જંતરમંતર પર બેઠેલા પ્રદર્શનકારી પહેલવાનોની યાચિકા સુપ્રીમકોર્ટે બંધ કરી દીધી હોવાના અહેવાલો સામે આવી રહ્યાં છે. WIFના અધ્યક્ષ બ્રજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ FIR દાખલ થઈ ગયા બાદ સર્વોચ્ચ ન્યાયાલયે આ નિર્ણય સંભળાવ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ DY ચંદ્રચુડ, જસ્ટિસ PS નરસિમ્હા અને જસ્ટિસ JB પારડીવાળાની પીઠે આ મામલે કહ્યું હતું કે અરજી દાખલ કરવા પાછળનું મુખ્ય કારણ FIR ન થઈ હોવાનું હતું. અને જયારે હવે FIR દાખલ કરી દેવામાં આવી છે, ત્યારે આ પ્રક્રિયા અહીં જ પૂર્ણ થાય છે.
મળતા અહેવાલો અનુસાર કુશ્તીબાજોની અન્ય કોઈ પણ ફરિયાદ કે માંગની અરજી માટે સુપ્રીમ કોર્ટે તેમને સ્થાનિક મેજીસ્ટ્રેટ કે જિલ્લા ન્યાયાલય સમક્ષ જવાની સલાહ પણ આપી હતી. પ્રદર્શનકારી પહેલવાનોની યાચિકા સુપ્રીમકોર્ટે બંધ કરતા, રેસલરોના વકીલ નરેન્દ્ર હુડ્ડાએ સુપ્રીમ કોર્ટને તપાસ પ્રક્રિયા પર નજર રાખવાની વિનંતી કરી હતી. જેના માટે પણ સુપ્રીમ કોર્ટે તેમને દિલ્હી હાઈકોર્ટ સમક્ષ જવાનું કહ્યું હતું. સર્વોચ્ચ ન્યાયાલયે નોંધ્યું હતું કે દિલ્હી પોલીસે પીડિત કુસ્તીબાજોનું નિવેદન નોંધી તેમને સુરક્ષા પણ આપી છે.
મેડલ્સ પરત આપવાની બજરંગ પુનિયાની ઘોષણા
ઉલ્લેખનીય છે કે આ આખો મામલો હવે અલગ વળાંક લેતો નજરે પડી રહ્યો છે, રેસલરોએ હવે પોતાના મેડલ્સ પરત આપવાની ચીમકી ઉચ્ચારી છે. આ મામલે બજરંગ પુનીયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, જો પહેલવાનો સાથે આ પ્રકારે જ વ્યવહાર થતો રહેશે તો અમે આ મેડલોનું શું કરીશું? તેના કરતા અમે આ મેડલ્સ પરત આપીને સામાન્ય જિંદગી જીવીશું. આટલું કહીને તેમણે તમામ મેડલ્સ અને પારિતોષિકો ભારત સરકારને પરત આપવાની ઘોષણા કરી દીધી હતી. આ સાથે જ દેખાવો કરી રહેલા પહેલવાનોએ વડાપ્રધાન મોદી કે પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને તેમને મળવા બોલાવવાની માંગ પણ કરી હતી.
અહીં તે નોંધવું જરુરી છે કે આ સમગ્ર મામલાની એક વરિષ્ઠ મહિલા પોલીસ અધિકારીની નજર હેઠળ ઝીણવટથી તપાસ ચાલી રહી છે. તો બીજી તરફ દિલ્હીની સીમાઓ પર ફરી એક વાર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સીમાપર આવેલા તમામ જિલ્લાઓના DCPને નિર્દેશ આપવામાં આવ્યાં છે કે તોએ વિશેષ સતર્કતા રાખે. આ સિવાય દિલ્હી તરફ જતા હાઈવે પર ચુસ્ત નજર રાખવામાં આવી રહી છે, જેને લઈને અનેક જાગ્યાં પર બેરીકેટિંગ કરીને સતર્કતા દાખવવામાં આવી રહી છે. તાજેતરમાં જ જંતરમંતર ખાતે પ્રદર્શનકારી પહેલવાનોને મળવા પહોંચેલા પીટી ઉષા ગેરવર્તણૂકનો ભોગ બન્યા હતા.