દિલ્હીમાં ચાલતા પહેલવાનોના ધરણાંમાં હવે ‘ખેડૂત આંદોલન’થી ચર્ચા અને વિવાદોમાં રહેલા રાકેશ ટિકૈતની એન્ટ્રી થઇ છે. બીજી તરફ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણાની ખાપ પંચાયતોના નેતાઓ પણ જંતર-મંતર પહોંચી રહ્યા છે.
પહલેવાનોના આંદોલનમાં પહોંચેલા ‘ખેડૂત નેતાઓ’એ કેન્દ્ર સરકારને 15 દિવસનો સમય આપ્યો છે. જેમાં કહેવામાં આવ્યું કે, જો ત્યાં સુધીમાં બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરવામાં નહીં આવે તો ‘મોટો નિર્ણય’ લેવામાં આવશે. ઉપરાંત, આંદોલનને 21મી મે સુધી ચાલુ રાખવા માટે પણ એલાન કરવામાં આવ્યું હતું.
જંતર-મંતર પર પહેલવાનોના ધરણાંમાં પહોંચતાં પહેલાં રાકેશ ટિકૈતે કહ્યું કે, “તેમને (પહેલવાનોને) તમામનું સમર્થન મળી રહ્યું છે. ખાપ પંચાયતના લોકો જઈ રહ્યા છે અને આજે પોતાનો નિર્ણય લેશે. બ્રિજભૂષણ શરણ સિંહ પરના આરોપોને લઈને કહ્યું કે, તેની તપાસ પોલીસ કરશે પરંતુ FIR દાખલ થઇ છે તો તેમની ધરપકડ થવી જોઈએ.
જંતર-મંતર પહોંચેલા ખાપ પ્રમુખ ચૌધરી સુરેન્દ્ર સોલંકીએ કહ્યું હતું કે, “આખા દેશભરમાંથી લોકો આવશે. ખાસ કરીને ઉત્તર ભારતની તમામ ખાપના પ્રતિનિધિ અને પદાધિકારી આવશે. ખેડૂત સંગઠનો અને સામાજિક સંગઠનોના પદાધિકારીઓ આવશે.” તેમણે કહ્યું કે, “જ્યાં સુધી આ બાળકોને ન્યાય ન મળી જાય ત્યાં સુધી ધરણાં ચાલુ રહેશે. પરંતુ કઈ રીતે તેની રણનીતિ બનાવવી અને રૂપરેખા તૈયાર કરવી એ આજે નક્કી કરવામાં આવશે.”
બીજી તરફ, પ્રદર્શનને જોતાં દિલ્હી પોલીસે રવિવારે 2 હજાર જવાનોને તહેનાત કર્યા હતા. પોલીસે જણાવ્યું કે, બહારથી પહેલવાનોના સમર્થનમાં આવતા લોકોને રાજધાનીમાં પ્રવેશ કરવાની પરવાનગી આપવામાં આવશે પરંતુ તેઓ પોતાનાં ખાનગી વાહનો કે બસ લઈને આવી શકશે, ટ્રેક્ટર અને ટ્રોલીને પરવાનગી અપાશે નહીં. તદુપરાંત, સિંઘુ બોર્ડર પર પેરામિલીટ્રી ફોર્સ તેમજ દિલ્હી પોલીસના 300 જવાનો મૂકવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ એ જ સિંઘુ બોર્ડર છે જ્યાં બે વર્ષ પહેલાં ‘ખેડૂતો’એ તેમના આંદોલન દરમિયાન પડાવ નાંખ્યો હતો.
VIDEO | "The protest will continue till these kids (protesting wrestlers) get justice but how we take it forward, that will be decided by all of us today," says Chaudhary Surender Solanki, Khap president Palam, on mahapanchayat at Jantar Mantar today. pic.twitter.com/D4AurXXNP8
— Press Trust of India (@PTI_News) May 7, 2023
દિલ્હીમાં પહેલવાનોનાં આ ધરણાં-પ્રદર્શન રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના ચીફ અને ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ચાલી રહ્યાં છે. આરોપ છે કે તેમણે અમુક મહિલા પહેલવાનોનું શોષણ કર્યું હતું. તેમના પદ પરથી રાજીનામાંની અને ધરપકડની માંગ કરવામાં આવી રહી છે.
એક પણ આરોપ સાચો નીકળ્યો તો હું મારી જાતને ફાંસી આપી દઈશ: બ્રિજભૂષણ શરણ સિંહ
બીજી તરફ, બ્રિજભૂષણ સિંહે પોતાની ઉપર લાગેલા તમામ આરોપો નકારી કાઢ્યા છે. તેમણે તાજેતરના એક નિવેદનમાં કહ્યું હતું કે, જો તેમની ઉપર લાગેલો એક પણ આરોપ સત્ય ઠરે તો તેઓ પોતાની જાતને ફાંસી આપી દેશે. તેમણે કહ્યું કે, મામલો દિલ્હી પોલીસ હસ્તક હોવાના કારણે તેઓ વધુ બોલી શકે તેમ નથી પરંતુ જો તેમની પાસે કોઈ વિડીયો હોય કે કોઈ ખેલાડીને મેં ક્યારેય ફોન કર્યો હોય કે તેમની પાસે કોઈ સાક્ષી હોય તો તે પુરાવા રજૂ કરવા જોઈએ.