હિંસાગ્રસ્ત સુડાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત પરત લાવવા માટે ભારત સરકારે ‘ઓપરેશન કાવેરી’ લૉન્ચ કર્યું છે. સોમવારે વિદેશ મંત્રી એસ જયશંકરે આ બાબતની જાણકારી આપી હતી.
Operation Kaveri gets underway to bring back our citizens stranded in Sudan.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 24, 2023
About 500 Indians have reached Port Sudan. More on their way.
Our ships and aircraft are set to bring them back home.
Committed to assist all our bretheren in Sudan. pic.twitter.com/8EOoDfhlbZ
વિદેશ મંત્રીના જણાવ્યા અનુસાર, 500 જેટલા ભારતીય નાગરિકો સુડાન પોર્ટ ખાતે પહોંચ્યા હતા અને બાકીના પહોંચી રહ્યા છે. ભારતીય નેવીનાં જહાજો તેમજ વાયુસેનાનાં એરક્રાફ્ટ તેમની મદદ માટે મોકલી આપવામાં આવ્યાં છે અને આ તમામ નાગરિકોને ઓપરેશન કાવેરી હેઠળ સુરક્ષિત વતન પરત લાવવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, સુડાનમાં ફસાયેલા એક-એક ભારતીય નાગરિકની મદદ માટે સરકાર કટિબદ્ધ છે.
આ સાથે તેમણે બે તસ્વીરો પણ શૅર કરી હતી, જેમાં ભારતીય નાગરિકો રાષ્ટ્રધ્વજ લઈને સમૂહમાં ઉભેલા જોવા મળે છે.
રવિવારે વિદેશ મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું હતું કે, સુડાનમાં હિંસા વચ્ચે ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષા માટે ભારત તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, અમે સુડાનમાં બની રહેલી ઘટનાઓ પર નજર રાખી રહ્યા છીએ અને ત્યાં ફસાયેલા અને વતન આવવા માંગતા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે વિવિધ મિત્ર દેશો સાથે વાતચીત ચાલી રહી છે.
મંત્રાલયે એ પણ જણાવ્યું હતું કે, ભારતીય નાગરિકોને પરત લાવવાના ઓપરેશનના ભાગરૂપે ભારત સરકારે વાયુસેનાનાં બે વિમાન C-130Jને સ્ટેન્ડબાય રાખ્યાં છે જ્યારે નેવીનું જહાજ INS સુમેધા પણ સુડાન પોર્ટ પર મોકલી આપવામાં આવ્યું છે. આ જહાજો થકી ભારતીય નાગરિકોને પરત લાવવામાં આવશે.
રવિવારે વિદેશ મંત્રી એસ જયશંકરે સાઉદી અરેબિયા અને યુએઈના વિદેશ મંત્રીઓ સાથે વાતચીત કરી હતી. આ બંને દેશોએ ભારતને તેના ઓપરેશનમાં પૂરેપૂરી મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું.
ભારતીય દૂતાવાસની વેબસાઈટ અનુસાર, સુડાનમાં કુલ 2,800 ભારતીય નાગરિકો વસવાટ કરે છે. જેમાંથી 1200 લોકોનો એક સમુદાય ત્યાં કાયમી વસવાટ કરે છે અને જેમના પરિવારો સુડાનમાં છેલ્લાં 150 વર્ષથી વસવાટ કરી રહ્યા છે. જોકે, અમુક રિપોર્ટ્સમાં સુડાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સંખ્યા 4 હજાર સુધીની પણ જણાવવામાં આવી છે.
સુડાનમાં હાલ શું થઇ રહ્યું છે?
સુડાન ઉપર હાલ ગૃહ યુદ્ધનું જોખમ તોળાઈ રહ્યું છે. દેશના ખારતૌમ સહિતનાં અનેક શહેરોમાં હિંસા ફાટી નીકળી છે અને સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. અહીં દેશની સેના અને શક્તિશાળી સૈન્ય જૂથ રેપિડ સપોર્ટ ફોર્સીસ વચ્ચે લડાઈ ચાલી રહી છે. આ બંને જૂથો પહેલાં સાથે હતાં અને 2021માં સાથે જ સત્તા મેળવી હતી. પરંતુ પછીથી RSFનું વિલીનીકરણ સેનામાં કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવતાં તણાવ વધ્યો હતો. ત્યારબાદ પ્રશ્ન એ સર્જાયો હતો કે જો વિલીનીકરણ કરી નાંખવામાં આવે તો સૈન્યનો કમાન્ડર-ઈન-ચીફ કોણ બને?
હાલ બંને વચ્ચે સત્તા મેળવવા માટે સંઘર્ષ ચાલી રહ્યો છે. ખાસ કરીને લડાઈ રાજધાની ખારતૌમમાં જ જોવા મળી રહી છે પરંતુ હવે અન્ય શહેરોમાંથી પણ હિંસાના સમાચાર મળી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, અત્યાર સુધીમાં 400થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકોને ઇજા પહોંચી છે. મૃત્યુનો આંકડો હજુ વધવાની આશંકા છે.