રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ (RBI) 2 હજાર રૂપિયાની ચલણી નોટ પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. જોકે, આ નોટ લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે, એટલે કે હાલ જે નોટ બજારમાં ફરી રહી છે તે માન્ય જ રહેશે, પરંતુ નવી નોટ હવે ઈસ્યૂ નહીં થાય.
Reserve Bank of India has advised banks to stop issuing Rs 2000 denomination banknotes with immediate effect though banknotes in Rs 2000 denomination will continue to be legal tender. https://t.co/yLWWpyuahL pic.twitter.com/kPTMqlm1XD
— ANI (@ANI) May 19, 2023
આ આદેશનો અર્થ એ થાય કે હાલ જે નોટ ફરે છે તેને બેન્કમાં જમા કરાવી શકાશે કે તેને બદલી શકાશે પરંતુ તેને ફરીથી બજારમાં ઉતારવામાં નહીં આવે. લોકો 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં બેન્કમાં જઈને આ નોટ જમા પણ કરાવી શકશે કે તેના સ્થાને બીજી નોટ (2 હજાર સિવાયની) પણ લઇ શકશે.
RBIએ એક પ્રેસ રિલીઝ જારી કરીને આ બાબતની જાણકારી આપી છે. જે અનુસાર, બેન્કોને તાત્કાલિક અસરથી 2 હજાર રૂપિયાની ચલણી નોટો ઈસ્યૂ કરવાની બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે. જોકે, સાથે સ્પષ્ટતા કરવામાં આવી છે કે હાલ જે નોટ બજારમાં ફરી રહી છે તે અમાન્ય નહીં ગણાય. RBIએ ‘ક્લીન નોટ પોલિસી’ હેઠળ આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.
જણાવવામાં આવ્યા અનુસાર, લોકો 2 હજાર રૂપિયાની ચલણી નોટ તેમના બેન્ક અકાઉન્ટમાં જમા કરાવી શકશે અને/અથવા તેને અન્ય નોટ સાથે એક્સચેન્જ પણ કરી શકશે. બેન્ક અકાઉન્ટમાં ડિપોઝીટ કરવા માટે કોઈ નવો નિયમ લાગુ પડશે નહીં અને સામાન્ય નિયમો હેઠળ જ આ પ્રક્રિયા કરવામાં આવશે. જોકે, વ્યવસ્થા જાળવી રાખવા માટે અને બેન્ક શાખાઓની નિયમિત પ્રક્રિયાઓમાં વિક્ષેપ ન પડે તે માટે 2 હજારની નોટ અન્ય ચલણ સાથે એક્સચેન્જ કરવા માટે એક વખતે 20 હજારની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
રિઝર્વ બેન્કે લોકોને અપીલ કરી છે કે તેઓ 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં 2 હજાર રૂપિયાની નોટોને ડિપોઝીટ કે એક્સચેન્જ કરી લે. આ માટે તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે બેન્કોને નિર્દેશ આપવામાં આવ્યા છે.
‘ગભરાવાની કોઈ જરૂર નથી, આ રૂટિન પ્રક્રિયા’
ન્યૂઝ એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે, 30 સપ્ટેમ્બર પછી પણ 2 હજારની ચલણી નોટો માન્ય જ રહેશે પરંતુ RBIનું અનુમાન છે કે લોકોને બેન્કમાં નોટ બદલવા માટે ચાર મહિનાનો સમય પૂરતો છે. હાલ જે સર્ક્યુલેશનમાં નોટ છે તેમાંથી મોટાભાગની આ સમયસીમામાં RBI પાસે આવી જશે. આ એક રૂટિન પ્રક્રિયા છે અને લોકોએ ગભરાવાની કોઈ જરૂર નથી.
8 નવેમ્બર, 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની ઘોષણા કરી હતી અને ત્યારબાદ 500 અને 1000 રૂપિયાની ચલણી નોટ બંધ કરી દેવામાં આવી હતી. તેની જગ્યાએ 500 રૂપિયા અને 2000 રૂપિયાની નવી નોટ બહાર પાડવામાં આવી હતી. જોકે, છેલ્લા થોડા સમયથી આ નોટ છાપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે અધિકારીક રીતે તેને સર્ક્યુલેશનમાંથી પરત લઇ લેવામાં આવી છે.