મુખ્તાર અંસારીના ભાઈ અફજાલ અન્સારીનું સાંસદ પદ રદ કરવામાં આવ્યું છે. શનિવારે (29 એપ્રિલ 2023) તેને ગેંગસ્ટર એક્ટ અંતર્ગત 4 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. જે બાદ તેનું સાંસદ પદ રદ થવાનું નક્કી માનવામાં આવી રહ્યું હતું. અફજાલની સાથે તેના ભાઈ મુખ્તાર અન્સારીને પણ 10 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી.
મુખ્તાર અન્સારી અને અફજાલ અન્સારી ભાજપ ધારાસભ્ય રહી ચૂકેલા કૃષ્ણાનંદ રાયની હત્યા મામલે દોષી ઠેરવાયા હતા. આ સિવાય મુખ્તાર કોલસાના વેપારી નંદકિશોર રૂંગટાનું અપહરણ કરીને તેમની હત્યા કરવા મામલે પણ દોષી ઠેરવાયો હતો. આ મામલે ગાઝીપુર એમપી-એમએલએ કોર્ટે ગેંગસ્ટર એક્ટ અંતર્ગત સજા સંભળાવતા મુખ્તાર અંસારીને 10 વર્ષની સજા અને 5 લાખનો દંડ ફટકાર્યો હતો. તો બીજી તરફ અફજાલ અન્સારીને 4 વર્ષની સજા સંભળાવવામાં આવીં હતી, અને તેને 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
BSP MP Afzal Ansari disqualified as a member of Lok Sabha representing the Ghazipur Parliamentary Constituency upon his conviction by the Court of Additional Sessions Judge, MP/MLA Court, Ghazipur.
— ANI (@ANI) May 1, 2023
સજા થયા પહેલાં અફજાલ અન્સારી જામીન પર બહાર હતો. પરંતુ હવે તેને પણ જેલના હવાલે કરવામાં આવ્યો છે. તેનો ભાઈ મુખ્તાર અન્સારી પહેલેથી જ ઉત્તર પ્રદેશની જેલમાં બંધ છે. તેવામાં હવે કોર્ટે સજા ફટકારતાની સાથે જ અફજાલ અન્સારીનું સાંસદ પદ રદ કરવામાં આવ્યું છે.
શું હતા બંને ગેંગસ્ટર ભાઈઓ પર કેસ
29 નવેમ્બર, 2005ના દિવસે ભાજપ MLA કૃષ્ણાનંદ રાય સહિત 7 લોકોને ગોળી મારવામાં આવી હતી. ચૂંટણીની અદાવતમાં આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. આ હત્યાનો આરોપ મુખ્તાર અન્સારી અને તેના ભાઈ અફજાલ અંસારી પર લાગ્યો હતો. આ બંને ભાઈઓના પ્રભાવવાળી મોહમ્મદાબાદ વિધાનસભા બેઠક પરથી કૃષ્ણાનંદ રાય ચૂંટણી જીત્યા હતા.
તો વેપારી નંદકિશોર રુંગટાના અપહરણનો મામલો વર્ષ 1997નો છે. જાન્યુઆરી 1997માં તેમનું તેમના ઘરેથી અપહરણ કરી લેવામાં આવ્યું હતું અને મુક્તિ માટે તેમના પરિવાર પાસે 5 કરોડ રૂપિયા માંગવામાં આવ્યા હતા. પરિવારે દોઢ કરોડ રૂપિયા આપી પણ દીધા હતા પરંતુ પછીથી તેમની હત્યા કરી નાંખવામાં આવી હતી. આ કેસનો આરોપ પણ મુખ્તાર પર જ લાગ્યો હતો. ત્યારબાદ ગેંગસ્ટર એક્ટ હેઠળ તેના પર કેસ દાખલ થયો હતો. મુખ્તાર અન્સારી હાલ ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ છે. તેની ઉપર હત્યા, ખંડણી, અપહરણ સહિતના પચાસથી વધુ કેસ દાખલ છે.