સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે ગુરુવારે (18 મે, 2023) તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્રમાં જલ્લીકટ્ટુ, કંબાલા અને બળદગાડાની રમત પર રોક લગાવવાની મનાઈ કરી દીધી છે. સાથે જ કોર્ટે તમિલનાડુ સરકારના જલીકટ્ટુને રમતની માન્યતા આપતા કાયદાને પણ માન્ય ઠેરવ્યો છે.
જસ્ટિસ કેએમ જોસેફ, જસ્ટિસ અજય રસ્તોગી, જસ્ટિસ અનિરુદ્ધ બોઝ, જસ્ટિસ હૃષિકેશ રોય અને જસ્ટિસ સીટી રવિકુમારની બનેલી બંધારણીય બેંચે જણાવ્યું હતું કે, “ગૌવંશની વેદના ઘટાડવા અને રમતને જારી રાખવા માટે સુધારા રજૂ કરવામાં આવ્યા છે. જો વિધાનસભાએ સ્વીકાર્યું છે કે જલ્લીકટ્ટુ તમિલનાડુના સાંસ્કૃતિક વારસાનો ભાગ છે, તો ન્યાયતંત્ર તેને અલગ દ્રષ્ટિકોણથી ન જોઈ શકે.” બેંચે કહ્યું કે, “રાજ્યની કાર્યવાહીમાં કોઈ ખામી નથી. આ એક ગૌજાતીય રમત છે અને તેમાં નિયમો મુજબ ભાગ લેવાની છૂટ આપવામાં આવશે. આ કાયદો બંધારણની કલમ 48 સાથે સંબંધિત નથી. કૃષિ પ્રવૃતિને પ્રભાવિત કરતા અમુક પ્રકારના બળદો પર આકસ્મિક અસર થઈ શકે છે, પરંતુ તે ભારતના બંધારણની સાતમી અનુસૂચિની પ્રવિષ્ટિ 17, યાદી III ની દ્રષ્ટિએ સાર્થક છે.”
કોર્ટે જણાવ્યું હતું કે, રાજ્યના આ કાયદાઓ કલમ 51A(g) અને 51A(h)નું ઉલ્લંઘન કરતા નથી અને આ રીતે તે ભારતના બંધારણની કલમ 14 અને 21નું પણ ઉલ્લંઘન કરતા નથી. ત્રણેય સુધારા અધિનિયમ માન્ય કાયદા છે અને અમે નિર્દેશ આપીએ છીએ કે તેનો કડક અમલ કરવામાં આવે તેમજ ડીએમ અને સક્ષમ અધિકારી સુધારેલા કાયદાના કડક અમલ માટે જવાબદાર રહેશે.”
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પ્રાણીઓ માટે કામ કરતી સંસ્થા PETA ઇન્ડિયાએ નિરાશા વ્યક્ત કરી છે. PETAએ કહ્યું કે આ પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા છે અને આ રમત બંધ થવી જોઈએ. PETA અને અન્ય એનિમલ રાઈટ ગ્રુપ તરફી વકીલે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે રેકોર્ડ પરની સામગ્રી દર્શાવે છે કે જલ્લીકટ્ટુ એક લોહિયાળ રમત છે.
ઉલ્લેખનીય છે કે, 2014માં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, તમિલનાડુમાં લોકપ્રિય જલ્લીકટ્ટુ રમત પ્રાણીઓના અધિકારો તેમજ પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ (PCA) એક્ટનું ઉલ્લંઘન કરે છે. વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું હતું કે જલ્લીકટ્ટુ ક્યારેય તમિલનાડુની સંસ્કૃતિ કે પરંપરાનો ભાગ નથી રહી. આના આધારે જલ્લીકટ્ટુને મંજૂરી આપતો તમિલનાડુ જલ્લીકટ્ટુ રેગ્યુલેશન એક્ટ (TNJR એક્ટ) 2009 નાબૂદ કરવામાં આવ્યો હતો.
દક્ષિણના રાજ્યોમાં જલ્લીકટ્ટુની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જાન્યુઆરી 2016માં PCA એક્ટના દાયરામાંથી જલ્લીકટ્ટુ અને બળદગાડાની રેસને અપવાદ તરીકે સામેલ કરતા નવી નોટિફિકેશન જારી કરી હતી. આ અંતર્ગત આ રમતોને એનિમલ ક્રૂઅલ્ટી એક્ટના દાયરામાંથી બહાર કરવામાં આવી હતી. ત્યારબાદ આ નોટિફિકેશનને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. એ પછી તમિલનાડુ સરકારે પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ (તમિલનાડુ એમેન્ડમેન્ટ) એક્ટ 2017 લાગુ કર્યો. આના માધ્યમથી જલ્લીકટ્ટુ અને બળદની રેસ વગેરે બુલ ટેમિંગ રમતો માટે માર્ગ મોકળો થયો હતો.