ફિલ્મ ધ કેરાલા સ્ટોરી પર પ્રતિબંધ મૂકવાના પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી દીધો છે. કોર્ટ નિર્માતાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. બીજી તરફ, તમિલનાડુમાં તમામ સિનેમાઘરો અને ફિલ્મ જોવા જતા દર્શકોને પૂરતી સુરક્ષા-વ્યવસ્થા પૂરી પાડવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે.
Supreme Court stays the May 8 order of the West Bengal government banning the screening of the film ‘The Kerala Story’ in the State. pic.twitter.com/X4evAfOK45
— ANI (@ANI) May 18, 2023
મમતા સરકારે બંગાળમાં ધ કેરાલા સ્ટોરી પર પ્રતિબંધ મૂક્યા બાદ ‘ધ કેરાલા સ્ટોરી’ના નિર્માતાઓએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. આ ઉપરાંત, અરજીમાં તમિલનાડુમાં ફિલ્મ ન દર્શાવવાના થિયેટર એસોશિએશનના નિર્ણયને પણ પડકારવામાં આવ્યો હતો.
CJI ડીવાય ચંદ્રચુડની ખંડપીઠે બંને અરજી સુનાવણી હાથ ધરીને પ્રથમ સુનાવણી વખતે મમતા સરકારને પૂછ્યું હતું કે જ્યારે સમગ્ર દેશમાં ફિલ્મ કોઈ પણ વાદવિવાદ વગર ચાલી રહી છે તો પશ્ચિમ બંગાળમાં કેમ તેની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? ત્યારબાદ બંને રાજ્ય સરકારો, બંગાળ અને તમિલનાડુને નોટિસ પણ ફટકારી હતી. જોકે, કોર્ટે ત્યારે સરકારનો પક્ષ સાંભળ્યો ન હોવાના કારણે સ્ટે મૂક્યો ન હતો.
પશ્ચિમ બંગાળ સરકારે નિર્ણયનું સમર્થન કરતાં દલીલ કરી હતી કે તેમને IB અને અન્ય એજન્સીઓ તરફથી ફિલ્મના કારણે અવ્યવસ્થા અને હિંસા સર્જાઈ શકે તે પ્રકારના ઇનપુટ્સ મળ્યા હતા. જેને લઈને નિર્માતાઓ તરફથી વકીલ હરીશ સાલવેએ દલીલ મૂકી કે પ્રતિબંધ માત્ર 13 IB અધિકારીઓના ઇનપુટ પર આધારિત હતો, જેમાં આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે ફિલ્મ કાયદો-વ્યવસ્થા માટે જોખમી સાબિત થઇ શકે છે. ઉપરાંત તેમણે કહ્યું કે, કાયદો-વ્યવસ્થા જાળવવું એ રાજ્યની જવાબદારી છે અને તે બગડવાનો ડર હોય તેનાથી ફિલ્મ પર પ્રતિબંધ ન મૂકી દેવાય.
દલીલોને અંતે આદેશ પસાર કરતાં સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે, ‘8 મેના રોજ પશ્ચિમ બંગાળ સરકારે પશ્ચિમ બંગાળ સિનેમા રેગ્યુલેશન એક્ટની કલમ 6(1) હેઠળ સમગ્ર રાજ્યમાં ફિલ્મ દર્શાવવા પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો હતો. પરંતુ પ્રથમ દ્રષ્ટિએ અમને લાગે છે કે બંગાળ સરકારનો આ પ્રતિબંધ મેરિટના આધાર પર માન્ય રહેતો નથી. જેથી ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાના આ આદેશ પર રોક લગાવવામાં આવે છે.’
CJI: During course of hearing it has been stated by Tamil Nadu that the screening of the film has not been directly or indirectly prohibited in the state.. while recording this we direct that adequate security shall be provided to every cinema hall and requisite arrangement shall…
— Bar & Bench (@barandbench) May 18, 2023
તમિલનાડુને લઈને સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાજ્યનો પક્ષ સાંભળ્યા બાદ જણાય છે કે તમિલનાડુમાં ફિલ્મ દર્શાવવા પર સીધી કે આડકતરી રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. પરંતુ આ સાથે નિર્દેશ આપવામાં આવે છે કે દરેક સિનેમાઘરને પૂરતી સુરક્ષા આપવામાં આવે અને ફિલ્મ જોવા માટે જતા લોકોની સુરક્ષા-વ્યવસ્થાનું પૂરતું ધ્યાન રાખવામાં આવે.