કચ્છ જિલ્લામાંથી સાત મહિના પહેલાં ઝડપાયેલા 200 કરોડના ડ્રગ્સ કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું નામ સામે આવ્યા બાદ ગુજરાત ATSએ તિહાર જેલમાંથી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કસ્ટડીમાં લીધો હતો. આજે તેને નલિયા કોર્ટમાં રજૂ કરાતા કોર્ટ દ્વારા 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ગેંગસ્ટરને કોર્ટમાં રજૂ કરતી સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
લોરેન્સ બિશ્નોઇને કોર્ટમાં રજૂ કરતી વખતે ગુજરાત ATSના ઉચ્ચ અધિકારીઓ સાથે ચેતક કમાન્ડોનો કાફલો સુરક્ષામાં તૈનાત કરાયો હતો. ઉપરાંત 15થી વધુ ગાડીઓના સુરક્ષા કાફલા સાથે પોલીસ મથકે લોરેન્સ બિશ્નોઇને લવાયો હતો. કચ્છના SP સહિત લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને SOG પણ સુરક્ષામાં તૈનાત રહી હતી. આ સાથે જ ગુજરાત ATSના ઉચ્ચ અધિકારીઓ પણ કાફલામા સામેલ હતી.
Delhi's Patiala House Court grants transit custody of Lawrence Bishnoi to Gujarat ATS in a cross-border smuggling case.
— ANI (@ANI) April 24, 2023
(file photo) pic.twitter.com/P24MFlPHtH
શું હતો 200 કરોડના ડ્રગ્સનો મામલો?
આજથી 7 મહિના પહેલા કચ્છના જખૌ બંદરથી 33 નોટિકલ માઇલ દૂર દેશની સમુદ્રી સરહદમાંથી ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશન અંતર્ગત પૂર્વ બાતમીના આધારે એક પાકિસ્તાની બોટમાંથી અંદાજીત 200 કરોડની કિમતનું 40 કિલો જેટલું ડ્રગ્સ પકડ્યું હતું. આ ડ્રગ્સ પંજાબની લુધિયાણા જેલમાં બંધ ચીફ નામના નાઈઝીરિયન કેદીએ અને કપૂરથલા જેલમાં બંધ મેરાજ રહેમાની નામના આરોપીએ મંગાવ્યું હોવાનું ખૂલ્યું હતું. મળતી માહિતી મુજબ ગુજરાત સુરક્ષા એજન્સીની તપાસમાં આ ડ્રગ્સકાંડ મામલે પોલર શૂટર નામના પેડલરનું નામ પણ ખૂલ્યું હતું.
તાજી માહિતી મુજબ કહેવામાં આવી રહ્યું છે કે આ પેડલર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના સંપર્કમાં હતો, જે બાદ 200 કરોડના ડ્રગ્સકાંડના તાર ગેંગસ્ટર સુધી પહોંચતા ગુજરાત ATSએ લોરેન્સ બિશ્નોઈને કસ્ટડીમાં લેવા માટે NIA કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી કોર્ટે માન્ય ATSએ બિશ્નોઈની કસ્ટડી મેળવી અબડાસા તાલુકાના નલિયા કોર્ટ ખાતે રજૂ કર્યો હતો. જે બાદ કોર્ટે લોરેન્સના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું અહેવાલોમાં જણાવાઈ રહ્યું છે.
NIAએ લોરેન્સ બિશ્નોઈ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી
આ ઉપરાંત ગયા મહીને NIAએ અન્ય એક મામલામાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ તથા ગોલ્ડી બરાડ સહીત અન્ય 12 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. જેઓ પ્રતિબંધિત સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) અને અન્ય કેટલાક ખાલિસ્તાન સમર્થક આતંકવાદી સંગઠનો સાથે સબંધ ધરાવે છે.
NIAએ જણાવ્યું હતું કે આ તમામ 14 આરોપીઓ આતંક ફેલાવવા ઉપરાંત પ્રસિદ્ધ અને સામાજિક તથા ધાર્મિક નેતાઓ, ફિલ્મી સિતારાઓ, ગાયક કલાકારો તથા વહેપારીઓને ટાર્ગેટ કરીને તેમની હત્યા કરવાના કાવતરા કરવા બદલ આરોપો લગાવવામાં આવ્યાં છે.
NIAને તપાસમાં તે પણ જાણવા મળ્યું હતું કે, પાકિસ્તાનમાં કાવતરા ઘડવા સાથે જ આરોપીઓ કેનેડા, નેપાળ અને અન્ય દેશોમાં સ્થિત ખાલિસ્તાન સમર્થક તત્વોના સંપર્કમાં પણ હતા.