મહારાષ્ટ્રમાં એક રિક્ષાચાલકને ઇસ્લામીઓ તરફથી ધમકીઓ મળી રહી છે. કારણ એ કે તેમણે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ (The Kerala Story) જોવા જનારા લોકો માટે નિઃશુલ્ક સેવા આપવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય બદલ અનેક લોકોએ તેમને શુભકામનાઓ પાઠવી તો બીજી તરફ દેશ અને વિદેશોમાંથી પણ ધમકીઓ મળવા માંડી હતી. આ મામલે તેમણે પોલીસનો સંપર્ક કર્યો છે.
આ વ્યક્તિની ઓળખ સાધુ મગર તરીકે થઇ છે. ગત 2 મેના રોજ તેમનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેઓ ઓટોરિક્ષા પર લગાવેલા એક બેનર સાથે ઉભેલા જોવા મળે છે. આ બેનરમાં તેમણે ‘ધ કેરાલા સ્ટોરી’ જોવા જનારા લોકો માટે નિઃશુલ્ક સેવા આપવાની જાહેરાત કરી છે તો સાથે એમ પણ લખ્યું હતું કે જે પહેલી 10 મહિલાઓ તેમની આ સેવા મેળવશે તેમની ટિકિટ તેઓ જાતે ખરીદશે.
આ ફોટો સોશિયલ મીડિયા પર ફરતો થયા બાદ આ નેક કામ બદલ ઘણા લોકોએ તેમને ફોન અને મેસેજ થકી અભિનંદન પાઠવ્યાં હતાં. બીજી તરફ, દેશ અને અન્ય દેશોમાંથી પણ ઇસ્લામીઓએ તેમને ધમકીઓ આપવાની શરૂ કરી દીધી હતી. ત્યારબાદ તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. એટલું જ નહીં, તેઓ જ્યારે પોલીસ મથકે હતા ત્યારે પણ તેમને બે ધમકીભર્યા કોલ્સ મળ્યા હતા.
વધુ જાણકારી મેળવવા માટે ઑપઇન્ડિયાએ સાધુ મગર સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, “લવ જેહાદની વાસ્તવિકતા દેખાડતી ફિલ્મ જોવા જનારા લોકો માટે મફત સુવિધા પૂરી પાડવાનો મારો આ નિર્ણય ઘણા લોકોને પસંદ આવ્યો. ઘણા લોકોએ મને ફોન કરીને પ્રશંસા કરી અને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે, ઓટોરિક્ષા પરના બેનરમાં તેમનો ફોન નંબર પણ લખવામાં આવ્યો હતો, જેથી જેમ-જેમ ફોટો વાયરલ થયો તેમ લોકોએ તેમને અભિનંદન આપવા માટે ફોન કરવા માંડ્યા.
તેમણે આગળ ઉમેર્યું, “એક તરફ અજાણ્યા નંબરો પરથી ફોન કરીને મને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી હતી તો બીજી તરફ મને કેટલાક અજાણ્યા ઇસ્લામીઓ તરફથી પણ કોલ્સ આવવા માંડ્યા, જેઓ મારા આ નિર્ણયથી બહુ ખુશ ન હોય તેવું લાગ્યું. તેમણે મને ગાળો પણ આપી હતી.”
બે દિવસ પહેલાંની ઘટના જણાવતાં તેમણે કહ્યું કે, એક વ્યક્તિએ તેમને ફોન કરીને અપશબ્દો કહીને કહ્યું હતું કે, ‘તને ખબર છે ઉદયપુરમાં પેલા દરજી સાથે શું થયું હતું? તારી હાલત પણ કન્હૈયાલાલ જેવી જ થશે.’ ત્યારબાદ મેં તેને ગંભીરતાથી લઈને પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવી હતી. મેં 15 જેટલા ફોન નંબરની વિગતો આપી છે. કેટલાક નંબરો અન્ય રાજ્યોના છે તો અમુક સાઉદી અરેબિયાના પણ છે. તેમણે ઉમેર્યું કે, ધમકી આપનારાઓએ તેમનાં નામ જણાવ્યાં ન હતાં પરંતુ તેમના મોબાઈલમાં ટ્રૂ કોલર એપ એક્ટિવ હોવાના કારણે તેઓ તેમનાં મુસ્લિમ નામો જોઈ શકતા હતા.
તેમને વોટ્સએપ ઉપર પણ ધમકી મળી હોવાનું જણાવ્યું હતું. એક મેસેજમાં એક અજાણ્યા ઈસમે ‘કેરાલા સ્ટોરી’ને ફેક ગણાવીને સાધુને ગાળો આપી હતી. તેમણે આગળ કહ્યું કે જ્યારે તેઓ પોલીસ મથકે હતા ત્યારે જ આવા બે કોલ્સ આવ્યા હતા. જ્યાં પોલીસ અધિકારીએ કોલ્સ ઉપાડીને ધમકીઓ સાંભળી હતી. ત્યારબાદ તેમણે મારી પાસેથી વિસ્તૃત લેખિત ફરિયાદ લઈને આગળની તપાસ શરૂ કરી છે.
સાધુએ અમને જણાવ્યું કે, તેઓ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ મથકે ગયા તો ત્યાં હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓ આપમેળે પહોંચી ગયા હતા, જેનાથી તેમને હિંમત મળી. એમ પણ કહ્યું કે, કેટલાક મીડિયા હાઉસે પણ તેમના વિશે સકારાત્મક સમાચાર આપ્યા, જેના કારણે તેમને આ પ્રકારનાં કામ કરવા માટે પ્રેરણા મળે છે.
‘હું હિંદુ મહિલાઓને જાગૃત કરવા માંગું છું’
અગાઉ ઑપઇન્ડિયાએ રિપોર્ટમાં જણાવ્યું હતું કે કઈ રીતે પુણેના આ રિક્ષાચાલકે હિંદુ મહિલાઓમાં જાગૃતિ આવે તે માટે ‘કેરાલા સ્ટોરી’ ફિલ્મ જોનારા લોકો માટે મફત મુસાફરીની ઘોષણા કરી હતી. ત્યારે તેમણે વાતચીત કરતાં કહ્યું હતું કે, મને પહેલેથી જ ધર્મકાર્યોમાં રસ છે. જ્યારે ‘ધ કેરાલા સ્ટોરી’નું ટ્રેલર જોયું તો ‘કાશ્મીર ફાઇલ્સ’ની જેમ આ પણ મને ખૂબ પસંદ આવ્યું અને ત્યારપછી મેં આ ઓફર શરૂ કરવાનો નિર્ણય લીધો કારણ કે અનેક હિંદુ મહિલાઓ લવ જેહાદની જાળમાં ફસાઈ છે. હું હિંદુ મહિલાઓને જાગૃત કરવા માંગુ છું અને આ જાળમાંથી બચાવવા માંગું છું. જેથી તેમને ફિલ્મ જોવા માટે પ્રોત્સાહિત કરવા માટે મેં આ ઓફર શરૂ કરી છે.
તેમણે કહ્યું કે, તેઓ વધુ ફિલ્મો જોતા નથી પરંતુ આ પ્રકારની ફિલ્મો જુએ પણ છે અને વધુમાં વધુ લોકો સુધી કઈ રીતે પહોંચાડી શકાય તે માટેના પ્રયાસો પણ કરે છે. ગત વર્ષે આવેલી ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, તે ફિલ્મમાં પણ કાશ્મીરમાં હિંદુઓ સાથે થયેલા અત્યાચાર બતાવવામાં આવ્યા હતા, જે અગાઉ કોઈ ફિલ્મમાં બતાવાયો ન હતો.
સાધુ મગર પુણે શહેરમાં ભારતીય સેનાના અધિકારીઓ અને જવાનોને મફત સેવા આપે છે. ઉપરાંત, તેઓ શાળાએ બાળકોને લેવા-મૂકવા જવા માટે પણ કોઈ શુલ્ક વસૂલતા નથી. જ્યારે કોઈ ગરીબ વ્યક્તિ તેમની પાસે આવી ચડે અને તેની પાસે પૈસા ન હોય તોય તેઓ તેમને નિઃશુલ્ક સેવા આપે છે. હવે આ જ રિક્ષાચાલકને The Kerala Story જોવા જનારા લોકોને મફત સવારી આપવાની જાહેરાત બાદ ધમકીઓ મળી હતી.