આગામી મહિને રથયાત્રા યોજાય તે પહેલાં ગુપ્તચર એજન્સીના ઇનપુટના આધારે અમદાવાદમાંથી ત્રણ શકમંદોની અટકાયત કરવામાં આવી છે. ગુજરાત ATS દ્વારા આ ત્રણેયને રવિવારે સવારે પકડી લેવામાં આવ્યા હતા. આ ત્રણેયના બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથે સંપર્કો હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે.
IBનું એલર્ટ, ગુજરાત ATSની કાર્યવાહી
— News18Gujarati (@News18Guj) May 21, 2023
અમદાવાદના નારોલથી 3 શંકાસ્પદની અટકાયત#Gujarat #News18GujaratiNo1 #ahmedabad pic.twitter.com/qwj1sljNQj
ગુજરાત એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડે આ ત્રણ ઈસમોની અમદાવાદના નારોલ વિસ્તારમાંથી અટકાયત કરી લીધી હતી. નારોલ અને ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓની વસ્તી વધુ પ્રમાણમાં છે, જેથી તેઓ સુરક્ષા એજન્સીઓની નજર હેઠળ જ રહે છે. હવે રથયાત્રા આવી રહી છે ત્યારે ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ મળ્યા બાદ એજન્સીઓ વધુ સતર્ક થઇ છે. રિપોર્ટ્સ જણાવે છે કે ATS દ્વારા આ ઓપરેશન અત્યંત ગુપ્ત રીતે પાર પાડવામાં આવ્યું હતું અને અમદાવાદ પોલીસ કે અન્ય એજન્સીઓની પણ મદદ લેવામાં આવી ન હતી.
ત્રણ સંદિગ્ધોની અટકાયત કરીને હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં તેમનાં નામ કે અન્ય ઓળખ સામે આવી શકી નથી પરંતુ રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે તેમનાં જોડાણ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે છે. એક રિપોર્ટમાં આ ત્રણેય બાંગ્લાદેશી હોવાનું જણાવવામાં આવ્યું છે. હાલ તેમનું પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે કનેક્શન છે કે કેમ અને જો છે તો કેવી રીતે તેઓ સંપર્કમાં છે વગેરે જેવી બાબતોની જાણકારી મેળવવામાં આવી રહી છે. બીજી તરફ, તેમના નજીકના માણસો અને આસપાસ રહેતા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
20 જૂને ભગવાનની 146મી રથયાત્રા નીકળશે
આગામી 20મી જૂને અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળનાર છે. દર વર્ષે અમદાવાદની આ પ્રસિદ્ધ રથયાત્રાના આયોજન માટે મહિનાનો પહેલાંથી તૈયારીઓ શરૂ થઇ જતી હોય છે તેમજ સુરક્ષા વ્યવસ્થાની પણ પૂરતી કાળજી રાખવામાં આવે છે. યાત્રાના સમગ્ર રૂટ પર દિવસો પહેલાંથી સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવે છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ યાત્રા નીકળે છે. બીજી તરફ, સુરક્ષા એજન્સીઓ પણ વધુ સતર્ક બની જાય છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઇનપુટ્સના આધારે કાર્યવાહી પણ કરવામાં આવે છે.
આ વર્ષે રથયાત્રામાં 3D મેપિંગ અને વર્ચ્યુઅલ રિયાલિટી પ્રોજેક્ટનો પણ ઉપયોગ કરવામાં આવનાર છે. જેથી પોલીસ પળેપળની માહિતી કન્ટ્રોલરૂમમાંથી સરળતાથી મેળવી શકશે અને યાત્રાને સુરક્ષા પૂરી પાડવામાં પણ ઘણું મદદરૂપ થશે.