જાણીતો ટીવી શૉ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ હાલ વિવાદોમાં સપડાઈ ગયો છે. શોમાં ‘રોશનભાભી’નું પાત્ર ભજવતી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે નિર્માતા અસિત મોદી સહિત ત્રણ વ્યક્તિઓ પર જાતીય સતામણીનો આરોપ મૂક્યો છે. હવે તેના સમર્થનમાં ‘બાવરી’ એટલે કે મોનિકા ભદોરિયાએ પણ નિવેદન આપ્યું છે. મોનિકા ભદોરિયાએ અસિત મોદી અંગે એવું જણાવ્યું હતું કે નિર્માતાએ તેને પણ માનસિક ત્રાસ આપ્યો છે.
મોનિકા ભદોરિયાએ અસિત મોદીના પ્રોડક્શન હાઉસ પર એવા આરોપ મૂક્યા છે કે તેઓ એક્ટર્સ સાથે અત્યંત ખરાબ રીતે વ્યવહાર કરે છે અને તેમને માનસિક ત્રાસ આપે છે. મોનિકાએ કહ્યું હતું કે, એક વર્ષ સુધી તેને ત્રણ મહિનાની બાકી ફીઝ ચૂકવવામાં આવી ન હતી અને અસિત મોદીએ તેને ધમકી આપી હતી કે મુંબઈમાં તેને ક્યાંય કામ નહીં મળે.
‘શૈલેષ લોઢા, રાજ અનડકટ સહિતના કલાકારોના પૈસા રોક્યા હતા’
મોનિકા ભદોરિયાએ ઈટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં એવું જણાવ્યું હતું કે, તેણે એક વર્ષ સુધી પોતાની મહેનતની કમાણી મેળવવા માટે અસિત મોદી સામે બાંયો ચડાવી હતી. જયારે તેણે નિર્માતાને કહ્યું કે તે CINTAA (સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશન)માં પોતાની ફરિયાદ દાખલ કરશે ત્યારે છેક તેને પેમેન્ટ આપવામાં આવ્યું હતું.
🚨 Breaking News 🚨
— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) May 19, 2023
Taarak Mehta actress, Monika Bhadoriya, speaks out against producer Asit Modi, stating, "Kutte jaisa treat karte hai, I used to cry everyday."
– She used to play the role of Baawri in the show. She is the 2nd actress to speak out against the makers. pic.twitter.com/RilVWRXeOr
મોનિકા કહે છે કે, “તારક મહેતા શોમાં મારી છ વર્ષની સફર દરમિયાન મને ક્યારેય નિર્ધારિત રકમ ચૂકવવામાં નથી આવી. અસિત મોદી દર વખતે ‘મને યાદ નથી શું નક્કી થયું હતું’ એવું કહી દેતા. તેઓ બધાના પૈસા રોકે છે. શૈલેષ લોઢા, ગુરુચરણ સિંઘ, રાજ અનડકટ, જેનિફર, નેહા મહેતા સહિતના કલાકારોએ આ સમસ્યાનો સામનો કર્યો છે. અહીં કામ કરવું નરક સમાન હતું.”
‘મા ભલે ગુજરી ગઈ હોય, પૈસા અમે આપીએ છીએ’
મોનિકા ભદોરિયાએ કહ્યું કે, અસિત મોદી એક્ટરોને માણસ નથી સમજતા અને વારંવાર અપમાન કરે છે. અભિનેત્રીએ કહ્યું કે, જયારે તેની માતાનું નિધન થયું ત્યારે પ્રોડ્યુસર અસિત મોદીએ તેને એકવાર પણ ફોન નહતો કર્યો. “તેમણે મને મારી માતાના નિધનના સાત દિવસ બાદ ફોન કરીને સેટ પર રિપોર્ટ કરવા કહ્યું. જયારે મેં કહ્યું કે મારી સ્થિતિ સારી નથી તો તેમની ટીમે કહ્યું કે, તમારી મા ગુજરી ગઈ હોય કે ભાઈ, અમે તમને પૈસા આપી રહ્યા છીએ, અમે જ્યારે ઈચ્છીએ ત્યારે તમારે ઊભા થવું પડશે.” મોનિકાએ એવું પણ કહ્યું હતું કે અસિત મોદી પોતાને ભગવાન સમજે છે અને લોકો સાથે કૂતરા જેવો વ્યવહાર કરે છે.
‘તારક મહેતા..માં કામ કરવા કરતાં આપઘાત કરવાનું સહેલું લાગતું’
મોનિકા ભદોરિયાએ કહ્યું કે મને એટલી હદે માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો કે મને એવું થયું કે અહીં કામ કરવા કરતાં આપઘાત કરી લેવો વધુ સારું છે. સોહિલ અત્યંત તોછડો વ્યક્તિ છે. તે દિલીપ જોશી એટલે કે જેઠાલાલ સાથે પણ ઝઘડ્યો હતો અને દિલીપ જોશીએ એવું કહ્યું હતું કે જો સોહિલ સેટ પર હશે તો હું નહીં રહું. બાદમાં અસિત મોદીને વચ્ચે આવવું પડ્યું હતું. તો નટ્ટુ કાકા સાથે પણ સોહિલે ગેરવર્તન કર્યું હતું. શોમાં કામ કરતા બધા કલાકારોને કોન્ટ્રાક્ટ સાઈન કરાવવામાં આવે છે એટલે તેઓ કોઈ બોલી નથી રહ્યા.
જેનિફર મિસ્ત્રીએ અસિત મોદી પર કર્યો હતો કેસ
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ નિર્માતા અસિત મોદી, શોના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજ અને પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી સામે જાતીય સતામણીનો કેસ કર્યો હતો. જે બાદ આ મુદ્દો ચર્ચામાં આવી ગયો છે. જેનિફર મિસ્ત્રીએ અસિત મોદી પર અપમાનજનક વ્યવહાર અને યૌન શોષણનો આરોપ મૂક્યો હતો અને એવું કહ્યું હતું કે શોના કલાકારો બંધુઆ મજૂર છે.