ઓડિશા ખાતે ભયાનક ટ્રેન અકસ્માત બાદ આખી રાત ચાલેલું રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થઇ ગયું છે. અત્યાર સુધીમાં 238 લોકોનાં મોતની પુષ્ટિ થઇ ચૂકી છે, જ્યારે 900થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘટનાસ્થળની મુલાકાત લેવા માટે રવાના થશે તેવી જાણકારી મળી રહી છે.
PM Narendra Modi will go to Odisha today. First, he will visit the site of the accident in Balasore and then he will visit the hospital in Cuttack: Sources#BalasoreTrainAccident pic.twitter.com/vzQhN2e5yB
— ANI (@ANI) June 3, 2023
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશા ખાતે જ્યાં 3 ટ્રેન અથડાઈ તે સ્થળની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ કટ્ટકની હોસ્પિટલ પણ જશે, જ્યાં ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. રવાના થતાં પહેલાં વડાપ્રધાને દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજી હતી અને ઘટનાને લઈને અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી.
રેલવે વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થઇ ગયું છે અને હવે રિસ્ટોરેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે, આ રૂટ પર કવચ સિસ્ટમ ઉપલબ્ધ નથી. ઉપરાંત, વધુમાં ઉમેર્યું કે હાલ રેલવે વિભાગના અધિકારીઓ ઇજાગ્રસ્તોની સ્થિતિ જાણવા માટે હોસ્પિટલોની મુલાકાત લઇ રહ્યા છે તો રેલવે મંત્રી સ્વયં ઘટનાસ્થળે હાજર છે.
#WATCH | The rescue operation has been completed, now we are starting the restoration work. Kawach was not available on this route: Amitabh Sharma, Railways Spokesperson on #BalasoreTrainAccident pic.twitter.com/s8Q0Kb4goE
— ANI (@ANI) June 3, 2023
અકસ્માતના કારણે આ રૂટની ઘણી ટ્રેનને અટકાવી દેવામાં આવી છે તો કેટલીકનો રૂટ બદલી નાંખવામાં આવ્યો છે. જાણકારી અનુસાર, 48 ટ્રેન રદ કરવામાં આવી છે જ્યારે 39 ડાઇવર્ટ કરાઈ છે અને 10 ટ્રેનનો રૂટ ટૂંકાવી દેવામાં આવ્યો છે. ત્રણ ટ્રેન અથડાવાના કારણે પાટા પરથી હાલ કોઈ ટ્રેન પસાર થઇ શકે તેમ નથી, જેથી હવે રિસ્ટોરેશનનું કામ શરૂ કરવામાં આવશે.
આ ઘટના શુક્રવારે (2 જૂન, 2023) સાંજે બની હતી. સાંજે સાતેક વાગ્યાના અરસામાં શાલિમારથી ચેન્નાઇ જતી કોરોમંડલ એક્સપ્રેસ ઓડિશાના બાલાસોર પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી, જેના કારણે તેના 10થી 12 ડબ્બા ખડી પડ્યા હતા. જેમાંથી અમુક બાજુની લૂપ લાઈન પર ઉભેલી માલગાડી સાથે ટકરાયા હતા. થોડી જ વારમાં જે લાઈન પર ડબ્બા પડ્યા હતા ત્યાંથી બેંગ્લોરથી આવતી હાવડા એક્સપ્રેસ આવી પહોંચી હતી. જેથી તેની ટક્કર થવાના કારણે તેના પણ 3-4 ડબ્બા પડી ગયા હતા.
આ ઘટનામાં સેંકડો લોકોને ઇજા પહોંચી છે તો 230થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. ઘટના બાદથી જ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું, જે હવે પૂર્ણ થઇ ગયું છે. બીજી તરફ, રેલવે મંત્રી તેમજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે છે અને હવે વડાપ્રધાન પણ પહોંચશે.