કર્ણાટકમાં નવી બનેલી કોંગ્રેસની સિદ્ધારમૈયા સરકારે માર્યા ગયેલા ભાજપ નેતા પ્રવીણ નેત્તારૂની પત્નીને પાછલી સરકારે આપેલી નોકરી પરત લઇ લીધી હોવાનું મીડિયા રિપોર્ટ્સ થકી જાણવા મળ્યું છે.
ગયા વર્ષે PFIના આતંકવાદીઓએ ભાજપ નેતા પ્રવીણ નેત્તારૂની કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી. ત્યારબાદ તેમની પત્ની નૂતન કુમારીને તત્કાલીન બસવરાજ બોમ્માઈ સરકારે મુખ્યમંત્રી કાર્યાલયમાં નોકરી આપી હતી. તેમને મેંગલુરુમાં ડેપ્યુટી કમિશનર ઓફિસના મુખ્યમંત્રીના રાહત ભંડોળ વિભાગમાં વરિષ્ઠ સહાયકનું પદ આપવામાં આવ્યું હતું. હવે કોંગ્રેસ સરકારે પ્રવીણની વિધવાની નોકરી આંચકી લેવાનો નિર્ણય કર્યો છે. જોકે નૂતનની કુમારીની નોકરી કેમ રદ કરવામાં આવી તે અંગે કોંગ્રેસ સરકારે કોઈ જ સ્પષ્ટતા કરી નથી.
અમુક મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે રાજ્યમાં સરકાર બદલાય છે ત્યારે કામચલાઉ ધોરણે લેવામાં આવેલા સ્ટાફને છૂટો કરી દેવામાં આવે છે. પરંતુ આ કિસ્સામાં કોઈ વિશેષ વિચાર કરવામાં ન આવ્યો હતો. નૂતન કુમારીને શુક્રવાર (26 મે, 2023)થી નોકરીએ ન આવવા માટે કહેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
બીજી તરફ કોંગ્રેસ સરકારના આ નિર્ણય બાદ ભાજપે આકરી પ્રતિક્રિયા આપી છે. ભાજપ નેતા અમિત માલવિયાએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘શહીદ પ્રવીણ નેત્તારૂની પત્નીને આપવામાં આવેલી નોકરી રદ કરવા બદલ સિદ્ધારમૈયા સરકાર પર શરમ આવી રહી છે. આ ખૂંખાર સંગઠન પર પ્રતિબંધ મૂકાય તે પહેલાં પીએફઆઈના ગુંડાઓએ તેમની હત્યા કરી નાખી હતી.’ કોંગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, આપણે વિચારીએ કે કોંગ્રેસ હવે આનાથી નીચે તો નહીં જ જાય ત્યારે જ તેઓ એક સ્તર નીચે ઉતરી જાય છે.
Shame on Siddaramaiah Govt for cancelling job given to martyr Praveen Nettaru’s wife. PFI goons, before the dreaded organisation was banned, had killed him. Just when you think Congress can’t stoop any further, they hit a new low… pic.twitter.com/uJVENtnnIE
— Amit Malviya (@amitmalviya) May 27, 2023
સપ્ટેમ્બર 2022માં કર્ણાટકની પાછલી સરકારે ભાજપ નેતાની પત્નીને નોકરી આપી હતી. તેમને કરારના આધારે મહિને 30 હજાર રૂપિયાના પગાર પર મુખ્યમંત્રી કાર્યાલયમાં આ નોકરી આપવામાં આવી હતી. તે પહેલાં કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈએ જાહેરાત કરી હતી કે તેઓ માર્યા ગયેલા ભાજપ નેતાની પત્નીને નોકરી આપશે. ત્યારબાદ આ આદેશ જારી કરવામાં આવ્યા હતા.
26 જુલાઈ 2022ના રોજ કર્ણાટકના બેલ્લારેમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના નેતા પ્રવીણ નેતારૂની હત્યા કરી નાંખવામાં આવી હતી. હત્યા બાદ 27 જુલાઈના રોજ બેલ્લારેના પોલીસ મથકે આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને આમાં PFIની સંડોવણી હોવાનું જાણવા મળ્યું હતું અને ત્યારબાદ કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયના નિર્દેશથી કેસની તપાસ નેશનલ એજન્સી NIAને સોંપવામાં આવી હતી. NIAએ કેસ હાથ પર લઇ 4 ઓગસ્ટે ફરી કેસ દાખલ કર્યો હતો અને પોતાની રીતે તપાસ શરૂ કરી હતી.