કર્ણાટક વિધાનસભા ચૂંટણી ટાણે કોંગ્રેસે નવું તૂત ઉભું કર્યું છે. થોડા દિવસ પહેલાં પાર્ટીએ મતદાન માટે વાપરવામાં આવતાં EVM વિશે આરોપો લગાવ્યા હતા. જેને લઈને કેન્દ્રીય ચૂંટણી પંચે પાર્ટીને ફટકાર લગાવી છે અને આવી ખોટી માહિતી ફેલાવનારા સૂત્રોની વિગતો સાર્વજનિક કરવા માટે કહ્યું છે.
કોંગ્રેસ તરફથી પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ અમુક ‘સૂત્રો’ને ટાંકીને કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં વપરાયેલાં EVMનો ઉપયોગ અગાઉ દક્ષિણ આફ્રિકામાં થઇ ચૂક્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, ત્યાંથી કોઈ પણ પ્રકારના પરીક્ષણ-તપાસ વગર તેને કર્ણાટકમાં વાપરવામાં આવ્યાં હતાં. તેમણે ઉમેર્યું હતું કે, આ બાબત EVMની સમગ્ર પ્રક્રિયા પર શંકા ઉપજાવે છે.
The Election Commission of India dismisses Congress’ concerns about EVMs used in Karnataka having been deployed in South Africa, which does not even use EVMs.
— ANI (@ANI) May 12, 2023
ECI asks Congress to ensure such sources of false information with serious potential of rumor-mongering are publicly… pic.twitter.com/16guq0REdD
જોકે, કોંગ્રેસના આ આરોપો બહુ ટક્યા ન હતા અને ચૂંટણી પંચે તેની ઉપર સ્પષ્ટતા કરીને ઝાટકણી કાઢી હતી. ચૂંટણી પંચે સ્પષ્ટ જણાવ્યું કે, EVM મશીન આફ્રિકા મોકલવામાં આવ્યાં હોવાની વાતમાં કોઈ તથ્ય નથી અને ચૂંટણી પંચે ક્યારેય કોઈ પણ દેશમાં ક્યારેય પણ EVM મોકલ્યાં નથી કે આયાત પણ કર્યાં નથી. દક્ષિણ આફ્રિકાને લઈને કોંગ્રેસે કરેલા દાવા અંગે પણ કમિશને સ્પષ્ટતા કરી છે.
ચૂંટણી પંચે જણાવ્યું કે, દક્ષિણ આફ્રિકાની ચૂંટણીઓમાં EVMનો ઉપયોગ જ કરવામાં આવતો નથી અને આ બાબતની ખરાઈ ત્યાંની ચૂંટણી પંચની વેબસાઈટ પરથી પણ કરી શકાય તેમ છે. જેથી કર્ણાટક ચૂંટણીમાં આફ્રિકા કે કોઈ પણ દેશમાં વપરાયેલાં EVM વાપરવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી.
અનેક ચૂંટણીઓમાં પાર્ટીએ ભાગ લીધો હોવા છતાં આ પ્રકારે ખોટી માહિતી ફેલાવવા બદલ ચૂંટણી પંચે કોંગ્રેસને ફટકાર લગાવી હતી તેમજ એમ પણ જણાવ્યું કે, કોંગ્રેસના પ્રતિનિધિઓએ EVMના હેન્ડલિંગ સબંધિત તમામ SOPમાં ભાગ લીધો હોવા છતાં આ પ્રકારના આરોપો લગાવવામાં આવી રહ્યા છે.
ચૂંટણી પંચે આગળ જણાવ્યું હતું કે, કર્ણાટક પ્રદેશ ઊન્ગ્રેસ સમિતિના અધ્યક્ષને મોકલવામાં આવેલા સંદર્ભમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે ચૂંટણીમાં વાપરવામાં આવનાર તમામ મશીન નવાં બનાવવામાં આવ્યાં હતાં. રણદીપ સુરજેવાલાને પણ ફટકાર લગાવતાં કહ્યું કે, પ્રક્રિયાઓ અને કાર્યવાહીથી અવગત હોવા છતાં તેમણે અવિશ્વસનીય સ્ત્રોતો પર વિશ્વાસ કરીને આરોપો લગાવ્યા હતા. કમિશને કોંગ્રેસને આ પ્રકારની તથ્યાત્મક રીતે ખોટી માહિતી ફેલાવનારા સૂત્રોને સાર્વજનિક કરવા માટે કહ્યું છે. પાર્ટીને 15 મે, સાંજે 5 વાગ્યા સુધીમાં જવાબ દાખલ કરવા માટે કહેવામાં આવ્યું છે.
અહીં ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અને EVMને કાયમ 36નો આંકડો રહ્યો છે. આ પહેલાં પણ અનેક ચૂંટણીઓમાં પાર્ટીના નેતાઓ આ મશીન પર જાતજાતના આરોપો લગાવતા રહ્યા છે. જ્યારે પોતાની તરફેણમાં પરિણામો ન આવે ત્યારે કોંગ્રેસ નેતાઓએ EVM પર આરોપ લગાવ્યા હોય તેવા ઘણા કિસ્સા ભૂતકાળમાં બની ચૂક્યા છે.