિદેશમાં જઈને ભારતની આંતરિક બાબતો વિશે બોલે તેમાં હવે કોઈ નવી વાત રહી નથી પરંતુ દર વખતે તેમની વિદેશ યાત્રાઓ મુદ્દો બનતી રહી છે. હવે જ્યારે ફરી તેઓ ચર્ચામાં છે ત્યારે વિદેશ મંત્રી એસ જયશંકરે (S Jaishankar) નામ લીધા વિના એક ટિપ્પણી કરી છે.
#WATCH | …"There are sometimes, things bigger than politics & when you step outside the country, that is important to remember…I differ with them but how I counter it, I would like to go home and do it. Watch me when I get back": EAM S Jaishankar when asked about Congress… pic.twitter.com/7h0YutokpH
— ANI (@ANI) June 3, 2023
વિદેશ મંત્રીએ કહ્યું કે, ભારતમાં આપણે કોઈ પણ મુદ્દે ચર્ચાઓ કરી શકીએ છીએ પરંતુ જ્યારે વિદેશ જઈએ ત્યારે રાજકારણથી ઉપર ઉઠવું જોઈએ અને દેશની બહાર જોઈએ ત્યારે અમુક બાબતો યાદ રાખવી જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું કે જો તેઓ વિદેશ જાય તો તેઓ રાજકારણમાં પડતા નથી.
એસ જયશંકર આફ્રિકાના કેપટાઉન ખાતે BRICS વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ગયા હતા, જ્યાં ભારતીય સમુદાય સાથે ચર્ચા કરતી વખતે તેમણે આ વાતો કહી હતી. ચર્ચા દરમિયાન તેમને રાહુલ ગાંધીનું નામ લીધા વગર પૂછવામાં આવ્યું કે, કોઈ યુએસ જઈને દેશની બાબતોને લઈને ટિપ્પણી કરે તો તે વિશે તેઓ (વિદેશ મંત્રી) શું કહેશે. જેના જવાબમાં તેમણે આ વાતો કહી હતી.
વિદેશ મંત્રીએ કહ્યું કે, “હું મારા વિશે વાત કરી શકું. હું જ્યારે વિદેશ જાઉં છું ત્યારે રાજકારણમાં પડતો નથી. દેશમાં હું કોઈ પણ પ્રકારે ચર્ચા કરવા માટે તૈયાર છું, મારી અંદર આ બાબતોનો ક્યારેય અભાવ જોવા નહીં મળે. પરંતુ લોકતાંત્રિક પ્રણાલીમાં પણ અમુક સામૂહિક જવાબદારી હોય છે. ત્યાં રાષ્ટ્રહિત હોય છે, દેશની એક સામૂહિક છબી હોય છે. ત્યારે અમુક બાબતો રાજકારણથી પણ ઉપર હોય છે અને જ્યારે તમે દેશની બહાર જાઓ ત્યારે આ બાબતોને યાદ રાખવી બહુ જરૂરી છે.”
આગળ તેમણે કહ્યું, “હું કોઈ પણ વ્યક્તિ સાથે સ્પષ્ટપણે અસહમત થઇ શકું છું, તેમને કહી પણ શકું કે હું તમારા વિચારોથી સંમત નથી પરંતુ હું તેનો જવાબ દેશ પરત જઈને જ આપીશ અને હું જ્યારે પાછો જાઉં (ભારતમાં) ત્યારે મને જોજો.” ઉલ્લેખનીય છે કે હાલ વિદેશ મંત્રી દક્ષિણ આફ્રિકામાં છે.
તાજેતરમાં રાહુલ ગાંધીએ અમેરિકા જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર વિશે ટિપ્પણીઓ કરી હતી તો ચીન સરહદ વિવાદ જેવી ભારતની આંતરિક બાબતોને લઈને પણ નિવેદનો આપ્યાં હતાં. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે, ચીને ભારતની જમીન કબ્જે કરી લીધી છે, પરંતુ સત્ય એ છે કે એ જમીન 1962માં જવાહરલાલ નહેરૂના સમયે કબ્જે થઇ હતી, હાલ ભારતનો કોઈ ભાગ ચીને કબ્જે કર્યો નથી.
આ ઉપરાંત, રાહુલ ગાંધીએ મુસ્લિમ લીગને સેક્યુલર પણ ગણાવી હતી, જે નિવેદનને લઈને પણ ભારતમાં ખૂબ ચર્ચા ચાલી હતી. હવે વિદેશ મંત્રીએ રાહુલનાં આ નિવેદનોને લઈને પ્રતિક્રિયા આપી છે, જોકે તેમણે નામ લીધું ન હતું.