પાડોશી દેશ પાકિસ્તાન અત્યારે ભડકે બળી રહ્યો છે. પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ભ્રષ્ટાચારના એક કેસમાં ધરપકડ બાદથી જ તેમના સમર્થકોએ ઉત્પાત મચાવ્યો હતો અને ઘણું નુકસાન કર્યું હતું. હવે ઇસ્લામાબાદ હાઇકોર્ટે ઈમરાન ખાનને જામીન આપ્યા છે. બીજી તરફ, નવા કેસોમાં ધરપકડ ઉપર રોક લગાવવામાં આવી છે.
ઇસ્લામાબાદ હાઇકોર્ટે ઇમરાન ખાનની જામીન અરજી પર આજે સુનાવણી હાથ ધરી હતી. જ્યાં જેમાં ધરપકડ થઇ હતી તે કેસમાં ખાનને 2 અઠવાડિયાના જામીન આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, 9 મે, 2023 બાદ નોંધવામાં આવેલા કોઈ પણ કેસમાં તેમની ધરપકડ કરવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે, જે આદેશ આગામી 17 મે (બુધવાર) સુધી લાગુ રહેશે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે (11 મે, 2023) જ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનની ધરપકડને ગેરકાયદેસર ગણાવી હતી અને તેમને મુક્ત કરવા માટે આદેશ કર્યો હતો.
Imran Khan granted bail in all cases, order not to arrest him in any case filed after May 9: Pakistan's ARY News and Samaa TV report pic.twitter.com/51UNSDg3h3
— ANI (@ANI) May 12, 2023
આજે એક તરફ ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં અલ કાદિર ટ્રસ્ટ કેસ મામલે ઇમરાન ખાનની જામીન અરજી પર સુનાવણી ચાલી રહી હતી ત્યાં પંજાબ પોલીસ (પાકિસ્તાનનું પંજાબ) તેમની ધરપકડ માટે પહોંચી ગઈ હતી. DIGએ જણાવ્યું હતું કે તેઓ ઇમરાન વિરુદ્ધ નોંધાયેલા ઓછામાં ઓછા 10 કેસ મામલે તેમની ધરપકડ માટે આવ્યા છે અને તેમની પાસે વોરન્ટ પણ છે.
ઇમરાન ખાનની ધરપકડ અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં કરવામાં આવી હતી. મંગળવારે (9 મે, 2023) પાકિસ્તાનની એન્ટી કરપ્શન બોડી નેશનલ એકાઉન્ટેબિલીટી બ્યુરોએ તેમની ધરપકડ કરી લીધી હતી. એક તરફ ઇમરાનને હિરાસતમાં લેવામાં આવ્યા અને બીજી તરફ તેમની પાર્ટી પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફ (PTI)ના સમર્થકોએ દેશભરમાં અનેક ઠેકાણે ઉત્પાત મચાવવાનો શરૂ કરી દીધો હતો.
પાકિસ્તાનમાં કટોકટી લાગુ કરવા પર વિચારણા શરૂ: રિપોર્ટ્સ
અમુક મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યા પ્રમાણે પાકિસ્તાનની તાજેતરની સ્થિતિને જોઈને ત્યાંની સરકાર કટોકટી લાગુ કરવા માટે વિચાર કરી રહી છે. જે અનુસાર, વડાપ્રધાન શાહબાઝ શરીફ સમક્ષ કેબિનેટ દ્વારા આ ભલામણ કરવામાં આવી છે. સાંજે સાડા ચાર વાગ્યે કેબિનેટની બેઠક બોલાવવામાં આવી છે, જેમાં ઇમરજન્સી લાગુ કરવા અંગે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.
શું છે અલ કાદિર ટ્રસ્ટ કેસ?
આ કેસ અલ કાદિર ટ્રસ્ટ સંચાલિત યુનિવર્સીટી મામલેનો છે. ઇમરાન ખાન, તેમની પત્ની બુશરા બીબી અને નજીકના સહયોગી ઝુલ્ફિકાર બુખારી અને બાબર અવાને આ ટ્રસ્ટની રચના કરી હતી, જેનો ઉદ્દેશ્ય પંજાબના ઝેલમના સોહાવા તાલુકામાં ‘ગુણવત્તાયુક્ત શિક્ષણ’ પૂરું પાડવા માટે અલ-કાદિર યુનિવર્સીટીની સ્થાપના કરવાનો હતો. આરોપ છે કે આ યુનિવર્સીટીને દાનમાં આપવામાં આવેલી જમીનના દસ્તાવેજોમાં હેરફેર કરવામાં આવી હતી અને ઇમરાન ખાન અને તેમની પત્નીએ ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડી હતી. આ જ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.