કર્ણાટક વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થઇ રહ્યાં છે. કોંગ્રેસ બહુમતી સાથે સત્તા મેળવશે તેવું લગભગ નક્કી થઇ ગયું છે. આ લખાય રહ્યું છે ત્યારે કોંગ્રેસે 8 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે 126 પર આગળ છે. ભાજપે 4 બેઠકો પર જીત મેળવી, જ્યારે 60 પર આગળ છે. જનતા દળ (સેક્યુલર) 22 બેઠકો પર આગળ છે. બહુમતી માટે 113 બેઠકોની જરૂર પડે છે, જે આંકડો હાલ કોંગ્રેસે પાર કરી લીધો છે. જેના કારણે પાર્ટીના સમર્થકોમાં ખુશીની લહેર છે અને ઠેરઠેર મીઠાઈઓ વહેંચવામાં આવી રહી છે તો ઢોલ-નગારાં વાગી રહ્યાં છે. બીજી તરફ, પોતાની તરફેણમાં પરિણામો આવતાં કોંગ્રેસે મતગણતરી પહેલાં લગાવેલા આરોપો પર મૌન સેવી લીધું છે.
બીજી તરફ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ હિમાચલ પ્રદેશના પૌરાણિક જાખૂ મંદિરમાં જઈને હનુમાનજીની પૂજા કરી હતી. ઉલ્લેખનીય છે કે, કર્ણાટક વિધાનસભા ચૂંટણીનાં પ્રચારમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બજરંગ બલીના મુદ્દે વાકપ્રહાર થયા હતા. કોંગ્રેસે બજરંગ દળની સરખામણી આતંકી સંગઠન પીએફઆઈ સાથે કરીને સત્તામાં આવ્યા બાદ સંગઠન પર પ્રતિબંધ મૂક્વાનો વાયદો કરતાં ભાજપે વિરોધ દર્શાવ્યો હતો.
EVMના રોદણાં રોતી કોંગ્રેસ હવે ચૂપ
કર્ણાટક ચૂંટણીના બે દિવસ પહેલાં 8 મે 2023ના રોજ કોંગ્રેસે ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો. પત્રમાં પાર્ટીએ એવો આરોપ મૂક્યો હતો કે સાઉથ આફ્રિકામાં ઉપયોગમાં લેવાયેલા EVMનો ઉપયોગ કર્ણાટક ચૂંટણીમાં થવાનો છે. આ બાબતે પાર્ટીએ ચૂંટણી પંચ તરફથી સ્પષ્ટીકરણ માગ્યું હતું.
કોંગ્રેસના આરોપોનો જવાબ આપતા ચૂંટણી પંચે કહ્યું હતું કે કર્ણાટક ચૂંટણી માટે વાપરવામાં આવનાર તમામ EVM નવાં છે અને આ વાત કોંગ્રેસ પણ જાણે છે. જ્યારે પણ ઈવીએમ આવે છે તો એ આખી પ્રક્રિયાની વિડીયોગ્રાફી થાય છે અને દરેક રાજકીય પાર્ટીના નેતાને ત્યાં સાક્ષી તરીકે બોલાવવામાં આવે છે. ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ કોંગ્રેસને ફટકાર લગાવતા કહ્યું કે, કોંગ્રેસ સારી રીતે જાણે છે કે EVM ક્યાંથી આવ્યા છે. કોંગ્રેસ આટલા સમયથી રાષ્ટ્રીય પાર્ટી છે અને વિવિધ ચૂંટણીમાં ભાગ લીધો છે. તેમની પાસેથી એવી અપેક્ષા રાખી શકાય કે તેમને ચૂંટણી આયોગના પ્રોટોકોલ વિશે ખબર હોય.
કમિશને એવું પણ કહ્યું કે, પાર્ટીના પ્રતિનિધિઓને બોલાવવા ઉપરાંત તેમને ઈવીએમની યુનિક આઈડીનું લિસ્ટ પણ આપવામાં આવે છે. તો તેને અસેમ્બલ કરતાં પહેલા રેન્ડમ ચેકિંગ પણ થાય છે. ઈવીએમ ચાલુ થયા બાદ તેને પાર્ટીના પ્રતિનિધિઓની હાજરીમાં ચેક કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014માં કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ ભાજપની ચડતી જોઈને કોંગ્રેસે માત્ર એક જ કામ કર્યું છે- EVMને લઈને રોદણાં રોવાનું. પાર્ટી ક્યારેક EVM હૅકિંગ, ક્યારેક EVM ટેમ્પરિંગ તો ક્યારેક EVMની હેરાફેરીનો પણ આરોપ લગાવતી આવી છે.
કોંગ્રેસનું આ વલણ કર્ણાટક ચૂંટણીમાં પણ જોવા મળ્યું હતું અને પહેલાંથી જ EVMને લઈને રોવાનું શરૂ કરી દીધું હતું. કર્ણાટક ચૂંટણીમાં ભાજપને સરસાઈ મળી હોત તો કોંગ્રેસ આ મુદ્દે હજુ ઉહાપોહ મચાવતી હોત તેવી શક્યતાઓ નકારી શકાય નહીં. પરંતુ, રાજ્યમાં બહુમતીથી લીડ મેળવ્યા બાદ પાર્ટી ઈવીએમના પોતાના બધા જ આરોપો ભૂલી ગઈ છે.