PMO અધિકારી તરીકે ઓળખ આપીને લોકો સાથે ઠગાઈ કરનારા કિરણ પટેલ જેવો જ કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે. વડોદરાના આ મહાઠગ વિરાજ પટેલ પર CMOના નામે છેતરપિંડી અને દુષ્કર્મ કરવાનો આરોપ છે. વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં વિરાજ શાહ ઉર્ફે વિરાજ પટેલ સામે બે ફરિયાદ નોંધાઈ છે.
મહાઠગ કિરણ પટેલની કરતૂતોનો પર્દાફાશ થયા બાદ વધુ એક મહાઠગ સામે આવ્યો છે. વડોદરાના આ મહાઠગ વિરાજ પટેલ પર મોડેલે ઠગાઈ ઉપરાંત દુષ્કર્મનો પણ આરોપ મૂક્યો છે. વિરાજ પટેલે પોતે CMOના અધિકારી તેમજ ગિફ્ટ સિટીના પ્રેસિડેન્ટ હોવાની ખોટી ઓળખ આપી હતી અને મોડેલને વિશ્વાસમાં લઈ લીધી હતી. આ મહિલા મોડેલ મુંબઈની રહેવાસી છે. વિરાજ પટેલે મહિલાને ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર બનવાની લાલચ આપી હતી. ત્યારબાદ મોડેલને 4 દિવસનું શૂટિંગ કરવાનું છે એમ કહીને બે દિવસ અમદાવાદ અને બે દિવસ દુબઈ જવાની પણ લાલચ આપી હતી.
મહિલા સાથે દુષ્કર્મ ઉપરાંત તેના ATM કાર્ડમાંથી 3.50 લાખ રૂપિયા વાપરી નાખ્યા
CMOના અધિકારીનો રોફ બતાવતા વિરાજ પટેલે મહિલા મોડેલ સાથે ગોવામાં, મુંબઈ ખાતે મોડેલના ઘરે અને વડોદરામાં હોટેલ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, આ મહાઠગે મહિલાના વિવિધ બેંકના ATM કાર્ડમાંથી સાડા ત્રણ લાખ રૂપિયા વાપરી નાખ્યા હોવાનું પણ કબૂલ્યું છે. આ મામલે મહિલા મોડેલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસને CMOના અધિકારી તરીકે ઓળખ આપતા વિરાજ પટેલનો ભાંડો ફૂટ્યો
રિપોર્ટ અનુસાર, મહાઠગ વિરાજ પટેલ મોડેલ સાથે થિએટરમાં ફિલ્મ જોવા ગયો હતો. આ દરમિયાન તેની અન્ય લોકો સાથે માથાકૂટ થઈ હતી. વિરાજે લોકોને અને પોલીસને CMOના અધિકારી તરીકે ઓળખ આપી હતી. પોલીસને શંકા જતાં તેમણે આ અંગે તપાસ કરી હતી જેમાં મહાઠગે પોતાનું બોગસ પાનકાર્ડ પણ બનાવ્યું હોવાનું સામે આવ્યું હતું. મહાઠગે વિરાજ પટેલના બદલે વિરાજ શાહ નામનું બોગસ પાનકાર્ડ બનાવ્યું હતું.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, વિરાજ પટેલ ગાંધીનગરના સરગણ વિસ્તારના પૃથ્વી હોમ્સમાં રહે છે. આરોપી સામે બે અલગ અલગ ફરિયાદ કરીને પોલીસે તેને ક્રાઈમ બ્રાન્ચને સોંપ્યો છે.
ઉત્તર પ્રદેશમાં પણ કિરણ પટેલ જેવો ઠગ ઝડપાયો
ઉલ્લેખનીય છે કે, શનિવારે સવારે ઉત્તર પ્રદેશ STFએ સંજય શેરપૂરિયા નામના મહાઠગની ધરપકડ કરી હતી. સંજય શેરપૂરિયા અનેક મોટા કૌભાંડોમાં સંડોવાયેલો છે. તે ભાજપના ટોચના નેતાઓ સાથે એડિટ કરેલી તસ્વીરોનો ઉપયોગ કરીને લોકોને છેતરતો હતો. નકલી કંપનીના નામે તેણે SBIના 350 કરોડ પચાવી પાડ્યા છે. તેના પર દિલ્હીમાં આલિશાન બંગલા પર કબજો કરવાનો પણ આરોપ છે.