બાગેશ્વર ધામના પીઠાધીશ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબારમાં બુધવારે (24 મે, 2023) એક બાંગ્લાદેશી મુસ્લિમ યુવતી પહોંચી ગઈ હતી. તેણે બાબાને કહ્યું કે તે ઘણા સમયથી યુ-ટ્યુબ પર તેમના કાર્યક્રમો જુએ છે અને રામ નામ જાપ કરવાથી તેના મનને ખૂબ શાંતિ મળે છે. આ યુવતીએ સનાતન ધર્મ અપનાવવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી.
યુવતીએ કહ્યું કે તે પોતાની ઈચ્છાથી વિઝા લઈને ભારત આવી છે અને કોઈએ તેને દબાણ કર્યું નથી. તેણે કહ્યું કે, તેને સનાતન ધર્મ પસંદ છે અને ભજન, કીર્તન અને કથા વગેરે યુ-ટ્યુબ પર સાંભળતી રહે છે. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને પણ તે ઘણા સમયથી ફૉલો કરી રહી હોવાનું જણાવ્યું હતું. જોકે, યુવતીએ એમ પણ કહ્યું કે સનાતન સ્વીકારવાથી તેના પરિવારને હેરાનગતિ સહન કરવી પડી શકે તેમ છે પરંતુ તેમ છતાં તે આ નિર્ણય લઇ રહી છે.
યુવતીનું સ્વાગત કરતાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, હજુ પણ હું બહેનને એ જ કહીશ કે તમારે તમારો મઝહબ છોડવાની જરૂર નથી, તમે ત્યાં રહીને પણ અમારા સનાતનને સ્વીકારી શકો છો.” જોકે, યુવતી સનાતન અપનાવવાની વાત પર અડગ રહી હતી. જેને લઈને બાગેશ્વર ધામ સરકારે કહ્યું કે, “તમારી જો ઈચ્છા હોય તો તમે બેજીજક સનાતન સ્વીકારી શકો છો.”
‘હું કોઈ મઝહબનો વિરોધી નથી, મને ઘરવાપસી પર વિશ્વાસ છે’: બાગેશ્વર ધામ સરકાર
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ ઉમેર્યું કે, તેઓ કોઈ મઝહબના વિરોધી નથી કે ન તો ધર્માંતરણ કરાવે છે પરંતુ તેમને ઘરવાપસી પર વિશ્વાસ છે. તેમણે કહ્યું કે, મારી ઉપર આરોપ લાગે છે કે હું ઉપદ્રવ કરાવું છું, પરંતુ હું કોઈ મઝહબની વિરુદ્ધ નથી. ન મને ધર્માંતરણ પર વિશ્વાસ છે કે મારી કોઈ ભૂમિકા પણ નથી. મારી ભૂમિકા રામ નામની છે. પણ મને ઘરવાપસી ઉપર વિશ્વાસ છે. આ દરમિયાન કથામાં મધ્ય પ્રદેશની શિવરાજસિંહ ચૌહાણ સરકારના મંત્રી રામકિશોર કાંવરે પણ ઉપસ્થિત હતા. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમને રામકથા બાદ યુવતીની વિધિવત રીતે ઘરવાપસી કરાવવા માટે આગ્રહ કર્યો હતો.
બાગેશ્વર ધામ સરકારનો આ બે દિવસીય દરબાર 23 અને 24 મેના રોજ એમપીના બાલાઘાટના પરસવાડાના ભાદુકોટામાં આયોજિત થયો હતો. આ દરમિયાન હજારો લોકો તેમને સાંભળવા માટે આવ્યા હતા. આ યુવતી બીજા દિવસે પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આજથી ગુજરાતના પ્રવાસે છે. આજે તેઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા, જ્યાં ભક્તોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર અને રાજકોટના તેમના દિવ્ય દરબારનું આયોજન થનાર છે, જેમાં લાખો લોકો આવવાની સંભાવના છે.