વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ બન્યા પછી વાયદાઓ પૂરા ન કર્યા હોવાના દાવા કરવા માટે તેમના વિરોધીઓ કાયમ 15 લાખ રૂપિયાનો મુદ્દો વચ્ચે લઇ આવતા હોય છે. અગાઉ રાહુલ ગાંધી સહિતના નેતાઓ આ મુદ્દે દુષ્પ્રચાર ફેલાવી ચૂક્યા છે અને હજુ પણ કોંગ્રેસે આ પરંપરા જાળવી જ રાખી છે. આ જ ક્રમમાં પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ જોડાયા છે.
ચિદમ્બરમે એક ટ્વિટ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે મફતના રાજકારણને લઈને ચાલતી ચર્ચામાં પોતાની ટિપ્પણી કરતા દાવો કર્યો હતો કે પીએમ મોદીએ પણ વર્ષ 2014માં વાયદો કર્યો હતો કે તેઓ દરેક નાગરિકના ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવશે.
When Mr Modi promised in 2014 that he will put Ra 15 lakhs in the bank
— P. Chidambaram (@PChidambaram_IN) April 28, 2023
account of every Indian, was it a freebie (revdi) or a welfare scheme?
Was the BJP a "party of lies"?
કોંગ્રેસ નેતાએ ટ્વિટ કરીને કહ્યું, ‘જ્યારે મોદીએ 2014માં વાયદો કર્યો હતો કે તેઓ દરેક ભારતીયના ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવશે, તો શું તે રેવડી હતી કે પછી કોઈ કલ્યાણકારી યોજના? શું ભાજપ જુઠ્ઠાણાંની પાર્ટી છે?’
વાસ્તવમાં, ગુરુવારે વડાપ્રધાન મોદીએ કર્ણાટકના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું. જેમાં તેમણે બૂથ સ્તર સુધીનું અભિયાન હાથ ધરવા તેમજ રાજ્યમાં રેવડી કલ્ચરને ખતમ કરવા માટે આહવાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, મફતના વાયદાઓના કારણે રાજ્યો પર દેવું વધી જાય છે અને આ રીતે રાજ્ય કે દેશ ચાલી શકે નહીં. જેને લઈને ચિદમ્બરમે આ ટિપ્પણી કરી હતી.
ચિદમ્બરમ એક જ નેતા નથી. આ પહેલાં રાહુલ ગાંધીથી માંડીને આમ આદમી પાર્ટીના હારી ગયેલા નેતા ઈસુદાન ગઢવી સહિતના અનેક નેતાઓ મોદીના નામે આવા ગેરમાર્ગે દોરતા દાવા કરી ચૂક્યા છે ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ કાયમ આ મુદ્દો ચર્ચામાં રહે છે. પરંતુ સત્ય આનાથી તદ્દન વિપરીત છે. આ દાવો સાવ ખોટો અને ગેરમાર્ગે દોરનારો છે.
શું છે વાસ્તવિકતા?
વાસ્તવમાં, 2014ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન પીએમ મોદીએ છત્તીસગઢના કાંકેરમાં એક જનસભા સંબોધી હતી. જેમાં તેમણે 15 લાખ રૂપિયાનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ તેમણે જે વાત કહી હતી તેનું અર્થઘટન બિલકુલ ઊંધું કરવામાં આવ્યું. વાસ્તવમાં તેમણે કહ્યું હતું કે, વિદેશી બેંકોમાં એટલું કાળું નાણું છે કે જો તેને ભારત લાવવામાં આવે તો દરેક નાગરિકના ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવી શકાય. નીચેના વિડીયોમાં 17:00 મિનિટથી મોદીના ભાષણના અંશો સાંભળી શકાય છે.
મોદીએ કહ્યું હતું, “આખી દુનિયા કહે છે કે હિંદુસ્તાનના જેટલા ચોર-લૂંટારા છે તેઓ પોતાના પૈસા વિદેશી બેંકોમાં જમા કરાવે છે. કાળું નાણું વિદેશી બેંકોમાં જમા થાય છે. (જનતાને પૂછતાં) શું આપણો ચોરી કરેલો રૂપિયો પરત આવવો જોઈએ કે નહીં? શું આ કાળું નાણું પરત મેળવવું જોઈએ? આ ચોર-લૂંટારા પાસેથી એક-એક રૂપિયો મેળવવો જોઈએ? શું આ રૂપિયા પર જનતાનો અધિકાર નથી? આ રૂપિયા જનતાના કામ આવવા જોઈએ?
તેમણે આગળ કહ્યું, “એક વખત આ ચોર-લૂંટારાના પૈસા જે બેંકોમાં જમા છે તેટલા રૂપિયા પણ આપણે લઇ આવ્યા તોપણ ભારતના એક-એક ગરીબ માણસને મફતમાં 15-20 લાખ રૂપિયા આમ જ મળી જશે. તેટલા રૂપિયા છે.”
નરેન્દ્ર મોદી લોકોને એ સમજાવવા માંગતા હતા કે વિદેશી બેંકોમાં કેટલું કાળું નાણું છે. તેમણે ક્યારેય એ વાયદો કર્યો ન હતો કે એક વખત તેઓ વડાપ્રધાન બની જાય ત્યારબાદ દરેક વ્યક્તિના ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવવામાં આવશે. જેથી આ દાવો ભ્રામક અને પાયાવિહોણો છે.