ખાલિસ્તાન તરફી ‘પંજાબ વારિસ દે’નો ચીફ અમૃતપાલ સિંઘ આખરે શનિવારે પોલીસ પકડમાં આવ્યો છે. અમૃતપાલે પોતે આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે પંજાબ પોલીસનું કહેવું છે કે તેની મોગાથી ધરપકડ કરવામાં આવી છે. આ વચ્ચે હાલ તે આસામ પહોંચ્યો છે જ્યાં તેને દિબ્રુગઢ જેલમાં લઇ જવામાં આવી રહ્યો છે.
#WATCH | Assam: Waris Punjab De's #AmritpalSingh being taken to Dibrugarh jail. He was arrested by Punjab Police from Moga district in Punjab today. pic.twitter.com/D2RiU3m8AM
— ANI (@ANI) April 23, 2023
નોંધનીય છે કે અમૃતપાલ છેલ્લા 36 દિવસથી ફરાર હતો. પંજાબ પોલીસ તેમજ અન્ય એજન્સીઓ તેને પકડવા માટે સખત પ્રયાસ કરી રહી હતી. પંજાબ પોલીસે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) હેઠળ અમૃતપાલની ધરપકડ કરી છે. પંજાબ પોલીસે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી અને નકલી સમાચાર ન ફેલાવવા જણાવ્યું હતું.
#AmritpalSingh arrested in Moga, Punjab.
— Punjab Police India (@PunjabPoliceInd) April 23, 2023
Further details will be shared by #PunjabPolice
Urge citizens to maintain peace and harmony, Don't share any fake news, always verify and share.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમૃતપાલ એક દિવસ પહેલા જ મોગા આવ્યો હતો. શનિવારે તેણે અહીં એક મોટી સભા કરી અને લોકો વચ્ચે ભાષણ આપ્યું. આ પછી તેણે નાટકીય રીતે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે સુરક્ષા એજન્સીઓએ તેની પત્ની કિરણદીપ કૌરને પકડી ત્યારે તે તૂટી પડ્યો હતો.
20 એપ્રિલ 2023ના રોજ કિરણદીપ કૌર લંડન ભાગી જવાનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન તેને અમૃતસરના શ્રી ગુરુ રામદાસ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમિગ્રેશન અધિકારીઓએ રોકી હતી. ઈમિગ્રેશન વિભાગે કહ્યું હતું કે કિરણદીપની પૃષ્ઠભૂમિ અને અમૃતપાલ સાથેના સંબંધોના કારણે તેને રોકી હતી. આ પછી અધિકારીઓએ તેની પૂછપરછ કરી હતી.
ગુરુદ્વારામાં કહ્યું- ‘ધરપકડ અંત નહીં પણ શરૂઆત છે’
જે સમયે તેની ધરપકડ કરવામાં આવી તે સમયે તે ગુરુદ્વારામાં ઉપદેશ આપી રહ્યો હતો. ધરપકડ પહેલા તેણે કહ્યું, “આ જર્નૈલ સિંઘ ભિંડરાનવાલેનું જન્મ સ્થળ છે. તે જ જગ્યાએ, અમે અમારું કામ વધારી રહ્યા છીએ અને એક વળાંક પર ઊભા છીએ. એક મહિનાથી શું થઈ રહ્યું છે તે બધાએ જોયું છે.”
અહેવાલ મુજબ, તેણે આગળ કહ્યું, “જો તે માત્ર ધરપકડની વાત હોય, તો ધરપકડ કરવાના ઘણા રસ્તાઓ હતા. અમે સહકાર આપીએ છીએ વિશ્વની અદાલતમાં કદાચ આપણે દોષિત ઠરીએ. સાચા ગુરુના દરબારમાં નહીં. એક મહિના પછી નક્કી કર્યું, આ ધરતી પર લડ્યા છે અને લડીશું. જેમના પર ખોટા કેસ છે, તેમનો સામનો કરવો પડશે. ધરપકડ એ શરૂઆત છે, અંત નથી.”
અમૃતપાલ તેના સમર્થકો સાથે આત્મસમર્પણ કરવા માંગતો હતો. આ માટે તે શનિવારે રાત્રે મોગાના રોડે ગામ પહોંચ્યો હતો. આ સંદર્ભે તેના નજીકના સંબંધીઓએ પંજાબ પોલીસના અધિકારીઓનો પણ સંપર્ક કર્યો હતો. આ માટે રવિવારની પસંદગી કરવામાં આવી હતી.
અગાઉ અમૃતપાલ વિશે એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે 14 એપ્રિલ 2023ના રોજ બૈસાખીના દિવસે સરેન્ડર કરી શકે છે. જો કે, આવું બન્યું ન હતું. પંજાબ પોલીસથી લઈને કેન્દ્રીય એજન્સીઓ અને ગુપ્તચર એજન્સીઓ તેની શોધમાં લાગેલી હતી. લગભગ 20 હજાર પોલીસકર્મીઓ પંજાબથી પડોશી રાજ્યોમાં તેને શોધી રહ્યા હતા.
આસામ પહોંચ્યો અમૃતપાલ
‘પંજાબ વારિસ દે’નો ચીફ અમૃતપાલ હાલમાં આસામની દિબ્રુગઢ જેલમાં પહોંચ્યો છે. તેના 8 સહયોગીઓ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ અટકાયતમાં છે. જેમાં તેમના ખાસ સહયોગી પપ્પનપ્રીત સિંઘનો પણ સમાવેશ થાય છે. મોગા જિલ્લાના રોડે ગામમાં રવિવારે સવારે (23 એપ્રિલ 2023) ધરપકડ દરમિયાન અમૃતપાલ સફેદ કુર્તા અને કેસરી પાઘડીમાં જોવા મળ્યો હતો. તેની તસવીરો પણ સામે આવી છે.
અમૃતપાલ પર પોલીસ સ્ટેશન પર હુમલાથી લઈને વિવિધ વર્ગો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા, હત્યાનો પ્રયાસ, પોલીસકર્મીઓ પર હુમલો અને ફરજના કાયદેસર નિકાલમાં લોકોને અવરોધ કરવા જેવા અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે. તેની સામેની તપાસમાં પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ સાથે પણ તેના સંબંધો દર્શાવવામાં આવ્યા છે.