કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે એક મોટો ફેરબદલ કર્યો છે. કાયદા અને ન્યાય જેવા મહત્વના મંત્રાલયનો કારભાર હવે કિરણ રિજિજૂ પાસેથી લઈને અર્જુન રામ મેઘવાલને સોંપાયો છે. તે સંસ્કૃતિ અને સંસદીય બાબતોના મંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળતા હતા. હવે તેઓ કાયદા અને ન્યાય મંત્રાલયમાં રાજ્ય મંત્રી તરીકે સ્વતંત્ર કારભાર સંભાળશે. જ્યારે કિરણ રિજિજૂને ભૂ-વિજ્ઞાન મંત્રાલય સોંપાયું છે.
Arjun Ram Meghwal replaces Kiren Rijiju as the Law Minister. Rijijiu assigned the Ministry of Earth Sciences pic.twitter.com/0chlEZG9un
— ANI (@ANI) May 18, 2023
2019ની લોકસભા ચૂંટણી બાદ આ ત્રીજી વખત કાયદા મંત્રી બદલવામાં આવ્યા છે. ચૂંટણી બાદ નવી સરકારમાં રવિશંકર પ્રસાદને કાયદા મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારબાદ જુલાઈ 2021માં કેબિનેટ ફેરબદલ દરમિયાન તેમને હટાવીને કિરણ રિજિજૂને આ મંત્રાલય સોંપાયું હતું. હવે અર્જુન રામ મેઘવાલને કાયદા મંત્રી બનાવવામાં આવ્યા છે.
મોદી સરકારના આ નિર્ણયને ઘણી રીતે જોવામાં આવી રહ્યો છે. ખાસ કરીને જ્યારે આ વર્ષના અંતમાં રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે ત્યારે તે પહેલાં આ પ્રકારના નિર્ણયથી ભાજપ મોટો દાવ ખેલી રહી હોય તેવી ચર્ચાઓ શરૂ થઇ છે. અર્જુન મેઘવાલની વાત કરવામાં આવે તો તેઓ 2009થી રાજસ્થાનના બિકાનેરથી સાંસદ છે તેઓ રાજસ્થાન કેડરના IAS અધિકારી પણ રહી ચૂક્યા છે અને ભાજપના વરિષ્ઠ નેતાઓમાં ગણતરી કરવામાં આવે છે.
અર્જુન રામ મેઘવાલ ભાજપના દલિત નેતાઓમાં મોટું નામ છે. ખાસ કરીને ગૃહ રાજ્ય રાજસ્થાનના દલિત સમાજ પર તેમનું સારું એવું વર્ચસ્વ છે અને તેને જોતાં જ તેમને કેબિનેટમાં પણ સ્થાન આપવામાં આવ્યું હતું. હવે ચૂંટણીના થોડા મહિના પહેલાં જ તેમનું પ્રમોશન થવાથી રાજસ્થાનમાં દલિત મતો પર સારો એવો ફેર પડી શકે છે.
રાજસ્થાનમાં SC વસ્તી 18 ટકા જેટલી છે અને અનેક બેઠકો એવી છે જ્યાં તેઓ હાર-જીત નક્કી કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. આંકડા જોવા જોઈએ તો આ સંખ્યા 1.2 કરોડ જેટલી થાય છે. રાજસ્થાનની 52 સામાન્ય વિધાનસભા બેઠકોમાં એવી છે જ્યાં અનુસૂચિત જાતિની વસ્તી લગભગ 50 હજાર જેટલી છે. જેથી ત્યાં પણ તેઓ હાર-જીત નક્કી કરવામાં ફાળો આપી શકે છે.
રાજસ્થાન વિધાનસભાની કુલ 200માંથી 34 બેઠકો SC માટે અનામત રાખવામાં આવી છે. જેમાંથી 19 બેઠકો હાલ કોંગ્રેસ પાસે છે અને 12 ભાજપ પાસે. 2 બેઠકો RLP પાસે અને એક પર અપક્ષ ધારાસભ્ય છે.
આગામી ચૂંટણીમાં કોંગ્રેસને હરાવીને સત્તાવાપસી કરવા માટે કમર કસી રહેલી ભારતીય જનતા પાર્ટી વધુમાં વધુ બેઠકો પર જીતવાના લક્ષ્યાંક સાથે ઉતરશે. આ પરિસ્થિતિમાં વધુમાં વધુ દલિત બેઠકો કબ્જે કરવા માટે અર્જુન મેઘવાલ અગત્યનો ભાગ ભજવી શકે છે.
રાજસ્થાનમાં આગામી ડિસેમ્બર મહિનામાં ચૂંટણી યોજાઈ શકે છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસે જીત મેળવીને સરકાર બનાવી હતી. જોકે, આ વખતે કોંગ્રેસે ભાજપ સામે તો લડવાનું છે જ પરંતુ સાથે આંતરિક વિખવાદ પણ ઉકેલવાનો છે. કારણ કે રાજ્યના દિગ્ગજ નેતા સચિન પાયલટ દિવસે-દિવસે બળવાના સૂર ઉપાડી રહ્યા છે. ચૂંટણી આવ્યે તેઓ કંઈ નવાજૂની કરે તેવી શક્યતા પણ નકારી શકાય નહીં. આ પરિસ્થિતિનો લાભ ભાજપ ઉઠાવી શકે છે.