વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મે 2023ના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાના છે ત્યારે વિપક્ષી દળોએ સંસદ ભવન ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. ભવનનું ઉદ્ઘાટન વિનાયક દામોદર સાવરકર જયંતીના દિવસે થઈ રહ્યું છે અને ઉદ્ઘાટનમાં રાષ્ટ્રપતિને બોલાવવામાં નથી આવ્યા એટલે વિપક્ષી દળો ભડક્યા છે અને મોદી સરકારની ટીકા કરી રહ્યા છે.
વિપક્ષ નેતાઓએ સંસદ ભવન ઉદ્ઘાટનનો બહિષ્કાર કરતા જણાવ્યું હતું કે, “નવા ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના બદલે PM નરેન્દ્ર મોદીના હસ્તે કરાવવું રાષ્ટ્રપતિનું અપમાન છે.” AAP નેતા સંજય સિંઘે કહ્યું કે આ ભારતના દલિત આદિવાસી અને વંચિત સમાજનું અપમાન છે. બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિએ જ કરવું જોઈએ.
કોંગ્રેસ, શિવસેના (UBT), આમ આદમી પાર્ટી, TMC, RJD, JDU સહિત 19 વિપક્ષી દળોએ એક સંયુક્ત નિવેદન જારી કર્યું છે. જેમાં વિપક્ષી દળોએ કહ્યું છે કે, “જ્યારે સંસદમાં લોકશાહીની આત્મા જ નથી રહી અને સરકાર લોકશાહી માટે ખતરો બની ગઈ છે તો નવા ભવનનું કોઈ મૂલ્ય નથી. અમે નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાના અમારા સામૂહિક નિર્ણયની જાહેરાત કરીએ છીએ.”
19 opposition parties issue a joint statement to boycott the inauguration of the new Parliament building on 28th May, saying "When the soul of democracy has been sucked out from the Parliament, we find no value in a new building." pic.twitter.com/7p7lk9CNqq
— ANI (@ANI) May 24, 2023
સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કરનારી પાર્ટીઓમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ (TMC), DMK, જનતા દળ (યુનાઇટેડ), આમ આદમી પાર્ટી (AAP), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP), શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદી), સમાજવાદી પાર્ટી (SP), રાષ્ટ્રીય જનતા દળ (RJD), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI), મુસ્લિમ લીગ, ઝારખંડ મુક્તિ મોરચા (JMM), નેશનલ કોન્ફરન્સ, કેરાલા કોંગ્રેસ (M), રિવોલ્યુશનરી સોશિયલિસ્ટ પાર્ટી (RSP), મારુમાલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ (MDMK), વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી (VCK) અને રાષ્ટ્રીય લોક દળ (RLD) સામેલ છે.
નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, “બંધારણની કલમ 79 કહે છે કે, સંઘ માટે એક સંસદ હશે, જેમાં રાષ્ટ્રપતિ અને બે ગૃહો હશે. આ ગૃહોને રાજ્યસભા અને લોકસભા તરીકે ઓળખવામાં આવે છે. રાષ્ટ્રપતિ ભારતીય સંઘના માત્ર પ્રમુખ નથી, પરંતુ સંસદનો અભિન્ન ભાગ પણ છે. રાષ્ટ્રપતિ વગર સંસદની કાર્યવાહી ન થઈ શકે તેમ છતાં વડાપ્રધાને ભવનનું ઉદ્ઘાટન જાતે કરવાનો નિર્ણય લીધો છે. આ રાષ્ટ્રપતિનું અપમાન છે અને બંધારણની મૂળ આત્માનું ઉલ્લંઘન કરે છે.”
વિપક્ષે કહ્યું છે કે, “સંસદના વિપક્ષી સભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે, સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને જ્યારે તેમણે ભારતના લોકોના મુદ્દા ઉઠાવ્યા છે ત્યારે તેમને મૌન કરવામાં આવ્યા છે. ટ્રેઝરી બેન્ચના સાંસદોએ સંસદને ખોરવી નાખી છે. ત્રણ કૃષિ કાયદાઓ સહિત ઘણા વિવાદાસ્પદ કાયદાઓ લગભગ કોઈ ચર્ચા વિના પસાર કરવામાં આવ્યા છે અને સંસદીય સમિતિઓને વ્યવહારીક રીતે નિષ્ક્રિય કરવામાં આવી છે.”
શિવસેના (UBT)ના સંજય રાઉતે જણાવ્યું હતું કે, “અમે પહેલાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને લઈને કહ્યું હતું કે જ્યારે દેશની આર્થિક સ્થિતિ ખરાબ છે, ત્યારે લાખો-કરોડો.. સેંકડો કરોડ રૂપિયા ખર્ચ કરવાની શું જરૂર હતી?”
#WATCH | All opposition parties have decided to boycott the inauguration of the new Parliament building on 28th May and we will also do the same: Uddhav Thackeray faction leader Sanjay Raut pic.twitter.com/mvQNO0ib0h
— ANI (@ANI) May 24, 2023
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓએ ડિસેમ્બર 2020માં પણ નવા સંસદ ભવનના શિલાન્યાસ સમારોહમાં પણ હાજરી નહોતી આપી. નવા સંસદ ભવનના નિર્માણ માટે 10 ડિસેમ્બર, 2020ના રોજ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જાન્યુઆરી, 2021માં તેનું નિર્માણકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.