Monday, May 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકડક સુરક્ષા વચ્ચે આજથી કાશ્મીરમાં G20 બેઠકનો પ્રારંભ, શ્રીનગર એરપોર્ટ પર મહેમાનોનું...

    કડક સુરક્ષા વચ્ચે આજથી કાશ્મીરમાં G20 બેઠકનો પ્રારંભ, શ્રીનગર એરપોર્ટ પર મહેમાનોનું ભવ્ય સ્વાગત કરાયું: જાણીએ કેમ આ બેઠક મહત્વની

    આ બેઠકમાં G20ના સભ્ય દેશોના પ્રતિનિધિઓ, આમંત્રિત દેશોના સભ્યો, આંતરરાષ્ટ્રીય સંસ્થાના પ્રતિનિધિઓ અને ઇન્ડસ્ટ્રી સ્ટેકહોલ્ડર્સ સહભાગી થશે.

    - Advertisement -

    આ વર્ષની G20ની અધ્યક્ષતા ભારત પાસે છે. જેના કારણે દેશભરનાં અનેક શહેરોમાં બેઠકો યોજાઈ રહી છે. આજથી ત્રણ દિવસ માટે G20 ટૂરિઝમ વર્કિંગ ગ્રુપની એક મિટિંગ જમ્મુ-કાશ્મીરમાં યોજાશે. જેને લઈને તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે અને ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

    આજથી શરૂ થનારી બેઠક માટે સવારથી જ ડેલિગેટ્સ આવવા માંડ્યા હતા. જેમનું શ્રીનગર એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાશ્મીરી પરંપરા મુજબ તમામ મહેમાનોને આવકારવામાં આવ્યા હતા. મહેમાનોને આવકારવા માટે શ્રીનગરની દીવાલો અને રસ્તાઓ પણ શણગારવામાં આવ્યા છે. આ બેઠકમાં G20ના સભ્ય દેશોના પ્રતિનિધિઓ, આમંત્રિત દેશોના સભ્યો, આંતરરાષ્ટ્રીય સંસ્થાના પ્રતિનિધિઓ અને ઇન્ડસ્ટ્રી સ્ટેકહોલ્ડર્સ સહભાગી થશે. નોંધનીય છે કે 20 દેશો G20ના સભ્યો છે જ્યારે દર વર્ષે અમુક દેશોને આમંત્રિત દેશો તરીકે સામેલ કરવામાં આવે છે. આ વર્ષે બાંગ્લાદેશ, ઇજિપ્ત, મોરેશિયસ, નેધરલેન્ડ્સ, નાઈજીરિયા, ઓમાન, સિંગાપોર, સ્પેન અને યુએઈને આમંત્રણ અપાયું હતું.

    કાશ્મીરમાં મળવા જઈ રહેલી આ ટૂરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકમાં ગ્રીન ટૂરિઝમ, ડિજિટલાઇઝેશન, સ્કિલ, MSME અને ડેસ્ટિનેશન મેનેજમેન્ટ જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ ઉપરાંત, ભારત, બ્રાઝીલ, સ્પેન, સિંગાપોર, મોરેશિયસ, નાઈજીરિયા અને સાઉથ આફ્રિકા- આ સાત દેશો ફિલ્મ ટૂરિઝમને લઈને એક અલગ બેઠક યોજશે, જેમાં ફિલ્મ ટૂરિઝમના વેશ્વિક પરિદ્રશ્ય તેમજ તેની કાશ્મીર અને તેની અર્થવ્યવસ્થા પર અસરને લઈને ચર્ચા થશે. આ બેઠકનો હેતુ કાશ્મીરમાં ફિલ્મ ટૂરિઝમને પ્રોત્સાહન આપવાનો છે. 

    - Advertisement -

    કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવામાં આવ્યા બાદ આ પહેલી મોટી ઇન્ટરનેશનલ ઇવેન્ટ યોજાવા જઈ રહી છે. જોકે, સંવેદનશીલ વિસ્તાર હોવાના કારણે સુરક્ષાની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે અને એજન્સીઓને હાઇએલર્ટ પર રાખવામાં આવી છે. આ બેઠક માટે થ્રિ-ટીયર સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. જેમાં મિટિંગ સ્થળની આસપાસ NSG અને માર્કોસ કમાન્ડોને તહેનાત કરવામાં આવશે. જ્યારે કોઈ પણ આતંકી ગતિવિધિને ટાળવા માટે કાશ્મીરમાં ઠેરઠેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનો ખડેપગે હાજર રહેશે. જોકે, ધંધા-વ્યવસાય પર રોક લગાવવામાં આવી નથી , ઉપરાંત લોકોની અવરજવર પણ યથાવત રહેશે. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગુજરાતના કચ્છના રણ અને બંગાળના સિલિગુડીમાં ટૂરિઝમ વર્કિંગ ગ્રુપની બે બેઠકો થઇ ચૂકી છે. આ ત્રીજી બેઠક છે. જેમાં અગાઉની બે બેઠકો કરતાં પણ વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. 

    કેમ આ બેઠક મહત્વની?

    જે જમ્મુ-કાશ્મીરને લઈને પાકિસ્તાન અને ચીન જેવા દેશો દુનિયાભરમાં દુષ્પ્રચાર ફેલાવતા રહે છે ત્યાં વૈશ્વિક કક્ષાની બેઠક યોજીને ભારતે કડક સંદેશ આપી દીધો છે કે આ પ્રદેશ ભારતનું અભિન્ન અંગે છે અને રહેશે. બીજી તરફ, કાશ્મીરના ટૂરિઝમ ઉપર પણ તેની સકારાત્મક અસર થશે તો ફિલ્મ ટૂરિઝમને લઈને પણ એક અલગ બેઠક થઇ રહી છે. જેના કારણે પ્રદેશની અર્થવ્યવસ્થાને વેગ મળશે. 

    ચીન-તૂર્કી-પાકિસ્તાનને વાંકું પડ્યું, ભારતે રોકડું પરખાવ્યું 

    કાશ્મીરમાં G20ની બેઠક યોજાવાને લઈને ચીન અને તૂર્કીને વાંકુ પડ્યું છે. જેથી આ બંને દેશો આ બેઠકમાં ભાગ લેવા જઈ રહ્યા નથી. ભારતની જમીનનો અમુક ભાગ પચાવી પાડનાર ચીને એક નિવેદન જારી કરીને કહ્યું કે, તેઓ ‘વિવાદિત ક્ષેત્ર’માં યોજાનારી G20 બેઠક સામે વાંધો ઉઠાવે છે અને આવી કોઈ બેઠકમાં ભાગ લેશે નહીં. જોકે, તૂર્કીએ હજુ કોઈ નિવેદન જારી કર્યું નથી. 

    પાકિસ્તાન G20 સમૂહનો ભાગ નથી પરંતુ તાજેતરમાં તેણે પણ કાશ્મીરમાં યોજાનારી આ બેઠક સામે વાંધો ઉઠાવ્યો હતો. જેને લઈને ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે G20ની બેઠકો દેશભરમાં યોજાઈ રહી છે અને જેથી જમ્મુ-કાશ્મીર અને લદાખમાં પણ આવી બેઠકો યોજાય તે સ્વભાવિક છે, કારણ કે આ બંને પ્રદેશો ભારતના અભિન્ન અંગ છે. 

    શું છે G20?

    G20 (ગ્રુપ ઑફ 20) એ દુનિયાના 19 દેશો અને યુરોપિયન યુનિયનનો એક સમૂહ છે, જેની સ્થાપના 1999માં કરવામાં આવી હતી. જે વૈશ્વિક અર્થવ્યવસ્થા, આંતરરાષ્ટ્રીય નાણાકીય સ્થિરતા, ક્લાઈમેટ ચેન્જ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વગેરે ક્ષેત્રો માટે રણનીતિ ઘડે છે. દુનિયાની કુલ GDPમાં આ દેશોનો હિસ્સો 85 ટકા જેટલો છે. વૈશ્વિક વેપારનો 75 ટકા વેપાર આ દેશો વચ્ચે થાય છે જ્યારે દુનિયાની ⅔ વસ્તી તેમાં સામેલ છે. 

    દર વર્ષે G20ની એક વાર્ષિક સમિટ યોજવામાં આવે છે, જેની યજમાની વારાફરતી વિવિધ દેશોને અપાતી રહે છે. આ વર્ષે અધ્યક્ષ ભારત છે. સપ્ટેમ્બર 2023માં G20ની વાર્ષિક સમિટ યોજાશે, જેમાં આ તમામ 20 દેશોના વડા ભાગ લેશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં