રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખ શરદ પવારે પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કર્યા બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ડ્રામા શરૂ થઇ ગયો છે. અનેક નેતાઓએ રાજીનામાં ધરી દીધાં છે તો બીજી તરફ શરદ પવારે આગામી પ્રમુખ નક્કી કરવા માટે એક 18 સભ્યોની સમિતિ બનાવી હોવાનું જાણવા મળ્યું છે.
રિપબ્લિકના રિપોર્ટ અનુસાર, NCPનો આગલો પ્રમુખ કોણ હશે તે નક્કી કરવા માટે શરદ પવારે એક સમિતિ બનાવી છે, જેમાં 18 નેતાઓ સામેલ છે. આ નેતાઓમાં અજિત પવાર (શરદ પવારના ભત્રીજા), સુપ્રિયા સુલે (પુત્રી), જયંત પાટિલ, દિલીપ પાટીલ, છગન ભૂજબળ, પ્રફુલ પટેલ, જયદેવ ગાયકવાડ, અનિલ દેશમુખ, રાજેશ ટોપે, જિતેન્દ્ર આહવાડ, હસન મુશરીફ, ધનંજય મુંડે, સુનિલ તત્કારે, ફેઝિયા ખાન, કે. કે શર્મા, ધીરજ શર્મા, પીસી ચાકો અને સોનિયા દુહાનનો સમાવેશ થાય છે.
#LIVE | Sharad Pawar sets up an 18-member committee; Republic accesses the full list of committee formed by Sharad Pawar.#NCP #SharadPawar #PawarRetireshttps://t.co/JBOJSkzT7L pic.twitter.com/EEdLX0382d
— Republic (@republic) May 3, 2023
24 વર્ષ પાર્ટીના અધ્યક્ષ રહ્યા બાદ મંગળવારે (2 મે, 2023) શરદ પવારે NCPના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની ઘોષણા કરી હતી. તેમણે એવું પણ કહ્યું કે તેઓ હવેથી ચૂંટણી પણ લડશે નહીં. તેમની આત્મકથાના વિમોચન પ્રસંગે પવારે કહ્યું હતું કે, “મેં 1 મે, 1960ના રોજ મારી રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. ગઈકાલે આપણે મે ડેની ઉજવણી કરી. લાંબા રાજકીય કાર્યકાળ બાદ વ્યક્તિએ ક્યાં અટકવું તે વિચારવાનું શરૂ કરી દેવું જોઈએ અને લોભી બનવું ન જોઈએ.”
જોકે, શરદ પવારનો આ નિર્ણય પાર્ટીના નેતાઓને પસંદ આવ્યો ન હોય તેમ લાગી રહ્યું છે અને નેતાઓ સતત તેમને પદ પર યથાવત રહેવા માટે અપીલ કરી રહ્યા છે તો રાજીનામાં પણ પડી રહ્યાં છે. તાજેતરમાં જ હિંદુ પર્વોનું અપમાન કરનાર નેતા જીતેન્દ્ર આવ્હાડે પણ પાર્ટીના મહામંત્રી પદેથી રાજીનામું ધરી દીધું છે. એટલું જ નહીં, થાણેના NCP પાર્ટીના સમગ્ર યુનિટે પણ રાજીનામું આપી દીધું છે.
જીતેન્દ્ર આવ્હાડ એ જ નેતા છે જેમણે તાજેતરમાં હિંદુ પર્વો પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. તેમણે રામનવમી અને હનુમાન જયંતિ પર નીકળતી શોભાયાત્રાઓને લઈને કહ્યું હતું કે, “મને લાગે છે કે આ દેશમાં તહેવારો રમખાણો ફેલાવવા માટે જ છે. આ બંને તહેવારો દરમિયાન શહેરનો માહોલ એટલો ખરાબ થયો જેટલો પહેલા ક્યારેય નથી થયો. આ નિવેદન આપ્યું ત્યારે શરદ પવાર સ્ટેજ પર હાજર હતા.
I have resigned from my post of National General Secretary and I have sent my resignation to NCP chief Sharad Pawar. All office bearers of Thane NCP have also resigned after Pawar Saheb's announcement (to resign from the post of party chief): NCP leader Jitendra Awhad to ANI… pic.twitter.com/VBrtFCuaNs
— ANI (@ANI) May 3, 2023
આ સિવાય અમુક નેતાઓ-સમર્થકો ધરણાં કરી રહ્યા છે તો અમુકે લોહીથી શરદ પવારને પત્રો લખ્યા હતા. NCPના એક કાર્યકર્તા સંદીપ કાલેએ શરદ પવારને લોહીથી પત્ર લખીને પાર્ટીનું અધ્યક્ષ પદ છોડવાના નિર્ણય પર પુનર્વિચાર કરવાની માંગ કરી હતી. તેમણે લખ્યું કે, “તમે અમારા ભગવાન છો અને આદર્શ છો, આ પત્ર રાજીનામું આપવાના તમારા નિર્ણયને પરત લેવા માટે લખી રહ્યો છું.”
બીજી તરફ, મુંબઈમાં પાર્ટી મુખ્યમથકે એનસીપી નેતાઓની એક બેઠક ચાલી રહી છે, જેમાં પાર્ટીના આગામી અધ્યક્ષને લઈને ચર્ચા થશે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. પાર્ટી નેતા છગન ભુજબળે કહ્યું કે, તેઓ શરદ પવારને મનાવવાના પ્રયાસો કરી રહ્યા છે, જો તેઓ માની જાય તો અધ્યક્ષ બન્યા રહેશે નહિતર સમિતિ મળીને આગામી અધ્યક્ષ વિશે નિર્ણય કરશે.