માફિયા અતીક અહમદ અને તેના દીકરા અસદના મૃત્યુ બાદ કેટલીક ન્યુઝ એજન્સીઓ તથ્યને બાજુએ મૂકીને વાચકોને ખોટી માહિતી પીરસી રહી છે. જે રીતે અતીકને રોબિનહૂડ કહેવામાં આવ્યો હતો તે રીતે અસદને પણ ‘સ્કોલર’ કહેવામાં આવ્યો હતો. થોડા અઠવાડિયા પહેલા કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે અતીક અહેમદનો દીકરો અસદ એક સ્કોલર વિદ્યાર્થી હતો. હવે અસદ અહેમદની 10માની માર્કશીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને તેના પરથી ખ્યાલ આવે છે કે તે બિલકુલ પણ હોશિયાર વિદ્યાર્થીની હરોળમાં નહોતો આવતો.
દસમા ધોરણમાં અસદને આવ્યા હતા 25 ટકા, બધા વિષયમાં થયો હતો ફેઇલ
અસદ એન્કાઉન્ટરમાં માર્યો ગયો એ પછી પોલીસે તપાસ દરમિયાન અસદ અહેમદની 10માની માર્કશીટ રિકવર કરી હતી. અસદે પ્રયાગરાજની સેન્ટ જોસેફ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. અસદની માર્કશીટમાં ખુલાસો થયો છે કે તે ભણવામાં અત્યંત નબળો હતો. અસદ દરેક વિષયમાં ફેઇલ થયો હતો અને 700માંથી 175 ગુણ મેળવ્યા હતા એટલે કે તેને 25 ટકા આવ્યા હતા.
Asad Ahmad, the Atiq Ahmad's son's Marksheet. He secured 175/700 in 10th class and failed with 25%.
— Sanjeev Upadhyay🇮🇳 (@SanjeevUpadhy13) May 2, 2023
And the media was going gaga that he was a brilliant student and wanted to pursue law from USA 😂😂 pic.twitter.com/dYzCfjkyEZ
અસદને અંગ્રેજીમાં 100 માંથી 28, હિન્દીમાં 100 માંથી 21.5, વિજ્ઞાનમાં 19, ગણિતમાં 19 અને સામાજિક વિજ્ઞાનમાં 19.8 ગુણ મળ્યા હતા, જે દર્શાવે છે કે શાળામાં અભ્યાસ કરવો, ક્લાસમાં હાજર રહેવું અને સારા માર્ક્સ લાવવા એ તેની પ્રાથમિકતા ન હતી.
પિતાથી ખૂબ પ્રભાવિત હતો અસદ, પહેલાંથી જ માફિયા બનવાના લક્ષણો ધરાવતો હતો
એક વિદ્યાર્થી તરીકે તો ઠીક, પણ એક માનવ તરીકે પણ અસદ ફેઇલ થયો હતો એવું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. રિપોર્ટ અનુસાર, અસદ પહેલાંથી જ એક માફિયા બનવાના લક્ષણો ધરાવતો હતો અને તે પિતા અતીક અહમદથી ખૂબ પ્રેરિત હતો. અસદે આખી સ્કૂલમાં પોતાના વર્તનથી ભયનો માહોલ ઊભો કર્યો હતો. તેણે એક સ્પર્ધા દરમિયાન શિક્ષકને નિર્દયતાથી માર માર્યો હતો. તો રમતગમત દરમિયાન અસદે કથિત રીતે રેફરીને પણ થપ્પડ મારી હતી.
અસદના રિપોર્ટમાં ખાસ રિમાર્ક પણ કરવામાં આવ્યો છે કે, “બધા વિષયો પર કામ કરવાની જરૂર છે.”
મીડિયાએ જેને સ્કોલર કહ્યો એ ઠોઠ નીકળ્યો
અસદ અહેમદનો રિપોર્ટ કાર્ડ એવા મીડિયા રિપોર્ટ્સથી તદ્દન વિપરીત છે જેમાં એ દાવો કરવામાં આવ્યો હતો કે માફિયા પુત્રનું ભવિષ્ય ઉજળું હતું અને તે એક સ્કોલર વિદ્યાર્થી હતો. કેટલાક ન્યુઝ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે અસદને 12મા ધોરણમાં 85 ટકા આવ્યા હતા અને તે અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યો હતો. અસદના શિક્ષણને લઈને અતિશયોક્તિ કરનારી મીડિયા એ વ્યક્તિને માનવીય બનાવવાનો પ્રયાસ કરી રહી હતી જે ઉમેશ પાલની હત્યામાં સંડોવાયેલો હતો.
ઉમેશ પાલની હત્યામાં વોન્ટેડ હતો અસદ અહમદ
ઉલ્લેખનીય છે કે, ઉમેશ પાલ એ રાજુ પાલ હત્યા કેસના મુખ્ય સાક્ષી હતા અને અતીક અહેમદ આ જ કેસ માટે જેલમાં બંધ હતો. BSP ધારાસભ્ય રાજુ પાલની 2005માં માફિયા આતિક અહમદની ગેંગ દ્વારા હત્યા કરવામાં આવી હતી. બાદમાં કેસના સાક્ષી ઉમેશ પાલની 24 ફેબ્રુઆરી, 2023ના રોજ અસદ અહમદ અને ગેંગના અન્ય છ સભ્યો દ્વારા હત્યા કરવામાં આવી હતી. અસદ અને શૂટર મોહમ્મદ ગુલામ 13 એપ્રિલ, 2023ના રોજ ઝાંસી ખાતે એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.