પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ બાદ સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો છે. ચારેબાજુ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને તેની સાથે હિંસા પણ થઈ રહી છે. આ દરમિયાન લાહોરમાં બ્રિજ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ગયેલા ભારતીય ખેલાડીઓને પણ તાત્કાલિક પાકિસ્તાન છોડવાની સૂચના આપવામાં આવી છે.
નોંધનીય છે કે ભારતના 32 ખેલાડીઓ લાહોરમાં ચાલી રહેલી એશિયન અને મિડલ-ઈસ્ટ બ્રિજ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ગયા હતા. આ ટુર્નામેન્ટ 5 મેના રોજ પાકિસ્તાનમાં શરૂ થઈ હતી અને તે 13 મે સુધી ચાલવાની હતી. ભારતીય ખેલાડીઓ વાઘા બોર્ડરથી પાકિસ્તાનમાં પ્રવેશ્યા હતા પરંતુ હવે ભારતીય હાઈ કમિશને તેમને લાહોરથી તરત જ ભારત પરત આવવા કહ્યું છે.
ભારત ઉપરાંત પેલેસ્ટાઈન, સાઉદી અરેબિયા, યુએઈ, જોર્ડન અને બાંગ્લાદેશના ખેલાડીઓ પણ પાકિસ્તાનમાં ચાલી રહેલી બ્રિજ ટુર્નામેન્ટમાં ભાગ લેવા આવ્યા છે. જેવી સ્થિતિ પાકિસ્તાનમાં બની છે. તેને જોયા બાદ લાગે છે કે આ ટુર્નામેન્ટઅધવચ્ચે જ સ્થગિત કરવી પડશે.
ઇમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં સ્થિતિ વણસી
અહેવાલો મુજબ પાકિસ્તાનમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી રહી છે. ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના કાર્યકર્તાઓ તેમના નેતાની ધરપકડ બાદથી હિંસા કરી રહ્યા છે. જવાબમાં પોલીસે પણ ઘણી જગ્યાએ ગોળીબાર કર્યો છે.
પ્રદર્શનકારીઓ પોલીસ પર પણ બોમ્બથી હુમલો કરી રહ્યા છે. આ જ કારણ છે કે ભારતીય ખેલાડીઓને તાત્કાલિક ભારત પરત ફરવાનું કહેવામાં આવ્યું છે.
ન્યુઝીલેંડની ક્રિકેટ ટિમ માંડ માંડ બચી
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના પ્રવાસે ગયેલી ન્યુઝીલેન્ડની ટીમ આ હિંસાનો શિકાર બની નથી. વાસ્તવમાં ન્યુઝીલેન્ડની ટીમ પાકિસ્તાનમાં ટી20 અને વનડે સીરીઝ રમી રહી હતી. ન્યુઝીલેન્ડે લાહોર, રાવલપિંડી અને કરાચીમાં 5 ODI અને 5 T20 મેચ રમી હતી. ન્યૂઝીલેન્ડની ટીમે પાકિસ્તાન છોડતાંની સાથે જ ત્યાં હંગામો શરૂ થઈ ગયો હતો.