ઉત્તર પ્રદેશમાં માફિયાઓ અને ગુંડાઓ વિરુદ્ધ યોગી સરકાર કડક હાથે કાર્યવાહી કરી રહી છે. અતીક અહમદ અને અશરફની હત્યા કરવામાં આવ્યા બાદ આ કેસની તપાસમાં વળગેલી પોલીસ હવે આ બંને સાથે જોડાયેલા લોકો તેમજ સબંધીઓની પણ શોધખોળ કરી રહી છે. આ જ ક્રમમાં અશરફના સાળા સદ્દામ પર યુપી પોલીસે 1 લાખનું ઇનામ જાહેર કર્યું છે.
સમાચાર એજન્સી ANI મુજબ, પહેલાં અશરફના સાળા સદ્દામના માથે 50 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ હવે યુપી પોલીસે આ રકમ બમણી કરીને ઇનામ 1 લાખ કરી દીધું છે.
Reward on the arrest of Saddam, brother-in-law of gangster-turned-politician Atiq Ahmed's brother Ashraf, increased to Rs 1 lakh from Rs 50,000. He is wanted in a case registered at Bithri Chainpur police station: UP Police
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 29, 2023
સદ્દામ પર આરોપ છે કે તેણે શૂટર્સની અશરફ સાથે બરેલી જેલમાં મુલાકાત કરાવડાવી હતી. સદ્દામ પર બરેલી જેલ પ્રશાસન સાથે મળીને તેના બનેવી અશરફને VIP સુવિધાઓ અપાવવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. હાલ પોલીસ ઉપરાંત સ્પેશિયલ ટાસ્ક ફોર્સ પણ સદ્દામને પકડવા માટે તજવીજ હાથ ધરી રહી છે.
ઉલ્લેખનીય છે કે એક તરફ સદ્દામને પકડવા ઇનામની રકમ વધારી દેવામાં આવી છે. તો બીજી તરફ, અશરફની બહેન આયશા નૂરીની સરેન્ડર કરવાની અરજી પર પણ 30 એપ્રિલે સુનાવણી થવાની છે. CJM કોર્ટે ધૂમગંજ પોલીસ પાસેથી આ મામલે રિપોર્ટ માંગ્યો છે. આયશા પર ઉમેશ પાલ હત્યાકાંડમાં શૂટરોની મદદ કરવાનો આરોપ છે.
બીજી તરફ, અતીકની પત્ની શાઈસ્તા પરવીનની ધરપકડ કરવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. તાજેતરમાં જ તેને ઝડપી લેવા માટે દિલ્હીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ એજન્સીઓને ઈનપુટ મળ્યાં હતા કે શાઈસ્તાએ કોઈ વકીલનો સંપર્ક કર્યો હતો. જેના આધાર પર જ કરોલબાહ અને જામિયા નગરમાં એજન્સીઓએ દરોડા પડયા હતા. જોકે, ત્યાં તે મળી ન હતી.
દિલ્હી ઉપરાંત STFની એક ટીમ લખનૌમાં પણ સતત નજર રાખીને બેઠી છે. વકીલ ઉપરાંત શાઈસ્તાએ કોઈ રાજનીતિક પાર્ટીના નેતાનો પણ સંપર્ક કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. STF એલર્ટ મોડ પર રહીને તેના સાથે જોડાયેલા તમામ ઈનપુટ પર કામ કરી રહ્યું છે. અતીક અને અશરફની હત્યા બાદથી જ તે ફરાર થઈ ચૂકી છે.