નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ તાજેતરમાં જ કેરળના કોચીમાંથી 20 હજાર કરોડની કિંમતનું 2,500 કિલો ડ્રગ્સ પકડી પાડ્યું હતું. જેની સાથે એક પાકિસ્તાની નાગરિકને પકડવામાં આવ્યો હતો. હવે જાણવા મળ્યું છે કે આ ડ્રગ્સ પાકિસ્તાન સ્થિત જીવાણીથી મોકલવામાં આવ્યું હતું.
આ ડ્રગ્સ પાકિસ્તાન સ્થિત ડ્રગ કાર્ટેલ હાજી સલીમ ગ્રુપ દ્વારા મોકલવામાં આવ્યું હોવાની આશંકા છે. આ સિવાય અન્ય બે ગેંગની સંડોવણીની પણ તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોચીમાંથી મળી આવેલાં ડ્રગ્સનાં પેકેટ પર બિટકોઈન અને ‘Rolex 555’નાં નિશાન જોવા મળ્યાં હતાં, જે પાકિસ્તાન અને ઈરાન સરહદે આવેલી મેથ લેબ્સ તરફ ઈશારો કરે છે.
કોચીના NCB ઝોનલ ડાયરેક્ટરે જણાવ્યું હતું કે, તપાસમાં જાણવા મળ્યું છે કે ડ્રગ્સ જીવાણીથી હાજી સલીમના નેટવર્ક દ્વારા મોકલવામાં આવ્યું હતું. પકડાયેલા આરોપીની વિગતે તપાસ કરવી જરૂરી છે. અમને આશંકા છે કે આનાથી વધુ પ્રમાણમાં ડ્રગ્સ લઈને આવતી શિપ હજુ સમુદ્રમાં છે અને તેની શોધખોળ હાલ ચાલી રહી છે. આ માટે NCBએ નેવીની પણ મદદ લીધી હોવાનું જણાવવામાં આવ્યું હતું.
પહેલાં આ પકડાયેલા ડ્રગ્સની કિંમત 12 હજારથી 15 હજાર વચ્ચેની હોવાનું કહેવામાં આવી રહ્યું હતું પરંતુ મેથાફેટામાઇનની શુદ્ધતા જોતાં તેની કિંમત 20 હજાર કરોડ જેટલી આંકવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, તે સૌથી શુદ્ધ મેથ છે અને કિંમત પણ ઘણી વધારે છે. તે ભારત, શ્રીલંકા કે માલદિવ્સ લઇ જવામાં આવી રહ્યું હોવાની આશંકા છે. હાલ વધુ તપાસ ચાલી રહી છે.
આ ડ્રગ્સ સ્મગલિંગમાં કોઈ સ્થાનિક વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ હાલ એજન્સી તપાસ કરી રહી છે. પકડાયેલા પાકિસ્તાની નાગરિક પાસેથી આ અંગે વધુ વિગતો મળવાની શક્યતા છે. NCBએ રવિવારે તેની અધિકારીક રીતે ધરપકડ કરી લીધી હતી. હવે આજે કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ અને પૂછપરછ માટે તેના રિમાન્ડની માંગણી કરવામાં આવશે.
બે દિવસ પહેલાં NCB અને નેવીએ એક સંયુક્ત ઓપરેશનમાં કોચીના સમુદ્રમાંથી અઢી હજાર કિલો મેથાફેટામાઇન લઈને આવતી શિપ પકડી પાડી હતી. જહાજમાં ડ્રગ્સ લઈને આવતા લોકોને નેવી અને NCBની કાર્યવાહીની જાણ થઇ જતાં તેમણે જહાજ ડૂબાડી દેવાના પ્રયાસ કર્યા હતા અને ત્યાંથી બોટ લઈને ભાગી છૂટ્યા હતા. એજન્સીએ ત્યારબાદ પીછો કરતા એક પાકિસ્તાની પકડાઈ ગયો હતો.