સુરતમાં નવનિર્મિત વેડ-વરિયાવ બ્રિજ આજે મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવે તે પહેલાં આ બ્રિજના અપ્રોચ રોડને નડતરરૂપ બનતી એક દરગાહને તોડી પાડવામાં આવી છે. અગાઉ પાલિકાએ નોટિસ પાઠવ્યા છતાં ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવામાં ન આવતાં આખરે ભારે પોલીસ બંદોબસ્તની વચ્ચે બુલડોઝર ફેરવી દેવાયું હતું.
આ દરગાહ વેડ રોડ ગુરુકુળ પાસે વેડ-વરિયાવ બ્રિજ પાસે આવેલી છે. આ બ્રિજના વેડ તરફના છેડે અપ્રોચ રોડ પર આ 70 વર્ષ જૂની દરગાહ નડતરરૂપ બનતી હતી અને તેને હટાવવામાં ન આવે તો રોડનો એક ભાગ ખુલ્લો થઇ શકે તેમ ન હતો. જેના કારણે તંત્રે કબ્જેદારોને આ બાંધકામ દૂર કરવા માટે નોટિસ પાઠવી હતી, પરંતુ તેમ છતાં કબ્જો સોંપવામાં આવ્યો ન હતો.
બીજી તરફ, મુખ્યમંત્રી આ બ્રિજને ખુલ્લો મૂકવાના હોઈ સુરત મહાનગરપાલિકાએ બુધવારે રાત્રે આ અતિક્રમણ હટાવવાનું અભિયાન શરૂ કર્યું હતું અને ભારે પોલીસ બંદોબસ્તની વચ્ચે રાત્રે 12 વાગ્યે ડિમોલિશન કામગીરી શરૂ કરી હતી. 53 એસઆરપી માર્શલ, ફાયર વિભાગની ટીમ, 9 બુલડોઝર, 1 લોડર, 1 પોકલેન મશીન અને 45 ટ્રકના કાફલા સાથે શરૂ કરવામાં આવેલું આ અભિયાન 8 કલાકે પૂર્ણ થયું હતું.
20*80 ના ક્ષેત્રફળનું આ ગેરકાયદેસર બાંધકામ દૂર કરીને રાતોરાત ત્યાં ડામર રોડ પણ બનાવી દેવામાં આવ્યો હતો. મધરાતે 12 વાગ્યે શરૂ થયેલી આ ડિમોલિશન કામગીરી ડામર રોડ બનાવવાની સાથે સવારે 8 વાગ્યે પૂરી થઇ હતી. રિપોર્ટ્સ અનુસાર, આ દરમિયાન કેટલાક સ્થાનિકોએ વિરોધ કરીને કામગીરી અટકાવવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ પાલિકા આ વિરોધને તાબે થઇ ન હતી અને ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.
ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર 170 પોલીસ કર્મચારીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને દરગાહ સુધી પહોંચતા રોડ પર કામગીરી થાય તે પૂરતી અવરજવર બંધ કરી દેવાઈ હતી. આ ઉપરાંત, રાત્રે જ સ્થળ પરથી માટી પણ દૂર કરી દેવાઈ હતી. રિપોર્ટ્સ અનુસાર, સ્થળ પરથી ચાર કલાકના ટૂંકાગાળામાં 200 ટ્રક જેટલી માટી ઉલેચવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આ નવનિર્મિત બ્રિજ ગુરૂવારે સાંજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે વર્ચ્યુઅલ રીતે ખુલ્લો મૂકવામાં આવશે. આ ઉપરાંત, સીએમ 130.93 કરોડનાં અન્ય કામોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત અને SUDAના 43 કરોડનાં કામનું પણ ખાતમુહૂર્ત કરશે.