Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘બહુ એકલવાયું લાગે છે, સાથે કોઈને…’: જેલમાં બંધ કેજરીવાલ સરકારના પૂર્વ મંત્રી...

    ‘બહુ એકલવાયું લાગે છે, સાથે કોઈને…’: જેલમાં બંધ કેજરીવાલ સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈને સુપ્રિટેન્ડેન્ટ પાસે કરી માંગ, પૂરી કરતાં પ્રશાસને પાઠવી નોટિસ

    પ્રશાસન અનુસાર, અધિકારીએ ઉપરના સ્તરે જાણકારી આપ્યા વગર આ પ્રકારનો નિર્ણય લીધો હતો, જે નિયમોની વિરુદ્ધ છે. 

    - Advertisement -

    ભ્રષ્ટાચારના આરોપસર દિલ્હીની તિહાડ જેલમાં બંધ અરવિંદ કેજરીવાલ સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન ફરી ચર્ચામાં છે. તાજેતરમાં જેલમાં તેમના સેલમાં બે કેદીઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જેને લઈને જેલ પ્રશાસને જેલ સુપ્રિટેન્ડેન્ટને કારણદર્શક નોટિસ પાઠવી છે. બીજી તરફ, બંને કેદીઓને પરત તેમના મૂળ સેલમાં મોકલી અપાયા છે. 

    વાસ્તવમાં આમ આદમી પાર્ટી નેતા સત્યેન્દ્ર જૈને ગત 11 મેના રોજ જેલ સુપ્રિટેન્ડેન્ટને એક અરજી આપી હતી અને તેમાં પોતે એકલતાના કારણે ડિપ્રેશનનો શિકાર બનતા હોવાનું કહીને સાથે અન્ય બે કેદીઓને પણ રાખવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, મનોચિકિત્સકે પણ તેમને એકલા ન રહેવાની સલાહ આપી છે. જેથી જો અન્ય બે-ત્રણ કેદીઓ તેમની સાથે રહે તો તેઓ તેમની સાથે વાતચીત કરી શકે. સાથે તેમણે બે વ્યક્તિઓનાં નામ પણ આપ્યાં હતાં. 

    સત્યેન્દ્ર જૈનની આ અરજી પર તિહાડની જેલ નંબર 7 ના સુપ્રિટેન્ડેન્ટે તેમના સેલમાં અન્ય બે કેદીઓને ટ્રાન્સફર પણ કરી દીધા હતા. બીજી તરફ, જેલ પ્રશાસનને જાણ થતાં તાત્કાલિક બંને કેદીઓને તેમના મૂળ સેલમાં મોકલી આપવામાં આવ્યા હતા અને સુપ્રિટેન્ડેન્ટને નોટિસ પાઠવવામાં આવી હતી. પ્રશાસન અનુસાર, અધિકારીએ ઉપરના સ્તરે જાણકારી આપ્યા વગર આ પ્રકારનો નિર્ણય લીધો હતો, જે નિયમોની વિરુદ્ધ છે. 

    - Advertisement -

    ઇન્ડિયન એક્સપ્રેસે ડીજી (જેલ) સંજય બેનીવાલને ટાંકીને કહ્યું કે, આ પ્રકારના મામલા માટે અમુક ચોક્કસ પ્રક્રિયાનું પાલન કરવું પડે છે. આમાં સુરક્ષાની વાત પણ આવે છે. જેલ સુપ્રિટેન્ડેન્ટથી જેલ પ્રશાસન સાથે ચર્ચા કર્યા વગર તેમની સાથે (સત્યેન્દ્ર જૈન) આ પ્રકારે કોઈને પણ ટ્રાન્સફર કરી શકાય નહીં. 

    ઉલ્લેખનીય છે કે ગત વર્ષે તિહાડ જેલમાં બંધ સત્યેન્દ્ર જૈનના અમુક વિડીયો પણ સામે આવ્યા હતા, જેમાં તેઓ જેલના CCTV ફૂટેજમાં મસાજ કરાવતા જોવા મળ્યા હતા. જેને લઈને વિવાદ પણ ખૂબ થયો હતો. નોંધવું જોઈએ કે જેલ દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર હસ્તક આવે છે. જેના કારણે ભાજપે વિરોધ પણ ખૂબ કર્યો હતો અને સત્યેન્દ્ર જૈનના રાજીનામાંની માંગ કરી હતી. જોકે, ત્યારે તો તેમણે રાજીનામું આપ્યું ન હતું પરંતુ પાછળથી પૂર્વ નાયબ મુખયમંત્રી મનિષ સિસોદિયા પણ જેલભેગા થતાં બંને નેતાઓએ સાથે જ રાજીનામાં આપી દીધાં હતાં. 

    સત્યેન્દ્ર જૈન મે, 2022થી જેલમાં બંધ છે. ભ્રષ્ટાચારના એક કેસમાં ઇડીએ તેમની ધરપકડ કરી હતી. તાજેતરમાં જ દિલ્હી હાઇકોર્ટે તેમની જામીન અરજી ફગાવી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં