દરેક માતાપિતાને પોતાનું સંતાન જીવનમાં ખૂબ પ્રગતિ કરે અને સફળ વ્યક્તિ બને તેવી ઝંખના હોય છે. તો બીજી તરફ સંતાનો પણ પોતાના માવતરની ઈચ્છા પૂરી કરવા પોતાના અસ્તિત્વને ભૂલી જતાં હોય છે. આ બંને પક્ષો વચ્ચે પરસ્પર સમજણ અને સંવાદનો અભાવ ન થવાની ઘટનાઓને નોતરે છે. આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીમાં ભણતા વડોદરાના વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે.
મળતી માહિતી અનુસાર સેપ્ટ યુનિવર્સિટીમાં ભણતા જે વિદ્યાર્થીએ આપઘાત કર્યો તે મૂળ વડોદરાનો રહેવાસી છે અને અહીં તે બેચલર્સ ઓફ આર્કિટેક્ચર પ્રોગ્રામના 10મા સેમેસ્ટરનો વિદ્યાર્થી હતો. 23 વર્ષીય શિવ મિસ્ત્રીએ 25 એપ્રિલના રોજ રાત્રે 12 વાગ્યે અમદાવાદમાં આવેલા ધ્રુવીન એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી કૂદકો મારી આત્મહત્યા કરી હતી. તે કોલેજ કેમ્પસની બહાર એક બિલ્ડિંગના બીજા માળે રૂમમેટ સાથે પેઇંગ ગેસ્ટ તરીકે રહેતો હતો. ટેરેસ પરથી કૂદીને જીવન ટુંકાવ્યું હતું.
આ બનાવની જાણ થતાં જ પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમને ફ્લેટમાંથી અંગ્રેજી ભાષામાં લખેલી અલગ-અલગ સુસાઇડ નોટ્સ પણ મળી આવી હતી. સુસાઇડ નોટમાં મૃતકે આત્મહત્યા કરવા પાછળ પોતાની હતાશા દર્શાવી હતી. સાથે જ શિવે હાથ પર જિંદગીથી નિરાશ થયેલા ઇમોજી ટેટુ બનાવડાવ્યું હતું. હાલ આ સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.
સ્યુસાઇડ નોટમાં લખ્યું- ‘હું તમારું અવાંછિત સંતાન’
શિવ મિસ્ત્રીએ આત્મહત્યા પહેલાં લખેલી સ્યુસાઇડ નોટમાં તેના મનની તમામ વ્યથાઓ લખી હતી. તેણે લખ્યું કે, “પ્રિય મમ્મી પપ્પા, હું તમને પ્રેમ કરું છું, હું જે કરી રહ્યો છું એ બદલ તમારી માફી માંગુ છું. મેં વધુ એક વખત તમને નિરાશ કર્યા છે. મને હંમેશા એમ લાગતું કે જીવન પૈસા અને ભૌતિક ચીજો માટે નથી પરંતુ તમે જીવનમાં શું કરો છો તેના માટે છે. મારે જીવનમાં જે કરવું હતું એ માટે હું સક્ષમ ન હતો અને હું જે કરી રહ્યો છું તેના કારણે હું પરેશાન હતો. મને તમારી આંખોમાં મારા માટે નિરાશા દેખાય છે. મને કોઈ પ્રેમ નથી કરતું, મને લાગે છે કે હું તમારું અવાંછિત સંતાન છું. સેપ્ટમાં પરત આવવાનો નિર્ણય મારો હતો. મને લાગતું હતું કે હું આર્કિટેક્ચરનું ભણતર પુરૂં કરીશ પણ હવે મને લાગે છે કે, આ નિર્ણય મેં ઘરેથી દૂર રહેવા માટે કર્યો હોય.”
હું ભાઈની અવેજીમાં હોઉં તેવું લાગતું
આત્મહત્યા કરનાર શિવે આગળ લખ્યું હતું કે, “ઘરના વર્કશોપમાં વર્ષો સુધી કામ કર્યા બાદ મારામાં આક્રોશ અને નિરાશા છે. ઘરમાં સતત ચાલતા ઝઘડાને કારણે ઊભા થયેલા માહોલનો કોઈ ઉકેલ આવે તે માટે મેં આ પગલું ભર્યું છે. હું પોતાનો અલગ રસ્તો બનાવવા માગતો હતો. તમે મને મારી રીતે વર્કશોપમાં કામ કરવા દીધું હોત તો આ શક્ય બની શકત. પણ ત્યાં હું હંમેશાં ભાઈની અવેજીમાં હોવ તેવું લાગતું. હું જે કરવા માગતો હતો તે ન થઈ શક્યું, માટે આ પગલું ભરી રહ્યો છું. મને માફ કરજો મારો ઈરાદો તમને જવાબદાર ઠેરવવાનો નથી. તમે મારા માટે જે કર્યું તેના માટે હું ઋણી છું, થેંક્યુ યુ મોમ એન્ડ ડેડ. આઈ લવ યુ.”