IPL2023ના પ્લેઓફની શરૂઆત થઈ ચુકી છે, ચેન્નઈના ચેપોક સ્ટેડીયમ ખાતે સીઝનની પ્રથમ ક્વોલીફાયર મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમવામાં આવી. આ બધા વચ્ચે IPLની પ્લેઓફ મેચના દરેક ડૉટ બોલ પર BCCI 500 વૃક્ષ વાવશે તેવો મોટો નિર્ણય લીધો છે. ક્રિકેટ રસિયાઓ સહિતના પ્રસંશકોએ BCCIના આ નિર્ણયને વધાવી લીધો છે. આ સાથે જ વિશ્વભરના લોકોમાં વૃક્ષારોપણ માટેની જાગૃતતા પણ ફેલાશે.
વાસ્તવમાં ગત મેચ દરમિયાન બ્રોડકાસ્ટર દ્વારા સ્ક્રીન પર ડૉટ બોલની જગ્યાએ ઝાડની ઈમોજી દેખાડવામાં આવી રહી હતી. જે બાદ દરેકના મનમાં સવાલ આવવા લાગ્યો કે ક્વોલીફાયર મેચમાં ડૉટ બોલની જગ્યાએ આ ઝાડ શા માટે દેખાડવામાં આવી રહ્યા છે. જે બાદ BCCIનો નિર્ણય જાહેર કરવામાં આવતા લોકોએ ઉત્સાહભેર તેને વધાવી લેવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ લોકો BCCIના વખાણ પણ કરી રહ્યાં છે.
પ્રથમ ક્વોલીફાયમાં 84 ડૉટ બોલ પડ્યા
ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં કુલ 84 ડૉટ બોલ ફેંકવામાં આવ્યાં હતા. આ તમામ ડૉટ બોલ પર હવે BCCI 42,000 વૃક્ષો વાવશે. આ મેચમાં સહુથી વધુ ચેન્નઈ સુપર કિંગ્સના રવીન્દ્ર જાડેજાએ 12 ડૉટ બોલ ફેંક્યા હતા, જયારે તુષાર પાંડે દ્વારા 11 ડૉટ બોલ ફેંકવામાં આવ્યાં હતા.
જો આ મેચની વાત કરીએ તો ઋતુરાજ ગાયકવાડના અર્ધશતક બાદ બોલરોના શાનદાર પ્રદર્શનથી ચેન્નઈ સુપર કિંગ્સ IPL T20ના પ્રથમ ક્વોલીફાયર મુકાબલામાં પૂર્વ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સને 15 રને હરાવીને પાંચમી વાર ખિતાબ તરફ આગળ વધ્યું હતું. ગાયકવાડના 44 બોલમાં 60 રનના દમ પર ચેન્નઈએ સાત વિકેટના નુકસાન સાથે 172 રન બનાવ્યા, જે પછી ગુજરાત ટાઈટન્સને છેલ્લા બોલ સુધી માત્ર 157 રનમાં સમેટી દીધું. આ જીત મેળવી ચેન્નઈએ પોતાના ફાઈનલ મેચના દ્વાર ખોલી નાંખ્યા હતા.
બીજી તરફ આ હાર બાદ ગુજરાત ટાઈટન્સ હવે IPLની દ્વિતીય ક્વોલીફાયરમાં લખનૌ સુપરજાયંટસ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાનાર એલીમીનેટર મુકાબલાના વિજેતા સામે ભીડશે. ગુજરાત ટાઈટન્સ માટે શુભમન ગીલે સહુથી વધુ 42 રનનું યોગદાન આપ્યું, તો રાશીદ ખાને અંતિમ ઓવરમાં 16 દડામાં 3 ચોક્કા અને 2 છક્કા મારીને 30 રનની પારી રમી મેચનો રોમાંચ ચોક્કસ વધાર્યો, પરંતુ ટીમની જીત માટે તે પુરતું ન રહ્યું અને કારમી હારનો સામનો કરવો પડ્યો.